Bible Language

1 Timothy 2 (GUV) Gujarati Old BSI Version

1 હવે સહુથી પ્રથમ હું એવો બોધ કરું છું કે, સર્વ માણસોને માટે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભારસ્તુતિ કરવામાં આવે.
2 રાજાઓને માટે તેમ સર્વ અધિકારીઓને માટે પણ. જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે, શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ.
3 કેમ કે ઈશ્વર આપણા તારનારની નજરમાં સારું તથા પ્રિય છે.
4 સર્વ માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઇચ્છા છે.
5 કેમ કે ઈશ્વર એક છે, અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ,
6 જેમણે સર્વ માણસોના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું. એમની સાક્ષી નિર્માણ થયેલે સમયે આપવામાં આવી હતી.
7 એને માટે મને ઉપદેશક તથા પ્રેરિત (હું સાચું બોલું છું, હું જૂઠું બોલતો નથી), અને વિશ્વાસમાં તથા સત્યમાં વિદેશીઓને શીખવનાર નિર્માણ કર્યો છે.
8 માટે મારી ઇચ્છા છે કે, પુરુષો સર્વ સ્થળે રીસ તથા વાદવિવાદ વિના શુદ્ધ હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે.
9 એમ સ્‍ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્‍ત્રથી પોતાને શણગારે. ગૂંથેલા વાળથી તથા સોના કે મોતી ના અંલકાર થી કે, કિંમતી પોશાકથી નહિ,
10 પણ ઈશ્વરની ભક્તિમાં નિમગ્ન રહેનારી સ્‍ત્રીઓને શોભે એવી રીતે, એટલે સારાં કામથી પોતાને શણગારે.
11 સ્‍ત્રીએ સંપૂર્ણ આધીનતાથી છાની રહીને શીખવું.
12 ઉપદેશ કરવાની કે, પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્‍ત્રીને રજા આપતો નથી, પણ તેણે છાની રહેવું.
13 કેમ કે આદમ પહેલાં ઉત્પન્‍ન થયો, પછી હવા.
14 અને આદમ છેતરાયો નહિ, પણ સ્‍ત્રી છેતરાઈને પાપમાં પડી
15 તોપણ જો સ્‍ત્રી મર્યાદાસહિત વિશ્વાસ, પ્રેમ તથા પવિત્રતામાં રહે, તો તે પુત્રપ્રસવદ્વારા તારણ પામશે.