Bible Language

2 Kings 3 (GUV) Gujarati Old BSI Version

1 યહૂદિયાના રાજા યહોશાફાટને અઢારમે વર્ષે આહાબનો દીકરો યહોરામ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ રાજ કર્યું.
2 અને તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તોપણ તેના પિતાની જેમ ને તેની માની જેમ નહિ; કેમ કે તેના પિતાએ કરેલો બાલનો સ્તંભ તેણે કાઢી નાખ્યો.
3 તોપણ નબાટના દીકરા યરોબામનાં પાપ કે જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેને તે વળગી રહ્યો. એમાંથી તે ખસ્યો નહિ.
4 હવે મોઆબનો રાજા મેશા ઘેટાંનો માલિક હતો. અને તે ઇઝરાયલના રાજાને એક લાખ હલવાનનું તથા એક લાખ ઘેટાંનું ઊન ખંડણી દાખલ આપતો હતો.
5 પણ આહાબ મરણ પામ્યો ત્યારે એમ થયું કે મોઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બંડ કર્યું.
6 તે વખતે યહોરામ રાજાએ સમરુનમાંથી નીકળીને બધા ઇઝરાયલને ભેગા કર્યા.
7 અને તેણે જઈને યહૂદિયાના રાજા યહોશાફાટ પાસે માણસ મોકલીને કહાવ્યું, “મોઆબના રાજાએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે. તું મારી સાથે મોઆબ સામે યુદ્ધ કરવા આવશે?” તેણે કહ્યું, “હું આવીશ:જેવા તમે તેવો હું છું, જેવા તમારા લોક તેવા મારા લોક, ને જેવા તમારા ઘોડા તેવા મારા ઘોડા છે.”
8 યહોશાફાટે પૂછ્યું, “આપણે કયે માર્ગે ચઢાઈ કરીશું?” યહોરામે ઉત્તર આપ્યો, “અદોમના અરણ્યને માર્ગે.”
9 એમ ઇઝરાયલનો રાજા, યહૂદિયાનો રાજા તથા અદોમનો રાજા ચાલી નીકળ્યા. તેઓએ ચકરાવો ખાઈને સાત દિવસની મુસાફરી કરી, અને સૈન્યને માટે તથા તેમની સાથેના પશુઓને માટે પાણી હતું.
10 ત્યારે ઇઝરાયલના રાજાએ કહ્યું, “અફસોસ! કેમ કે યહોવાએ આપણ ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યા છે.”
11 પણ યહોશાફાટે કહ્યું, “શું અહીં યહોવાનો કોઈ પ્રબોધક નથી કે, આપણે તેની મારફતે યહોવાને પૂછી જોઈએ?” ઇઝરાયલના રાજાના ચાકરોમાંના એકે ઉત્તર આપ્યો, ”શાફાટનો દીકરો એલિશા, જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો, તે અહીં છે.”
12 યહોશાફાટે કહ્યું, “એની પાસે યહોવાનું વચન છે.” તે પરથી ઇઝરાયલનો રાજા, ને યહોશાફાટ, તથા અદોમનો રાજા એની પાસે ગયા.
13 એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “મારે ને તમારે શું છે? તમારા પિતાના પ્રબોધકો પાસે તથા તમારી માના પ્રબોધકો પાસે જાઓ.” ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “એમ નહિ; કેમ કે યહોવાએ અમ ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યાં છે,
14 એલિશાએ કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવા, જેમની સમક્ષ હું ઊભો રહું છું તેમના જીવના સમ કે, જો યહૂદિયાના રાજા યહોશાફાટના મોંની શરમ મને પડતી હોત, તો ખરેખર હું તમારી તરફ નજર પણ કરત, ને તમને જોત પણ નહિ.
15 પણ હવે મારી પાસે એક બજવૈયાને લાવો.” તે બજવૈયાએ વાજિંત્ર વગાડ્યું, ત્યારે એમ થયું કે યહોવાનો હાથ તેના પર આવ્યો.
16 તેણે કહ્યું, “યહોવા એમ કહે છે, ‘આ ખીણમાં બધે ખાઈઓ ખોદો.’
17 કેમ કે યહોવા એમ કહે છે, ‘તમે પવન જોશો નહિ, તેમ તમે વરસાદ પણ જોશો નહિ, તોપણ ખીણ પાણીથી ભરાશે. અને તમે, એટલે તમે તેમ તમારાં ઢોર તથા તમારાં જાનવર પણ પીશે.
18 અને તો યહોવાની‍ ર્દષ્ટિમાં ફક્ત જૂજ જેવું છે; વળી તે મોઆબીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે.
19 અને તમે દરેક કોટવાળા નગરને તથા દરેક દિલપસંદ નગરને મારશો, ને દરેક સારા ઝાડને કાપી નાખશો, ને પાણીના સર્વ ઝરા પૂરી દેશો, ને જમીનના દરેક સારા ટુકડામાં પથ્થરો નાખીને તેને બગાડી નાખશો.”
20 સવારે સુમારે અર્પણ ચઢાવવાના સમયે એમ થયું કે, જુઓ, અદોમ તરફથી પાણી આવ્યું, ને દેશમાં બધે પાણી પાણી થઈ રહ્યું.
21 હવે સર્વ મોઆબીઓએ સાંભળ્યું, “રાજાઓ અમારી સામે યુદ્ધ કરવા માટે ચઢી આવ્યા છે, ત્યારે શસ્ત્ર સજી શકે એવા તથા તેથી વધારે વયના સર્વ એકઠા થઈને સરહદ પર ઊભા રહ્યા.
22 તેઓ મળસકે ઊઠ્યા, ને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો, ત્યારે મોઆબીઓએ તેમની સામેનું પાણી રક્ત જેવું લાલ દેખાયું.
23 અને તેઓએ કહ્યું, “એ તો રક્ત છે. નક્કી રાજાઓ નાશ પામ્યા છે, ને તે બધાએ પોતપોતાના સાથીઓને મારી નાખ્યા છે. માટે હવે, મોઆબીઓ, લૂટવા માંડો.”
24 તેઓ ઇઝરાયલની છાવણી પાસે આવ્યા ત્યારે ઇઝરાયલીઓએ ઊઠીને મોઆબીઓને એવા માર્યા કે તેઓ તેમની આગળથી નાઠા; અને તેઓ મોઆબીઓને મારતા મારતા દેશમાં દૂર સુધી ગયા.
25 તેઓએ નગરો પાડી નાખ્યાં, અને દરેક માણસે જમીનના દરેક સારા ટુકડામાં પથ્થર નાખીને તેને ભરી કાઢ્યો. તેઓએ પાણીના સર્વ ઝરા પૂરી નાખ્યા, ને સર્વ સારાં ઝાડ કાપી નાખ્યાં. ફક્ત કીર-હરેસેથમાં તેઓએ તેના પથ્થરો રહેવા દીધા; તોપણ ગોફણ મારનાર એની આસપાસ ફરીને એના પર મારો ચલાવતા હતા.
26 મોઆબના રાજાએ જોયું કે યુદ્ધ પોતાને ઘણું ભારે પડ્યું, ત્યારે તેણે શત્રુઓની અંદર થઈને અદોમના રાજા પર ઘસી જવા માટે પોતાની સાથે સાતસો તરવારિયા લીધા; પણ તેઓ જઈ શક્યા નહિ.
27 પછી તેણે પોતાનો વડો દીકરો, જે તેને સ્થાને રાજા થવાનો હતો, તેને લઈને દહનીયાર્પણ તરીકે કોટ પર તેનું બલિદાન આપ્યું. એથી ઇઝરાયલ પર ઈશ્વરને બહુ ક્રોધ ચઢ્યો; અને તેઓ તેની પાસેથી ચાલી નીકળીને પોતાના દેશમાં પાછા ગયા.