Bible Language

Jeremiah 12 (GUV) Gujarati Old BSI Version

1 હે યહોવા, જ્યારે હું તમારી સાથે વિવાદ કરું ત્યારે તમે ન્યાયી ઠરો છો, તોપણ હું તમારી આગળ મારી ફરિયાદ વિષે દલીલ રજૂ કરીશ: દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? જેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે તેઓ સર્વ શા માટટે મુખી હોય છે?
2 તમે તેઓને રોપ્યા છે. વળી તેઓની જડ બાઝી છે. તેઓ વધે છે, વળી ફળ આપે છે. તમે તેઓનાં મોંમા છો, પણ તેઓનાં મનથી તમે દૂર છો.
3 પણ, હે યહોવા તમે મને ઓળખો છો, તમે મને જુઓ છો, ને મારું હ્રદય તમારી સાથે કેવી રીતે વર્તે છે તે તમે પારખો છો; તેઓને ઘેટાંની જેમ કાપવા માટે કાઢો, તથા હિંસાના દિવસને માટે તેઓને તૈયાર કરો.
4 ક્યાં સુધી દેશ શોક કરશે, ને ક્યાં સુધી સર્વ ખેતરની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે પશુ તથા પક્ષી નષ્ટ થયા છે. કેમ કે તેઓએ કહ્યું, ‘તે અમારો અંતકાળ જોશે નહિ.’
5 પ્રભુએ મને કહ્યું, “તું પાયદળોની સાથે દોડયો, પણ તેઓએ તને થકવ્યો, ત્યારે તું ઘોડાઓની બરાબરી કેમ કરશે? જો કે શાંત પ્રદેશમાં તું નિર્ભય છે, તોપણ યર્દનના પૂરમાં તું કેમ કરશે?
6 કેમ કે તારા ભાઈઓએ તથા તારા પિતાના કુટુંબના માણસોએ પણ તારી સાથે કપટ કર્યું છે! તેઓએ પણ તારી પાછળ મોટી બૂમ પાડી છે. તેઓ ભલે તને મીઠી વાતો કહે, તોપણ તેઓના પર ભરોસો રાખ.”
7 “મેં મારું ઘર છોડયું છે, મેં મારો વારસો મૂકી દીધો છે; મેં મારી પ્રાણપ્રિયાને વૈરીઓના હાથમાં સોંપી દીધી છે.
8 મને તો મારો વારસો આરણ્યવાસી સિંહના જેવો થઈ પડયો છે! તેણે પોતાનો ઘાંટો મારી સામે કાઢયો છે. તે માટે મેં તેનો તિરસ્કાર કર્યો છે.
9 શું મારો વારસો કાબરચીતરાં પીછાંવાળા પક્ષી જેવો છે કે, જેની આસપાસ શિકારી પક્ષીઓ ફરી વળ્યાં છે? ચાલો, સર્વ વનપશુઓને એકત્ર કરો, ફાડી ખાવા માટે તેઓને લાવો.
10 ઘણા ભરવાડોએ મારી દ્રાક્ષાવાડીનો નાશ કર્યો છે, તેઓએ મારો વિભાગ પગ નીચે ખૂંદ્યો છે, તેઓએ મારો રળિયામણો વિભાગ ખેદાનમેદાન કરી નાખ્યો છે.
11 તેઓએ તેને ઉજ્જડ કર્યો છે. તે ઉજ્જડ થઈને મારી આગળ શોક કરે છે. આખો દેશ ઉજ્જડ થયો છે, કેમ કે તેની દરકાર કોઈ રાખતો નથી.
12 વગડાની સર્વ બોડી ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે, કેમ કે યહોવાની તરવાર દેશને એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણીમાત્રને શાંતિ નથી.
13 તેઓએ ઘઉં વાવ્યા છે, પણ કાપણી કાંટાની કરી છે; તેઓએ મહેનત કરી, પણ તેમને કંઈ લાભ થયો નહિ. અને યહોવાના કોપાવેશને લીધે તેઓ પોતા ના ખેતરો ની ઊપજથી લજ્જિત થશે.”
14 યહોવા કહે છે, “જે વારસો મેં મારા લોકોને, એટલે ઇઝરાયલને, આપ્યો છે, તેને જે મારા દુષ્ટ પડોશીઓ અડકે છે, તેઓ સર્વને જુઓ, હું તેઓની ભૂમિમાંથી ઉખેડી નાખીશ, ને તેઓની વચ્ચેથી યહૂદાના વંશજોને ઉખેડી નાખીશ.
15 વળી તેઓને ઉખેડયા પછી, હું ફરીથી તેઓ પર દયા કરીશ; અને તેઓમાંના દરેકને તેમના પોતાના વારસામાં, ને તેમની પોતાની ભૂમિમાં પાછા લાવીશ.
16 જેમ પડોશીઓએ મારા લોકોને બાલના સમ ખાતાં શીખવ્યા, તેમ, ‘પ્રભુ યહોવા જીવંત છે, એવા મારા નામના સમ ખાતાં પડોશીઓ શીખશે, અને મારા લોકોના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકોની વચમાં સ્થિર થઈને વસશે.
17 પણ જો તેઓ સાંભળશે નહિ, તો હું તે પ્રજાને પૂરેપૂરી ઉખેડી નાખીશ, ને તેને નષ્ટ કરીશ, એમ યહોવા કહે છે.