Bible Language

Ecclesiastes 12 (GUV) Gujarati Old BSI Version

1 વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિષે તું એમ કહેશે, “તેમાં મને કંઈ સુખ નથી” તે નજીક આવ્યા પહેલાં, તેનું સ્મરણ કર;
2 કેમ કે પછી સૂર્ય તથા પ્રકાશ, ચંદ્ર તથા તારા અંધકારમાં જતા રહેશે, અને વરસાદ પછી વાદળાં પાછાં આવશે:
3 તે દિવસે તો ઘરના કારભારીઓ ધ્રૂજશે, અને બળવાન માણસો વાંકા વળી જશે, અને દળનારી સ્ત્રીઓ થોડી હોવાથી તેમની ખોટ પડશે, અને બારીઓમાંથી બહાર જોનારની દષ્ટિ ઝાંખી થઈ જશે.
4 વળી રસ્તામાંનાં બારણા બંધ કરી દેવામાં આવશે; ત્યારે દળવાનો અવાજ ધીમો થશે, અને માણસ પક્ષીના અવાજથી જાગી ઊઠશે, ને સર્વ ગાનારીઓનું માન ઉતારાશે.
5 હા, તેઓ ઊંચાણથી બીશે, ને તેમને રસ્તે ચાલતાં ભય લાગશે; અને બદામના ઝાડને ફૂલો ખીલશે, ને તીડ બોજારૂપ થઈ પડશે, અને રુચિ નાશ પામશે; કેમ કે માણસ પોતાના દીર્ઘકાળી ઘરે જાય છે, અને વિલાપ કરનારાઓ મહોલ્લાઓમાં ફરે છે.
6 તે દિવસે રૂપરી દોરી તૂટી જશે અને સોનેરી પ્યાલો ભાંગી જશે, અને ગાગર ઝરા આગળ ફૂટી જશે, અને ચાકળો ટાંકી આગળ ભાંગી જશે.
7 અને જેવી અગાઉ ધૂળ હતી તેવી પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.
8 સભાશિક્ષક કહે છે કે, વ્યર્થતાની વ્યર્થતા; બધું વ્યર્થ છે.
9 વળી સભાશિક્ષક સમજણો હતો, તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો; હા, તે વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો.
10 સભાશિક્ષક દિલપસંદ વચનો તથા પ્રામાણિક લખાણો, એટલે સત્યનાં વચનો, શોધી કાઢવાને યત્ન કરતો હતો.
11 બુદ્ધિમાનનાં વચનો આર જેવાં છે અને સભાપતિઓ નાં વચનો કે જે એક પાળક તરફથી આપવામાં આવેલાં છે, તેઓ બરાબર જડેલા ખીલા જેવાં છે.
12 વળી મારા દીકરા, શિખામણ માન:ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી; અને અતિ વિદ્યાભ્યાસથી શરીર થાકી જાય છે.
13 વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે છે: ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ છે.
14 કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સહિત દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે.