Bible Language

Isaiah 22 (GUV) Gujarati Old BSI Version

1 દર્શનની ખીણ વિશે ઈશ્વરવાણી:તને શું થયું છે વારુ કે તારાં, સઘળાં માણસો ધાબા પર ચઢી ગયાં છે?
2 અરે, શોરબકોરથી ભરપૂર, ઘોંઘાટ કરનાર નગર, મોજીલા શહેર, તારા મારેલા તો તરવારથી મારેલા નથી, ને યુદ્ધમાં મરણ પામેલા નથી.
3 તારા સર્વ અધિકારીઓ એકત્ર થઈને નાઠા, તીરંદાજોએ તેમને બાંધ્યા; તારામાંથી જે સર્વ હાથ આવ્યા તેઓને એકત્ર બાંધવામાં આવ્યા, તેઓ દૂર નાઠા હતા.
4 તેથી હું કહું છું કે, મારી તરફથી દષ્ટિ ફેરવો, હું ચોધાર આંસુએ રડીશ; મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા માટે શ્રમ કરશો નહિ.
5 કેમ કે દર્શનની ખીણમાં સૈન્યોના ઈશ્વર યહોવાએ મોકલેલો ગડગડાટ, પાયમાલી તથા ઘોંઘાટનો દિવસ છે; કોટનો નાશ કરવાનો, ને પર્વતની તરફ આક્રંદ કરવાનો તે દિવસ છે.
6 એલામે પાયદળ તથા ઘોડેસવારોની ટુકડીઓ સહિત ભાથો ઊંચકી લીધો; અને કીરે ઢાલ ઉઘાડી કરી.
7 તારી ઉત્તમ ખીણો રથોથી ભરપૂર થઈ ગઈ હતી, ને સવારો દરવાજા આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા.
8 તેણે યહૂદિયાની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી; અને તે દિવસે તેં વનનાં શસ્ત્રાગાર તપાસી જોયાં.
9 વળી તમે જોયું કે દાઉદના નગર ના કોટ માં ઘણે સ્થળે ફાટ પડી છે; અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું.
10 તમે યરુશાલેમનાં ઘરોને ગણી જોયાં, ને કોટને સમારવા માટે ઘરોને પાડી નાખ્યાં.
11 વળી તમે બે કોટોની વચમાં પુરાતન તળાવના પાણીને માટે કુંડ કર્યો; પરંતુ તમે બધા ના કર્તાની તરફ લક્ષ લગાડયું નહિ, ને પુરાતન કાળમાં જેણે રચ્યું તેને જોયો નહિ.
12 વળી તે દિવસે સૈન્યોના પ્રભુ યહોવાએ રડવાને, વિલાપ કરવાને, મુંડાવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા;
13 પણ જુઓ, તેને બદલે આનંદને હર્ષ, બળદ મારવાનું ને ઘેટાં કાપવાનું, માંસ ખાવાનું, ને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે! “કાલે મરી જઈશું માટે આપણે ખાઈપી લઈએ.”
14 મારા કાનોમાં સૈન્યોના ઈશ્વર યહોવાએ કહ્યું, “ખરેખર, અન્યાયનું પ્રાયાશ્ચિત તમારા મરણ સુધી થશે નહિ; મેં પ્રભુ સૈન્યોના ઈશ્વર યહોવાએ એમ કહ્યું છે.”
15 સૈન્યોના પ્રભુ યહોવા એવું કહે છે, “આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે,
16 ‘તારું અહીં શું છે? અને તારું અહીં કોણ છે કે, તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!
17 જુઓ, યહોવા શૂરવીરની જેમ તને જોરથી ફેંકી દેશે; હા, તે તને મજબૂતાઈથી પકડી રાખશે.
18 ખચીત તે તને લપેટી લપેટીને દડાની જેમ વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે. ત્યાં તું મરી જઈશ, ને હે તારા ધણીના ઘરને કલંક લગાડનાર, તારા ભપકાદાર રથો ત્યાંજ રહેશે.
19 હું તને તારી પદવી પરથી હડસેલી કાઢીશ, ને તને તારી જગાએથી પાડી નાખીશ.
20 તે દિવસે હું મારા સેવક હિલ્કિયાના દીકરા એલિયાકીમને બોલાવીશ.
21 હું તેને તારો પોષાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ; અને તે યરુશાલેમ ના રહેવાસીઓ સાથે, તથા યહૂદિયાના માણસો સાથે પિતા પ્રમાણે વર્તશે.
22 હું દાઉદના ઘરની ચાવી તેની ખાંધ પર મૂકીશ; તેને તે ઉઘાડશે, ને કોઈ બંધ કરનાર મળશે નહિ; અને તે બંધ કરશે ત્યારે કોઈ ઉઘાડનાર મળશે નહિ.
23 હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશ; અને તે પોતાના પિતાના કુટુંબને માટે માનનું સ્થાન થશે.
24 તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબપરિવાર, પ્યાલાં જેવા નાનાં પાત્રથી તે શિરોઈ જેવાં પાત્ર સુધી, તે સર્વ તેના પર ટાંગી રાખશે.
25 સૈન્યોના ઈશ્વર યહોવાનું એવું વચન છે કે, તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; તે કપાઈ જઈને નીચે પડશે, ને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે; કેમ કે યહોવા એવું બોલ્યા છે.’”