Bible Language

2 Kings 13:4 (GUV) Gujarati Old BSI Version

1 યહૂદિયાના રાજા અહાઝ્યાના દીકરા યોઆશને ત્રેવીસમે વર્ષે યેહૂનો દીકરો યહોઆહાઝ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે સત્તર વર્ષ રાજ કર્યું.
2 તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને નબાટના દીકરા યરોબામનાં પાપો જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેનું અનુકરણ તેણે કર્યું; તે તેણે તજ્યાં નહિ.
3 એથી ઇઝરાયલ પર યહોવાનો કોષ સળગી ઊઠ્યો. અને યહોવાએ તેમને અરામના રાજા હઝાએલનાં હાથમાં તથા હઝાએલના દીકરા બેન-હદાદના હાથમાં વારંવાર સોંપ્યાં.
4 યહોઆહાઝે યહોવાને વિનંતી કરી, ને યહોવાએ તેનું સાંભળ્યું; કેમ કે અરામનો રાજા ઇઝરાયલ પર કેવો જુલમ કરતો હતો, તે તેમણે જોયું.
5 (અને યહોવાએ ઇઝરાયલને એક છોડાવનાર આપ્યો, એથી તેઓ અરામીઓના હાથમાંથી છૂટી ગયા. અને ઇઝરાયલી લોકો અગાઉની જેમ પોતાના ઘરોમામ રહેવા લાગ્યા.
6 તોપણ યરોબામના કટુંબનાં પાપો જે તેણે ઇઝરાયલ પાસે કરાવ્યાં હતાં તે કરતાં તેઓ અટક્યા નહિ, પણ તે કરવાં તેઓએ ચાલુ રાખ્યાં અશેરા મૂર્તિ પણ સમરુનમાં રહી.).
7 તેણે પચાસ સવારો, દશ રથો તથા દશ હજાર પાયદળ સિવાય યહોઆહાઝ પાસે બીજું કંઈ સૈન્ય રહેવા દીધું નહિ. કેમ કે અરામના રાજાએ તેમનો નાશ કરીને તેમને ખળીની ધૂળ જેવા કરી નાખ્યા હતા.
8 હવે યહોઆહાઝના બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે, તથા તેનું પરાક્રમ, તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?
9 અને યહોઆહાઝ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો; અને તેઓએ તેને સમરુનમાં દાટ્યો, અને તેના દીકરા યોઆશે તેની જગાએ રાજ કર્યું.
10 યહૂદિયાના રાજા યોઆશને સાડત્રીસમે વર્ષે યહોઆહાઝનો દીકરો યહોઆશ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે સોળ વર્ષ રાજ કર્યું.
11 તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં બધાં પાપો જે વડે તેણે ઇઝરયલ પાસે પાપ કરાવ્યું, તેમાંથી તે ખસ્યો નહિ, પણ તે તેમાં ચાલ્યો.
12 હવે યોઆશનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે, તેમ યહૂદિયાના રાજા અમાસ્યા સામે યુદ્ધ કરીને જે પરાક્રમ તેણે કરી બતાવ્યું, તે સર્વ ઇઝરાયલનાં રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?
13 અને યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. અને તેના રાજ્યાસન પર યરોબામ બેઠો. અને યોઆશને ઇઝરાયલના રાજાઓની સાથે સમરુનમાં દાટવામાં આવ્યો.
14 એલિશા મરણપથારીએ પડ્યો હતો. ઇઝરયલનો રાજા યોઆશ તેની પાસે આવ્યો, અને તેને જોઈને રડી પડ્યો, ને કહ્યું, “મારા પિતા, મારા પિતા, ઇઝરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો!”
15 એલિશાએ તેને કહ્યું, “ધનુષ્ય ને બાણો લે;” અને તેણે ધનુષ્ય ને બાણો પોતાના હાથમાં લીધાં.
16 પછી એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “તારો હાથ ધનુષ્ય પર મૂક.” એટલે તેણે પોતાનો હાથ તે પર મૂક્યો. અને એલિશાએ પોતાના હાથ રાજાના હાથ પર મૂક્યા.
17 અને તેણે કહ્યું, “પૂર્વ તરફની બારી ઉધાડ;” એટલે એણે તે ઉધાડી. પછી એલિશાએ કહ્યું, “બાણ છોડ.” અને તેણે બાણ છોડ્યું. એલિશાએ કહ્યું, “આ યહોવાનું જયનું બાણ. તું અફેકમાં અરામીઓને મારીને તેમનો નાશ કરશે.”
18 તેણે કહ્યું, “બાણો લે;” અને રાજાએ બાણ લીધાં. એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “જમીન પર માર;” ત્યારે ત્રણ વાર મારીને અટક્યો.
19 અને ઈશ્વરભક્તે તેના પર ગુસ્સે થઈને કહ્યું, “તારે પાંચ કે વખત બાણ મારવાં જોઈતાં હતાં. એમ કર્યું હોત તો તું તેમને હરાવીને તેમનો નાશ કરત, પણ હવે તો તું ત્રણ વાર અરામને હરાવશે.”
20 એલિશા મરણ પામ્યો, ને તેઓએ તેને દાટ્યો. હવે વર્ષ બેસતાં મોઆબીઓની ટોળીઓએ દેશ પર હુમલો કર્યો.
21 અને તેઓએ કોઈએક માણસને દાટતા હતા ત્યારે એમ થયું કે, જુઓ, એક ટોળીને આવતી જોઈને તેઓએ તે માણસને એલિશાની કબરમાં નાખી દીધો. અને તે માણસ એલિશાના હાડકાંને અડક્યો કે તરત તે જીવતો થયો, ને ઊઠીને ઊભો થયો.
22 અરામના રાજા હઝાએલે યહોઆહાઝના સર્વ દિવસોભર ઇઝરાયલ પર જુલમ કર્યો.
23 પણ યહોવાએ ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબ સાથેના પોતાના કરારને લીધે તેઓ પર કૃપા કરી, તેઓ પર દયા રાખી, ને તેઓનો પક્ષ કર્યો, ને તેઓનો નાશ કરવાનું ચાહ્યુ નહિ, તેમ તેમણે તેમને હજી સુધી પોતાની હજૂરમાંથી દૂર કર્યા નહિ.
24 અરામનો રાજા હઝાએલ મરણ પામ્યો. અને તેના દીકરા બેન-હદાદે તેની જગાએ રાજ કર્યું.
25 જે નગરો હઝાએલના દીકરા બેન-હદાદે યુદ્ધ કરીને યોઆશના પિતા યહિઆહાઝના હાથમાંથી લઈ લીધાં હતાં, તે યોઆશે તેના હાથમાંથી પાછા લઈ લીધાં. ઇઝરાયલનાં નગરો પાછાં લઈ લેતાં યોઆશે તેને ત્રણ વાર હરાવ્યો હતો.