Bible Language

Hosea 6:7 (GUV) Gujarati Old BSI Version

1 તેઓ કહેશે કે, ‘ચાલો, આપણે યહોવાની પાસે પાછા જઈએ, ’કેમ કે તેમણે ચીરી નાખ્યા છે, ને તે આપણને સાજા કરશે; તેમણે જખમ કર્યો છે, ને તે આપણને પાટો બાંધશે.
2 બે દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેમની આગળ જીવીશું.
3 આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.
4 હે એફ્રાઈમ, હું તને શું કરું? હે યહૂદિયા, હું તને શું કરું? કેમ કે તમારી ભલાઈ સવારના વાદળના જેવી, ને જલદીથી ઊડી જનાર ઝાકળના જેવી છે.
5 માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે કતલ કર્યા છે; મારા મુખનાં વચનોથી મેં તેઓનો સંહાર કર્યો છે! અને મારા ન્યાયચૂકાદા પ્રગટતા અજવાળારૂપ છે.
6 કેમ કે હું ભલાઈ ચાહું છું, ને યજ્ઞાર્પણ નહિ; અને દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું જ્ઞાન ચાહું છું.
7 પણ તેઓએ આદમની જેમ કરારનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં તેઓએ મારી વિરુદ્ધ કપટ કર્યું છે.
8 ગિલ્યાદ અન્યાય કરનારાઓનું નગર છે તેને રક્તના ડાઘ લાગ્યા છે.
9 જેમ લૂંટારાનાં ટોળાં કોઈ માણસની રાહ જોઈને છુપાઈ રહે છે, તેમ યાજકમંડળ શખેમ તરફના રસ્તામાં ખૂન કરે છે; હા, તેઓએ લંપટપણું કર્યું છે.
10 ઇઝરાયલ લોકોમાં મેં કમકમાટ ઉપજાવે એવી એક બાબત જોઈ છે. અયાં એફ્રાઈમમાં વ્યભિચાર માલૂમ પડ્યો છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.
11 વળી, હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારે માટે કાપણી ઠરાવેલી છે.