Bible Language

2 Chronicles 8:6 (GUV) Gujarati Old BSI Version

1 જે વીસ વર્ષમાં સુલેમાન યહોવાનું મંદિર તથા પોતાનો મહેલ બાંધી રહ્યો ત્યાર પછી,
2 હિરામે જે નગરો તેને આપ્યાં હતાં તેમને તેણે ફરીથી બાંધીને ત્યાં ઇઝરાયલી લોકોને વસાવ્યા.
3 પછી સુલેમાને હમાથ-સોબા ઉપર ચઢાઈ કરીને તેને જીતી લીધું.
4 તેણે અરણ્‍યમાં તાદમોર તથા હમાથમાં ભંડારનાં સર્વ નગરો બાંધ્યાં.
5 વળી તેણે ઉપલું બેથ-હોરોન તથા નીચલું બેથ-હોરોન બાંધ્યાં, ને કોટ, દરવાજા તથા ભૂગળોથી તેઓને સુરક્ષિત કર્યાં.
6 બાલાથ તથા ભંડારનાં જે સર્વ નગરો સુલેમાનનાં પોતાનાં હતાં તે, તેના રથોના સર્વ નગરો, તેના સવારોનાં નગરો, તથા પોતાની મોજને માટે યરુશાલેમમાં, લબાનોનમાં, ને પોતાની હકૂમતના સર્વ દેશોમાં જે નગરો બાંધવા ચાહ્યાં તે સર્વ તેણે બાંધ્યાં.
7 હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓમાંના જે બાકી રહ્યા હતા અને જેઓ ઇઝરાયલના વંશના નહોતા,
8 તેઓનાં વંશજોમાંના કેટલાંક તેઓની પાછળ દેશમાં બચી રહ્યા હતાં, અને જેઓનો ઇઝરાયલી લોકોએ નાશ કર્યો નહોતો, તેઓને માથે સુલેમાને વેઠ નાખી; અને આજ સુધી એમ છે.
9 પણ સુલેમાને પોતાના કામને માટે ઇઝરાયલી લોકોમાંથી કોઈને પણ વેઠિયા કર્યા નહિ. પણ તેઓ તો લડવૈયા, સરદારો, તેમ તેના રથોના તથા સવારોના ઉપરી હતા.
10 લોકો ઉપર અધિકાર ચલાવનાર, સુલેમાન રાજાના મુખ્ય અમલદારો અઢીસો હતા.
11 સુલેમાને ફારુનની પુત્રી માટે જે મહેલ બંધાવ્યો હતો ત્યાં તે તેને દાઉદનગરમાંથી તેડી લાવ્યો. તેણે કહ્યું, “જે સ્થળમાં યહોવાનો કોશ આવ્યો છે તે પવિત્ર છે, માટે મારી પત્ની ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં રહેશે નહિ.”
12 ત્યાર પછી પરસાળની સામે યહોવાની જે વેદી સુલેમાને બાંધી હતી તે ઉપર યહોવાને તે દહનીયાર્પણો ચઢાવતો હતો.
13 દરરોજના કાર્યક્રમ પ્રમાણે સાબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ, તથા મુકરર પર્વોએ, એટલે વર્ષમાં ત્રણ વાર, બેખમીર રોટલીના પર્વમાં સપ્તાહોના પર્વમાં, તથા માંડવાઓના પર્વમાં મૂસાની આજ્ઞા પ્રમાણે તે અર્પણ કરતો.
14 તેણે દરરોજના કાર્યક્રમ પ્રમાણે પોતાના પિતા દાઉદના વિધિ પ્રમાણે યાજકોના કામ પર વારા પ્રમાણે નિયુક્ત કરેલી ટોળીઓને, લેવીઓને, પોતાના કામ ઉપર એટલે સ્તોત્ર ગાવા તથા યાજકની સેવા કરવા માટે, ઠરાવ્યા. વળી દરેક દ્વાર આગળ વારા પ્રમાણે દ્વારપાળો નીમ્યા; (કેમ કે ઈશ્વરભકત દાઉદે એવી આજ્ઞા કરી હતી.)
15 કોઈ પણ કામ સંબંધી અથવા ભંડારો સંબંધી યાજકો તથા લેવીઓને રાજાએ જે આજ્ઞા આપેલી હતી તેની તેઓ અવગણના કરતા નહિ.
16 યહોવાના મંદિરનો પાયો નાખવામાં આવ્યો ત્યારથી તે પૂરું થયું ત્યાં સુધીનું સુલેમાનનું સર્વ કામ તૈયાર થયું હતું. પ્રમાણે યહોવાનું મંદિર પૂરું થયું.
17 ત્યાર પછી સુલેમાન અદોમ દેશમાં સમુદ્રકાંઠા પરનાં એસ્યોન-ગેબેર તથ એલોથ ગયો.
18 હિરામે પોતાના ચાકરોની મારફતે વહાણો તથા સમુદ્રના ભોમિયા નાવિકો તેની પાસે મોકલ્યા. તેઓ સુલેમાનના સેવકોની સાથે ઓફીર ગયા, ને ત્યાંથી સાડી ચારસો તાલંત સોનું લાવીને સુલેમાન રાજાને તે આપ્યું.