Bible Language

Job 32 (GUV) Gujarati Old BSI Version

1 હવે ત્રણ માણસોએ અયૂબને ઉત્તર આપવાનું બંધ કર્યું, કેમ કે તે પોતાની નજરમાં નેક હતો.
2 ત્યારે રામના કુટુંબના બારાકેલ બુઝીના દીકરા અલીહૂને અયૂબ પર ક્રોધ ચઢયો, કેમ કે તેણે ઈશ્વર કરતાં પોતાને ન્યાયી ઠરાવ્યો.
3 વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેને ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તોપણ તેઓએ અયૂબને દોષપાત્ર ઠરાવ્યો હતો.
4 અલિહૂ અયૂબ સાથે વાત કરવાની વાટ જોઈ રહ્યો હતો, કેમ કે તેઓ એના કરતાં ઉંમરમાં મોટા હતા.
5 અલિહૂએ જોયું કે, ત્રણ માણસોના મુખમાંથી ઉત્તર નીકળતો નથી ત્યારે તેને ક્રોધ ચઢયો.
6 બારાકેલ બુઝીના પુત્ર અલિહૂએ ઉત્તર આપતાં કહ્યું, “હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો, માટે હું દબાઈ રહ્યો, અને મારો મત તમને જણાવવાને મારી હિમ્મત ચાલી નહિ.
7 મેં કહ્યું કે, દીર્ઘ આયુષ્યવાળા માણસોએ બોલવું જોઈએ, અને વૃદ્ધ પુરુષોએ જ્ઞાન શીખવવું જોઈએ.
8 પણ મનુષ્યમાં આત્મા છે, ને સર્વશક્તિમાનનો શ્વાસ તેમને સમજણ આપે છે.
9 મોટી ઉંમરવાળા બુદ્ધિમાન છે, એમ નહિ, અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હમેશાં હોતું નથી.
10 માટે હું કહું છું કે, મારું સાંભળો; હું પણ મારો મત દર્શાવીશ.
11 શું બોલવું તમે શોધતા હતા, ત્યાં સુધી મેં તમારા શબ્દોની રાહ જોઈ, અને તમારી દલીલો સાંભળવાને હું લક્ષ આપી રહ્યો.
12 હા, મેં તમારા ઉપર ધ્યાન આપ્યું, પણ તમારામાંના કોઈએ અયૂબને ખાતરી કરી આપી નથી, અને તેના શબ્દોનો ઉત્તર પણ આપ્યો નથી.
13 રખેને એવું કહેતા કે, ‘અમને જ્ઞાન મળ્યું છે.’ ઈશ્વર તેનો પરજય કરે, માણસ નહિ કરે.
14 તેણે પોતાના શબ્દો મારી વિરુદ્ધ કહ્યા નથી; અને તમારાં ભાષણો વડે હું તેને ઉત્તર આપીશ નહિ.
15 તેઓ વિસ્મિત થયા છે, તેઓ ફરીથી ઉત્તર આપતા નથી; તેઓ એક શબ્દ પણ બોલી શકતા નથી.
16 તેઓ બોલતા નથી, અને ગુપચુપ ઊભા રહ્યા છે, તેઓ ફરી બોલતા નથી, તો હું શું વાટ જોઈ બેસી રહું?
17 હું પણ ઉત્તર આપવામાં ભાગ લઈશ, હું પણ મારો મત દર્શાવીશ.
18 કેમ કે મારે પુષ્કળ બોલવાનું છે; મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે.
19 જેનો નીકળવાનો રસ્તો બંધ કરી દીધેલો હોય એવા દ્રાક્ષારસ જેવું મારું મન છે; નવી મશકની જેમ તે ફાટી જવાની અણી પર છે.
20 મારું મન સ્વસ્થ થાય માટે હું બોલીશ; માટે મોઢે હું ઉત્તર આપીશ.
21 હું કોઈ માણસનો પક્ષ કરું, એવી આશા કૃપા કરીને રાખશો નહિ; અને હું કોઈ માણસને ખુશામતના ખિતાબો આપીશ નહિ.
22 કેમ કે મને ખુશામત કરતાં આવડતું નથી; નહિ તો મારો કર્તા મને જલદી ઉપાડી લે.