Bible Language

2 Chronicles 5:14 (GUV) Gujarati Old BSI Version

1 પ્રમાણે સુલેમાને યહોવાના મંદિરનું કામ સમાપ્ત કર્યું. સુલેમાને તેના પિતા દાઉદની અર્પણ કરેલી વસ્તુઓ એટલે રૂપું તથા સોનું તથા સર્વ પાત્રો, અંદર લાવીને તેમને ઈશ્વરના મંદિરના ભંડારોમાં મૂક્યાં.
2 ત્યાર પછી દાઉદનગરમાંથી એટલે સિયોનમાંથી યહોવાનો કરારકોશ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયલના વડીલોને તથા કુળોના સર્વ આગેવાનોને, એટલે ઇઝરાયલી લોકોના પિતૃઓના કુટુંબોના વડીલોને યરુશાલેમમાં એકત્ર કર્યાં.
3 ઇઝરાયલના સર્વ પુરુષો સાતમાં માસના પર્વમાં રાજાની પાસે એકત્ર થયા.
4 ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા ને લેવીઓએ કોશ ઉપાડ્યો.
5 તેઓ કોશને, મુલાકાતમંડપને તથા તંબુની અંદરના સર્વ પાત્રોને લઈ આવ્યા. વસ્તુઓ લેવી યાજકો લઈ આવ્યા.
6 સુલેમાન રાજા તથા તેની સામે એકત્ર મળેલી ઇઝરાયલની સમગ્ર પ્રજાને કોશની આગળ, અસંખ્ય ઘેટાં, તથા બળદોનું બલિદાન આપ્યું.
7 યાજકોએ યહોવાના કરારકોશને તેની જગાએ, મંદિરના ઈશ્વરવાણીસ્થાનમાં, એટલે પરમપવિત્રસ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવીને મૂક્યો.
8 કરુબોએ કોશની ઉપર પોતાની પાંખો પસારેલી હતી, તેથી કરુબોએ કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કર્યું.
9 દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા ઈશ્વરવાણીસ્થાનની આગળ કોશ પાસેથી દેખાતા હતા; પણ તે બહારથી દેખાતા હતા. ત્યાં તે આજ સુધી છે.
10 ઇઝરાયલી લોકો મિસરમાંથી નીકળ્યા ત્યારે હોરેબ કે, જ્યાં યહોવાએ તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે પાટીઓ કોશમાં મૂકી હતી તે સિવાય બીજું કંઈ એમાં નહોતું.
11 પવિત્રસ્થાનમાંથી યાજકો નીકળ્યા (જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યાં હતા, ને જેઓ પોતાનું વારાનું કામ કરતા નહોતા તેઓએ પણ પોતાને પવિત્ર કર્યા હતા.
12 વળી સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન, તથા તેઓના પુત્રો અને તેઓના ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વે ઊભા હતા, તથા તેઓની સાથે એકસો વીસ યાજકો પણ રણશિંગડાં વગાડતા હતા.)
13 અને જ્યારે રણશિંગડાંવાળાએ તથા ગાનારાઓએ યહોવાની સ્તુતિ કરવા તથા આભાર માનવા માટે ઉચ્ચ સ્વરથી એક સરખો આવાજ કર્યો; અને જ્યારે તેઓએ રણશિંગડાંથી, ઝાંઝોથી તથા વાજિંત્રોથી મોટો નાદ કાઢ્યો, ને યહોવાની સ્તુતિ કરીને કહ્યું, “તે સારા છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે.” તે વખતે યહોવાનું મંદિર મેઘથી ભરાઈ ગયું,
14 તેથી યાજકો મેઘને લીધે સેવા કરવાને ઊભા રહી શક્યા નહિ, કેમ કે યહોવાના ગૌરવથી ઈશ્વરનું મંદિર ભરાઈ ગયું હતું.