Bible Language

2 Chronicles 4:9 (GUV) Gujarati Old BSI Version

1 વળી સુલેમાને પિત્તળની એક વેદી બનાવી. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ વીસ હાથ તથા ઊંચાઈ દશ હાથ હતી.
2 વળી તેણે ઢાળેલો સમુદ્ર બનાવ્યો. તે ગોળ હતો; તેનો વ્યાસ દશ હાથ, અને ઘેરાવો વીસ હાથ હતો, ને તેની ઊંચાઈ પાંચ હાથ હતી.
3 તેની નીચે ચારે તરફ ફરતી કળીઓ, એટલે દરેક હાથે દશ કળીઓ પાડેલી હતી. કળીઓની બે હારો હતી, ને તે તેની સાથે ઢાળવામાં આવી હતી.
4 તે સમુદ્ર બાર બળદ ઉપર ગોઠવેલો હતો, ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં મુખ પશ્ચિમ તરફ, ત્રણનાં મુખ દક્ષિણ તરફ અને ત્રણનાં મુખ પૂર્વ તરફ હતાં. સમુદ્ર તેમનાં ઉપર ગોઠવેલો હતો, ને તેમની સર્વ પૂંઠો અંદરની બાજુએ હતી.
5 તેની જાડાઈ ચાર આંગળ હતી. તેના કાનાની બનાવટ વાટકાના કાનાની માફક કમળના ફૂલ જેવી હતી. તેમાં ત્રણ હજાર બાથ (એટલે આસરે હજાર બેડાં) સમાતાં હતાં.
6 વળી તેણે ધોવા માટે દશ કૂડાં બનાવ્યાં, પાંચ જમણે હાથે તથા પાંચ ડાબે હાથે મૂક્યાં. તેઓમાં દહનીયાર્પણને લગતા પદાર્થો ધોતા હતા. સમુદ્ર તો યાજકોને નાહવાધોવા માટે હતો.
7 તેણે મળેલા વિધિ પ્રમાણે સોનાનાં દશ દીપવૃક્ષ બનાવ્યાં; અને તેણે તેમને મંદિરમાં પાંચ જમણી બાજુએ તથા પાંચ ડાબી બાજુએ મૂક્યાં.
8 વળી તેણે દશ મેજ બનાવી, ને તેમને મંદિરમાં પાંચ જમણી બાજુએ તથા પાંચ ડાબી બાજુએ મૂકી. તેણે સોનાનાં એકસો તપેલાં બનાવ્યાં.
9 તે ઉપરાંત તેણે યાજકોનો ચોક તથા મોટો ચોક બાંધ્યાં, ને તેમનાં કમાડો બનાવ્યાં, ને તે કમાડોને તેણે પિત્તળથી મઢ્યાં.
10 તેને સમુદ્રને મંદિરની જમણી બાજુએ અગ્નિકોણમાં મૂક્યો.
11 હિરામે દેગડા, પાવડા તથા તપેલાં બનાવ્યાં. પ્રમાણે ઈશ્વરનાં મંદિરમાં સુલેમાન રાજાને માટે હિરામ જે કામ કરતો હતો તે તેણે પૂરું કર્યું.
12 એટલે બે સ્તંભો, વાટકા તથા સ્તંભોની ટોચો ઉપરના બે કળશ; તથા સ્તંભોની ટોચો ઉપરના કળશોને ઢાંકવા માટે બે જાળીઓ;
13 અને બે જાળીને માટે ચારસો દાડમ; એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી.
14 વળી તેણે જળગાડી તથા તે પરનાં કૂડાં,
15 એક સમુદ્ર તથા તેની નીચેના બાર બળદ બનાવ્યાં.
16 વળી તપેલાં, પાવડા, ત્રિશૂળો તથા તેને લગતાં સર્વ પાત્રો યહોવાના મંદિરને માટે સુલેમાન રાજાને માટે હિરામે ચકચકિત પિત્તળનાં બનાવ્યાં.
17 રાજાએ તેમને યર્દનના સપાટ પ્રદેશમાં સુકકોથ તથા સરેદાની વચ્ચેની‍ ચીકણી માટીની જમીનમાં ઢાળ્યાં.
18 એમ સુલેમાને સર્વ પાત્રો પુષ્કળ બનાવ્યાં. એમાં વપરાયેલા પિત્તળનું વજન અણતોલ હતું.
19 સુલેમાને ઈશ્વરના મંદિરના સર્વ પાત્રો, વેદી તથા અર્પિત રોટલીની મેજો ચોખ્ખા સોનાની બનાવી.
20 વિધિ પ્રમાણે પરમપવિત્રસ્થાનની આગળ સળગાવવા માટે દીપવૃક્ષો;
21 તેમનાં ફૂલો, ચાડાં, ચીપિયા,
22 કાતરો, તપેલાં, ચમચા તથા સગડીઓ ચોખ્ખા સોનાના બનાવ્યાં. પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને માટે જે કમાડો હતાં તે સોનાનાં હતાં.