Bible Language

Song of Solomon 2:1 (GUV) Gujarati Old BSI Version

1 હું શારોનનું ગુલાબ, અને ખીણોની ગુલછડી છું.
2 જેમ કાંટાઓમાં ગુલછડી હોય છે, તે પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે.
3 જેમ જંગલનાં ઝાડમાં સફરજનવૃક્ષ હોય, તે પ્રમાણે પુત્રોમાં મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.
4 તે મને ભોજન કરવાને ઘેર લાવ્યો, અને તેનો પ્રેમરૂપ ધ્વજ મારા પર હતો.
5 સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો, સફરજનથી મને હિંમત આપો; કેમ કે હું પ્રેમપીડિત છું.
6 તેનો ડાબો હાથ મારા માથા નીચે છે, ને તેના જમણા હાથે મને આલિંગન કરેલું છે.
7 હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.
8 મારા પ્રીતમનો સ્વર સંભળાય છે! પણ જુઓ, તે પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો આવે છે.
9 મારો પ્રીતમ હરણ કે મૃગના બચ્ચા જેવો છે; તે અમારી ભીંત પાછળ ઊભેલો છે, તે બારીઓમાંથી અંદર ડોકિયા કરે છે, તે જાળીમાંથી દેખાયુ છે.
10 મારો પ્રીતમ મારી સાથે બોલ્યો, અને મને કહ્યું કે, મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ, અને નીકળી આવ.
11 કેમ કે શિયાળો ઊતર્યો છે, વર્ષાઋતુ પણ સમાપ્ત થઈ છે;
12 ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; પક્ષીઓના કલરવનો વખત આવ્યો છે, અને આપણા દેશમાં કપોતના સ્વર સંભળાય છે;
13 અંજીરીનાં લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલા ઉપર ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની સુગંધ ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ.
14 હે ખડકની ફાટોમાં, કઢણમાંના ગુપ્ત સ્થળમાં રહેનાર મારી હોલી, મને તારું વદન નિરખવા દે, મને તારો સૂર સંભળાવ; કેમ કે તારો સૂર કેવો મધુર છે, અને તારું વદન કેવું ખૂબસૂરત છે!
15 જે શિયાળવાં, નાનાં શિયાળવાં, દ્રાક્ષાવાડીઓને ભેલાડે છે, તેઓને અમારી ખાતર પકડો; કેમ કે અમારી દ્રાક્ષાવાડીઓ ફૂલોથી ખીલી રહી છે.
16 મારો પ્રીતમ મારો છે, ને હું પણ તેની છું; તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચારે છે.
17 પ્રભાત થાય, અને અંધારું લોપ થાય ત્યાં સુધીમાં હે મારા પ્રીતમ, પાછો આવ, અને બેથેર પર્વતો પરના હરણ કે મૃગના બચ્ચા જેવો થા.