Bible Language

2 Chronicles 14:1 (GUV) Gujarati Old BSI Version

1 પછી અબિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં દાટવામાં આવ્યો, ને તેને સ્થાને તેનો પુત્ર આસા રાજા થયો. તેની કારકિર્દીમાં દશ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
2 આસાએ પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે સારું તથા યથાર્થ હતું તે કર્યું.
3 તેણે પારકી વેદીઓ તથા ઉચ્ચસ્થાનો કાઢી નાંખ્યાં, ભજનસ્તંભો ભાંગી નાખ્યા, ને અશેરીમ મૂર્તિઓને કાપી નાખી.
4 તેણે યહૂદાને તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાની ઉપાસના કરવાનો ને તેમના નિયમ તથા આજ્ઞા પાળવાનો હુકમ કર્યો.
5 વળી તેણે યહૂદિયાના સર્વ નગરોમાંથી ઉચ્ચસ્થાનો તથા સૂર્યની મૂર્તિઓ કાઢી નાખી, અને તેના સમયમાં રાજ્યમાં શાંતિ હતી.
6 તેણે યહૂદિયામાં કિલ્લાવાળા નગરો બાંધ્યાં, કેમ કે દેશમાં શાંતિ હતી, ને તે દરમિયાન તેના રાજ્યમાં ક્યાંય પણ લડાલી ચાલતી નહોતી, કેમ કે યહોવાએ તેને શાંતિ આપી હતી.
7 તેણે યહૂદાને કહ્યું, “આપણે નગરો બાંધીએ, ને તેઓની આસપાસ કોટ, બુરજો, દરવાજા તથા ભૂંગળો બાંધીએ. હજી દેશમાં આપણને કોઈની નડતર નથી, કેમ કે આપણે આપણા ઈશ્વર યહોવાની ઉપાસના કરી છે, તેથી; તેમણે આપણને ચારે તરફ શાંતિ આપી છે.” પ્રમાણે તેઓએ બાંધકામ કર્યા ને આબાદ થયા.
8 આસાની પાસે ઢાલો તથા ભાલાથી સજ્જિત યહૂદાનું ત્રણ લાખ પુરુષોનું, તથા બિન્યામીનનું ઢાલો તથા ધનુષ્યથી સજ્જિત બે લાખ એંશી હજાર પુરુષોનું સૈન્ય હતું. સર્વ પરાક્રમી શૂરવીર પુરુષો હતા.
9 ઝેરા નામનો કૂશી દશ લાખ માણસોનું સૈન્ય તથા ત્રણસો રથો લઈ તેઓની સામે ચઢી આવ્યો. અને મારેશા સુધી તે આવી પહોંચ્યો.
10 આસા તેની સામે ગયો, ત્યારે મારેશાની પાસેના સફાતાના મેદાનમાં તેઓએ વ્યૂહ રચ્યો.
11 આસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરી, “હે યહોવા, બળવાનની વિરુદ્ધ નિર્બળને સહાય કરનાર, તમારા સવાય બીજો કોઈ નથી. હે યહોવા, અમારા ઈશ્વર, અમને સહાય કરો. અમે તમારા પર ભરોસો રાખીએ છીએ, તમારે નામે અમે મોટા સૈન્યની સામે આવ્યા છીએ. હે યહોવા, તમે અમારા ઈશ્વર છો; તમારી વિરુદ્ધ માણસ ફાવી જાય નહિ.”
12 એથી આસાને તથા યહૂદાને હાથે યહોવાએ કૂશીઓને હાર આપી. અને કૂશીઓ નાઠા.
13 આસા તથા તેની સાથેના લોક ગરાર સુધી તેઓની પાછળ પડ્યા. કૂશીઓમાંથી એટલા બધાં માણસો માર્યા ગયા કે તેઓમાંથી એક પણ બચ્યો નહિ, કેમ કે તેઓ યહોવા તથા તેમના સૈન્યને હાથે નાશ પામ્યા; યહૂદાના માણસો પુષ્કળ લૂટ લઈ ગયા.
14 તેઓએ ગરારની આસપાસનાં સર્વ નગરો જીતી લીધાં; કેમ કે ત્યાંના લોકોને યહોવાનો ભય લાગ્યો. નગરોમાં ઘણું દ્રવ્ય હોવાથી તેઓએ તે લૂટી લીધાં.
15 વળી તેઓએ ઢોરનાં માડવાઓ પર પણ હૂમલો કર્યો, ને પુષ્કળ ઘેટાં તથા ઊંટો લઈને યરુશાલેમ પાછા આવ્યાં.