Bible Language

1 Chronicles 23 (GUV) Gujarati Old BSI Version

1 હવે દાઉદ વૃદ્ધ તથા પાકી ઉંમરે પહોંચ્યો હતો. તેણે પોતાના પુત્ર સુલેમાનને ઇઝરાયલ ઉપર રાજા તરીકે નીમ્યો.
2 તેણે ઇઝરાયલના સર્વ સરદારોને, યાજકોને તથા લેવીઓને એકત્ર કર્યા.
3 ત્રીસ તથા તેની અધિક વર્ષની વયના લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની માથાદીઠ ગણતરી કરતાં તેઓ આડત્રીસ હજાર પુરુષો થયા.
4 તેઓમાંના ચોવીસ હજારને યહોવાના મંદિરના કામ પર દેખરેખ રાખવાને નીમ્યા. હજાર અમલદારો તથા ન્યાયાધીશો હતા.
5 ચાર હજાર દ્વારપાળો હતા.ચાર હજાર દાઉદે બનાવેલાં વાજિંત્રો વડે યહોવાની સ્તુતિ કરતા હતા.
6 દાઉદે લેવીના પુત્રો પ્રમાણે, એટલે ગેર્શોન, કહાથ, તથા મરારી પ્રમાણે તેમના વર્ગ પડ્યા.
7 ગેર્શોનીઓમાંના લાદાન તથા શિમઈ.
8 લાદાનના ત્રણ પુત્રો:જ્યેષ્ઠ પુત્ર યહીએલ, ઝેથામ તથા યોએલ.
9 શિમઈના ત્રણ પુત્રો:શલોમોથ, હઝીએલ તથા હારાન. તેઓ લાદાનનાં કુટુંબોના મુખ્ય પુરુષો હતા.
10 શલોમોથના ચાર પુત્રો:યાહાથ, ઝીઝા, યેઉશ તથા બરીઆ.
11 તેમાં યાહાથ જ્યેષ્ઠ હતો, ને ઝીઝા બીજો; પણ યેઉએશને તથા બરીઆને ઘણા પુત્રો હતા, માટે ગણતરીમાં તેઓ એક કુટુંબના ગણાયા.
12 કહાથના ચાર પુત્રો:આમ્રામ, ઇસહાર, હેબ્રોન તથા ઉઝ્ઝીએલ.
13 આમ્રામના પુત્રો:હારુન તથા મૂસા. હારુન તથા તેના પુત્રો સદા પરમપવિત્ર અસ્તુઓ અર્પે, સદા યહોવાની આગળ ધૂપ બાળે, તેમની સેવા કરે, તથા તેમના નામે આશીર્વાદ આપે, માટે હારુનને જુદો ગણવામાં આવ્યો.
14 પણ ઈશ્વરભક્ત મૂસાના પુત્રો તો લેવીના કુળમાં નોંધાયા.
15 મૂસાના પુત્રો:ગેર્શોમ તથા એલીએઝેર.
16 ગેર્શોમનો જ્યેષ્ઠ પુત્ર શબુએલ હતો.
17 એલીએઝેરનો જ્યેષ્ઠ પુત્ર રહાબ્યા હતો. એલીએઝેરને બીજા પુત્રો હતા; પણ રહાબ્યાના પુત્રો ઘણા હતા.
18 ઇસહારનો જ્યેષ્ઠ પુત્ર શલોમિથ હતો.
19 હેબ્રોનના પુત્રો:જ્યેષ્ઠ પુત્ર યરિયા, બીજો આમાર્યા ત્રીજો યાહઝીએલ, અને ચોથો યકામામ.
20 ઉઝ્ઝીએલનો જ્યેષ્ઠ પુત્ર મિખા હતો, બીજો યિશ્શિયા હતો.
21 મરારીના પુત્રો:માહલી તથા મુશી. માહલીના પુત્રો:એલાઝાર તથા કીશ.
22 એલાઝાર મરણ પામ્યો, તેને એકે પુત્ર નહોતો, પણ ફક્ત પુત્રીઓ હતી.તેઓના પિતરાઈ ભાઈઓ, એટલે કીશના પુત્રો, તેઓની સાથે પરણ્યા.
23 મુશીના ત્રણ પુત્રો:માહલી, એદેર તથા યરેમોથ.
24 તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે લેવીઓના પુત્રો હતા, એટલે તેઓમાંના જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા, એટલે વીસ તથા તેથી અધિક વયના હતા તેઓ યહોવાના મંદિરમાં સેવાનું કામ કરનાર હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના મુખ્ય પુરુષો હતા.
25 કેમ કે દાઉદે કહ્યું, “ઈઝરાયલના ઈશ્વર યહોવાએ પોતાના લોકને આરામ આપ્યો છે. તે સર્વકાળ યરુશાલેમમાં વસનાર છે.
26 તેથી લેવીઓને પણ હવે પછી મંડપ તથા તેની સેવાને માટે તેનાં સર્વ પાત્રો ઊંચકીને ફરવાની જરૂર નહિ પડે.”
27 દાઉદની છેલ્લી આજ્ઞાથી વીસ અને તેથી અધિક વર્ષની વયના લેવીપુત્રોની ગણતરી કરવામાં આવી હતી.
28 તેઓનું કામ યહોવાના મંદિરની સેવાને માટે હારુનના પુત્રોની ખિજમતમાં હાજર રહેવાનું હતું. એટલે આંગણાઓમાં, ઓરડાઓમાં તથા સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધીકરણમાં, એટલે ઈશ્વરના મંદિરની સેવાના કામમાં હાજર રહેવું.
29 અર્પણ કરેલી રોટલીને માટે તથા બેખમીર રોટલીના કે તવામાં શેકાયેલા કે તળેલાં ખાદ્યાર્પણના મેંદાને માટે, તથા સર્વ જાતનાં તોલ તથા માપને માટે પણ હાજર રહેવું.
30 દરરોજ સવારે તથા સાંજે યહોવાનો આભાર માનવા તથા તેમની સ્તુતિ કરવા ઊભા રહેવું.
31 તથા યહોવાની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે ગણીને આબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ, તથા મુકરર પર્વોએ યહોવાને સર્વ દહનીયાર્પણો ચઢાવવાં.
32 અને યહોવાના મંદિરની સેવાને માટે મુલાકાતમંડપની, પવિત્રસ્થાનની તથા પોતાના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી, તેઓનું કામ હતું.