Bible Language

1 Corinthians 12 (GUV) Gujarati Old BSI Version

1 હવે, ભાઈઓ, આત્મિક દાનો વિષે તમે અજાણ્યા રહો મારી ઇચ્છા નથી.
2 તમે વિદેશી હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ તમે મૂંગી મૂર્તિઓ પાછળ દોરવાઈ જતા હતા, તમે જાણો છો.
3 માટે હું તમને સમજાવું છું કે, ઈશ્વરના આત્મા ની પ્રેરણા થી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી. અને, ઈસુ પ્રભુ છે, એમ કોઈ માણસ પવિત્ર આત્મા ની પ્રેરણા વગર કહી શકતો નથી.
4 હવે કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનોએક.
5 વળી સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકનાએક.
6 કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક છે, જે સર્વમાં કર્તાહર્તા છે.
7 પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે.
8 કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવેલી છે; કોઈને આત્માથી વિદ્યાની વાત;
9 કોઈને આત્મા વડે વિશ્વાસ; કોઈને આત્મા વડે સાજાં કરવાનાં કૃપાદાન;
10 કોઈને ચમત્કાર કરવાનું દાન; કોઈને પ્રબોધ; કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું; કોઈને ભિન્‍ન ભિન્‍ન ભાષાઓ; અને કોઈને ભાષાંતર કરવાનું દાન આપવામાં આવેલું છે.
11 પણ પોતાની ઇચ્છા પ્રમાણે દરેકને જુદાં જુદાં દાન વહેંચી આપીને સર્વ કરાવનાર ને આત્મા છે.
12 કેમ કે જેમ શરીર એક છે, અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે; તેમ ખ્રિસ્ત પણ છે.
13 કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા; અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે.
14 કેમ કે શરીર એક અવયવનું નથી, પણ ઘણાનું.
15 જો પગ કહે, “હું હાથ નથી, માટે હું શરીરનો નથી;” તો તેથી તે શરીરનો નથી એમ નહિ.
16 જો કાન કહે, “હું આંખ નથી, માટે હું શરીરનો નથી.” તો તેથી તે શરીરનો નથી એમ નહિ.
17 જો આખું શરીર આંખ હોત, તો‍‍ શ્રવણ ક્યાં હોત? જો આખું શરીર શ્રવણ હોત, તો ઘ્રાણ ક્યાં?
18 પણ હવે ઈશ્વરે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે.
19 જો સર્વ એક અવયવ હોત, તો શરીર ક્યાં હોત?
20 પણ અવયવો ઘણા છે, પણ શરીર તો એક છે.
21 આંખથી હાથને કહેવાતું નથી, “મને તારી અગત્ય નથી.” તેમ માથાથી પગોને પણ કહેવાતું નથી, “મને તમારી અગત્ય નથી.”
22 ના, ના શરીરના જે અવયવો વધારે નાજુક દેખાય છે તેઓની વિશેષ અગત્ય છે.
23 અને શરીરના જે ભાગ ને આપણે ઓછા માનયોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ! એમ આપણા કદરૂપા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે.
24 પણ આપણા સુંદર અવયવો ને એવી વાતની અગત્ય નથી. પણ જે ભાગ ને ઓછું માન હતું તેને ઈશ્વરે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે.
25 કે, શરીરમાં ભાગલા પડે; પણ બધા અવયવો, એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે.
26 જો એક અવયવ દુ:ખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે; તેમ જો એક અવયવને માન મળે, તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.
27 હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદા જુદા અવયવો છો.
28 ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજાં કરવાનાં કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, ભિન્‍ન ભિન્‍ન ભાષાઓને.
29 શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે?
30 શું બધા ચમત્કાર કરનારા છે? શું બધાને સાજાં કરવાનાં કૃપાદાન છે? શું બધા ભિન્‍ન ભિન્‍ન ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?
31 તો જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઝંખના રાખો. વળી સર્વ કરતાં ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું.