Bible Language

Hosea 7 (GUV) Gujarati Old BSI Version

1 જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઈમનો અન્યાય, તથા સમરુનની દુષ્ટતા જાહેર થઈ; કેમ કે તેઓ વિશ્વાસઘાત કરે છે. ચોર અંદર પેસે છે, ને લૂંટારાઓનું ધાડું બહારથી લૂંટે છે.
2 તેઓની બધી દુષ્ટતા મારા સ્મરણમાં છે. એવો તેઓ પોતાના મનમાં વિચાર કરતા નથી; તેમનાં પોતાનાં કામોએ તેમને ચોતરફ ઘેરી લીધા છે; તે કામો મારી નજર આગળ છે.
3 તેઓ રાજાને પોતાની દુષ્ટતાથી, તથા અમલદારોને પોતાનાં જુઠાણાથી રાજી કરે છે.
4 તેઓ સર્વ વ્યભિચારીઓ છે; ભઠિયારાએ તપાવેલી ભઠ્ઠી જેવા તેઓ છે; લોટના લોંદાને મસળે ત્યારથી તે તેને ખમીર ચઢે ત્યાં સુધી અગ્નિને સંકોરવાનું તે બંધ કરે છે.
5 અમારા રાજાના જન્મ દિવસે અમલદારો મદ્યની ગરમીથી માંદા પડ્યા છે. રાજાએ નિંદાખોરોની સાથે સહવાસ રાખ્યો.
6 કેમ કે પોતાનું મન ભઠ્ઠીની જેમ તૈયાર કરીને તેઓ સંતાઈને તાકી રહ્યા છે. તેઓનો ક્રોધ આખી રાત ઊંઘતો પડી રહે છે; સવારમાં તે અગ્નિના ભડકાની જેમ બળે છે.
7 તેઓ સર્વ ભઠ્ઠીની માફક ગરમ છે, ને પોતાના ન્યાયધીશોને સ્વાહા કરી જાય‌ છે; તેઓના સર્વ રાજાઓ માર્યા ગયા છે. તેઓમાંનો કોઈ પણ મને વિનંતી કરતો નથી.
8 એફ્રાઈમ તો વદેશી પ્રજાઓની સાથે ભળી જાય છે. એફ્રાઈમ તો ફેરવ્યા વગરની પોળી જેવો છે.
9 પરદેશીઓએ તેનું બળ શોષી લીધું છે, અને તેને તેનું ભાન તેનું બળ શોષી લીધું છે, અને તેને તેનું ભાન નથી. તેને શિરે આછાં આછાં પળિયાં આવ્યાં છે. તોપણ તે જાણતો નથી.
10 ઇઝરાયલનો ગર્વ તેને મોઢામોઢ સાક્ષી પૂરે છે; તોપણ, એટલું બધું છતાં, તેઓ પોતાના ઈશ્વર યહોવાની પાસે પાછા આવ્યા નથી, તેમ તેમને શોધ્યા પણ નથી.
11 એફ્રાઈમ મૂર્ખ કબૂતરની જેમ ભોળો છે, તેઓ મિસરને બોલાવે છે, તેઓ આશૂરની પાસે જાય છે.
12 તેઓ જશે ત્યારે હું મારી જાળ તેમના પર નાખીશ; હું તેમને ખેચર પક્ષીઓની જેમ નીચે પાડીશ; તેમની પ્રજાને કહી સંભળાવ્યું છે તે પ્રમાણે હું તેમને શિક્ષા કરીશ.
13 તેઓને અફસોસ! કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે. તેઓનું સત્યાનાશ જાઓ! કેમ કે તેઓએ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કર્યું છે. હું તેઓનો ઉદ્ધાર કરવા ઇચ્છતો હતો, તોપણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કહી છે.
14 તેઓએ પોતાના અંત:કરણથી મને હાંક મારી નથી, પણ તેઓ પોતાના બિછાનામાં સૂતા સૂતા બૂમરાણ કરે છે; તેઓ ધાન્ય તથા મદ્યને માટે એકત્ર થાય છે, તેઓ મારી વિરુદ્ધ બંડ કરે છે.
15 મેં તેઓના હાથોને કેળવીને મજબૂત કર્યા છે, તોપણ તેઓ મારી વિરુદ્ધ નુકસાનની યોજના કરે છે.
16 તેઓ પાછા આવે છે, પણ આકાશવાસી તરફ નહિ; તેઓ નિશાન ચૂકવે એવા ધનુષ્યના જેવા છે. તેઓના અમલદારો પોતાની જીભના જુસ્સાને લીધે તરવારથી માર્યા જશે:આને લીધે મિસર દેશમાં તેમની હાંસી થશે.