Bible Language

1 Kings 9:22 (GUV) Gujarati Old BSI Version

1 અને સુલેમાન યહોવાના મંદિરનું તથા રાજાના મહેલનું બાંધકામ, અને જે જે કરવાની સુલેમાનની ઇચ્છા હતી, તે સર્વ કરી રહ્યો ત્યારે એમ થયું કે,
2 યહોવાએ તેને ગિબ્યોમનમાં દર્શન આપ્યું હતું, તેમ તમણે બીજી વાર સુલેમાનને દર્શન આપ્યું.
3 અને યહોવાએ તેને કહ્યું, “મારી આગળ કરેલી તારી પ્રાર્થના તથા તારી યાચના મેં સાંભળી છે. તારા બાંધેલા મંદિરને, મારું નામ તેમાં સદા રાખવા માટે, મેં પવિત્ર કર્યું છે, અને મારી‍ ર્દષ્ટિ તથા મારું હ્રદય નિરંતર ત્યાં રહેશે.
4 વળી તારો પિતા દાઉદ જેમ ચાલ્યો તેમ, મેં તને આપેલી સર્વ આજ્ઞાઓ પ્રમાણે કરવાને જો તું મારી આગળ શુદ્ધ હ્રદયથી ને પ્રામાણિકપણે ચાલશે, ને મારા વિધિઓ તથા મારા નિયમો પાળશે,
5 તો જેમ મેં તારા પિતા દાઉદને વચન આપ્યું હતું કે, ‘ઇઝરાયલના રાજ્યાસન પર તને વારસની ખોટ પડશે નહિ.’ તે પ્રમાણે હું તારા રાજ્યની ગાદી ઇઝરાયલ પર સર્વકાળ કાયમ રાખીશ.
6 પણ જો તમે અથવા તમારા દીકરા મને અનુસરવાનું છોડી દેશો, ને મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ જે મેં તમારી આગળ મૂકયાં છે તે નહિ પાળો, પણ જઈને અન્ય દેવોની સેવા કરશો ને તેમને ભજશો;
7 તો ઇઝરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી હું તેઓને નષ્ટ કરીશ, અને જે મંદિર મેં મારા નામને માટે પવિત્ર કર્યું છે તેને હું મારી‍ ર્દષ્ટિ આગળથી દૂર કરીશ; અને સર્વ લોક મધ્યે ઇઝરાયલ ર્દ્દષ્ટાંતરૂપ તથા કહાણીરૂપ થશે.
8 અને જો કે મંદિર ઘણું ઊંચું છે, તો પણ તેની પાસે થઈને જનાર દરેક જણ અચંબો પામશે, ને છટ છટ કરશે; અને તેઓ કહેશે, ‘શા માટે યહોવાએ દેશના તથા મંદિરના આવા હાલ કર્યા હશે?’
9 અને તેઓ ઉત્તર આપશે, ‘તેઓના પિતૃઓને મિસર દેશમાંથી કાઢી લાવનાર તેઓના ઈશ્વર યહોવાને તજી દઈને તેઓએ અન્ય દેવોને સ્વીકાર્યાં, ને તેમની ભક્તિ કરી ને તેમની સેવા કરી, તે માટે યહોવા સર્વ હાનિ તેમના પર લાવ્યા છે.’”
10 સુલેમાન વીસ વર્ષમાં બન્‍ને મકાન, એટલે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ બાંધી રહ્યો, ત્યાર પછી એમ થયું કે,
11 સુલેમાન રાજાએ હીરામને ગાલીલ પ્રાંતમાં વીસ નગરો આપ્યાં. (હવે તૂરના રાજા હીરામે સુલેમાનને જેટલાંની ઇચ્છા હતી તેટલા બધાં એરેજવૃક્ષનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં તથા સોનું પૂરાં પાડ્યાં હતાં.)
12 સુલેમાને હીરામને જે નગરો આપ્યાં હતાં તે જોવા માટે તે તૂરમાંથી આવ્યો; પણ તે તેને ગમ્યાં નહિ.
13 તેણે કહ્યું, “મારા ભાઈ, કેવા નગરો તેં મને આપ્યાં છે?” અને તેણે તેઓનું નામ કાબૂલ દેશ પાડ્યું, તે આજ સુધી છે.
14 અને હીરામે સુલેમાન રાજાને ત્યાં એક સો વીસ તાલંત સોનું મોકલ્યું.
15 યહોવાનું મંદિર, તથા પોતાનો મહેલ, તથા મિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે સુલેમાન રાજાએ જે વેઠ કરનારાની ટોળી ભેગી કરી તેની વિગત પ્રમાણે હતી.
16 મિસરના રાજા ફારુને ચઢાઈ કરીને ગેઝેરને સર કરી તેને અગ્નિથી બાળી નાંખ્યું હતું, ને તે નગરના રહેવાસી કનાનીઓને મારી નાખીને તે પોતાની પુત્રીને, એટલે સુલેમાનની પત્નીને, પલ્લામાં આપ્યું હતું.
17 સુલેમાને દેશમાં ગેઝેર, નીચલું બેથ-હોરોન,
18 બાલાથ, અરણ્યમાં તાદમોર,
19 સુલેમાનના ભંડારનાં સર્વ નગરો, તેના રથોને માટે નગરો, તેના સવારોને માટે નગરો તથા પોતાના શોખને માટે યરુશાલેમમાં તથા લબાનોનમાં તથા પોતાના અધિકાર નીચેનાં સર્વ દેશમાં જે જે બાંધકામ કરવાની સુલેમાનને ઈચ્છા થઈ, તે બાંધ્યાં.
20 સુલેમાને અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ, જેઓ ઇઝરાયલ લોકોમાંના હતાં,
21 પણ જેમનો પૂરો નાશ ઇઝરાયલીઓ કરી શકેલા નહિ, તેઓમાંથી બચી રહેલા સર્વ લોકનાં વંશજો જે તેમની પછી દેશમાં બચી રહેલા તેમના પર વેઠ નાખી, જે આજ સુધી છે.
22 પણ ઇઝરાયલ લોકમાંથી કોઈના પર સુલેમાને વેઠ નાખી નહિ. પણ તેઓ તો સૈનિકો, તેના ચાકરો, તેના અધિપતિઓ, તેના સરદારો ને તેના રથોના તથા તેના ઘોડેસવારોના અમલદારો હતા.
23 સુલેમાનના કામ પર જે મુખ્ય કારભારીઓ હતા તે હતા, એટલે કામના મજૂરો પર મુકાદમી કરનારા પાંચસો પચાસ હતા.
24 પણ ફારુનની પુત્રી દાઉદનગરમાંથી નીકળીને તેને માટે સુલેમાને જે મહેલ બાંધ્યો હતો તેમાં આવી; તે વખતે સુલેમાને મિલ્લો બાંધ્યું.
25 સુલેમાને યહોવાને અર્થે જે વેદી બાંધી હતી, તે પર તે દર વર્ષે ત્રણ વખત દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવતો હતો, ને તેની સામે યહોવાની આગળ ની વેદી પર ધૂપ બાળતો હતો. પ્રમાણે તેણે ઘર પૂરું કર્યું.
26 વળી સુલેમાન રાજાએ અદોમ દેશમાં લાલ સમુદ્રના કાંઠા પરના એલોથ પાસેના એસ્યોન-ગેબેરમાં વહાણોનો કાફલો બનાવ્યો.
27 અને હીરામે પોતાના ચાકરોને એટલે જેઓ સમયના ભોમિયા હતા એવા વહાણવટીઓને વહાણો પર સુલેમાનના ચાકરોની સાથે મોકલ્યા.
28 તેઓ ઓફીર જઈને ત્યાંથી ચારસો વીસ તાલંત સોનું લઈને સુલેમાન રાજા પાસે લાવ્યા.