Bible Language

Jeremiah 52:25 (GUV) Gujarati Old BSI Version

1 સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો; તેણે અગિયાર વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું. અને તેની માનું નામ હમૂટાલ હતું, તે લિબ્નાના યર્મિયાની દીકરી હતી.
2 જે બધું યહોયાકીમે કર્યું હતું, તે પ્રમાણે તેણે પણ યહોવાની દષ્ટિમાં ભૂંડું કર્યું.
3 યહોવાના કોપને લીધે યરુશાલેમમાં તથા યહૂદિયામાં અમે ચાલ્યા કર્યું, અને છેવટે યહોવાએ તેઓને પોતાની દષ્ટિ આગળથી ફેંકી દીધા. અને સિદકિયાએ બાબિલના રાજાની સામે બંડ કર્યું.
4 સિદકિયાની કારકિર્દીના નવમાં વરસના દશમા માસને દશમે દિવસે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તથા તેનું સર્વ સૈન્ય યરુશાલેમ પર ચઢી આવ્યાં, ને તેઓએ તેને ઘેરો નાખ્યો, ને તેની સામે ચોતરફ મોરચા બાંધ્યાં.
5 સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરનો ઘેરો ચાલુ રહ્યો.
6 ચોથા માસને નવમે દિવસે નગરમાં ભૂખમરો બહુ સખત હતો, ને લોકોને ખાવા માટે બિલકુલ અન્ન હતું.
7 ત્યારે નગરના કોટમાં બાકોરું પાડવામાં આવ્યું, ને સર્વ લડવૈયા નાઠા, ને બે ભીંતોની વચ્ચે રાજાની વાડીની પાસે જે દરવાજો હતો, તેમાં થઈને તેઓ રાતોરાત નગરમાંથી નીકળીને નાઠા; (ખાલદીઓએ નગરને ચારે તરફથી ઘેરી લીધું હતું;) અને તેઓ અરાબાને માર્ગે ગયા.
8 પણ ખાલદીઓનું સૈન્ય રાજાની પાછળ પડયું, ને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડયો, અને તેનું બધું સૈન્ય તેને મૂકીને આમતેમ નાસી ગયું.
9 ત્યારે તેઓએ રાજાને પકડી લીધો, ને તેઓ તેને હમાથ દેશમાંના રિબ્લામાં બાબિલના રાજાની હજૂરમાં લાવ્યા. ત્યાં તેણે સિદકિયાનો ઇનસાફ કર્યો.
10 બાબિલના રાજાએ સિદકિયાના પુત્રને તેની નજર આગળ મારી નાખ્યા; તેણે યહૂદિયાના સર્વ સરદારોને પણ રિબ્લામાં મારી નાખ્યા.
11 તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, અને બાબિલનો રાજા તેને બેડી પહેરાવીને બાબિલમાં લઈ ગયો, ત્યાં તેણે તેને જીવતાં સુધી બંદીખાનામાં રાખ્યો.
12 હવે પાંચમા માસને દશમે દિવસે, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના ઓગણીસમા વરસમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન, જે બાબિલના રાજાની તહેનાતમાં રહેતો હતો, તે યરુશાલેમ આવ્યો.
13 તેણે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ બાળી નાખ્યાં, અને યરુશાલેમનાં સર્વ ઘર, એટલે સર્વ મોટાં ઘર તેણે આગ લગાડીને બાળી નાખ્યાં.
14 વળી રક્ષકટુકડીના સરદારોની સાથે ખાલદીઓનું જે સર્વ સૈન્ય હતું તેણે યરુશાલેમની આસપાસના તમામ કોટ તોડી પાડયા.
15 અને લોકોમાંના કેટલાક કંગાલ માણસોને, તથા નગરમાં બાકી રહી ગયેલા લોકોને તથા જેઓ બાબિલના રાજાના પક્ષમાં ગયા હતા તેઓને, તથા બાકી રહેલા કારીગરોને રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાસમાં લઈ ગયો.
16 પણ તેણે દેશી લોકોમાંના કેટલાક કંગાલ લોકોને દ્રાક્ષાવાડીના માળીઓ તથા ખેડૂતો થવા માટે રહેવા દીધા.
17 યહોવાના મંદિરમાંના પિત્તળના સ્તંભો, પાયાનો, તથા પિત્તળનો જે સમુદ્ર હતો, તેઓને ખાલદીઓએ ભાંગીને કકડેકકડા કરી નાખ્યા, ને તેઓનું તમામ પિત્તળ બાબિલ લઈ ગયા.
18 વળી તપેલાં, તવેથા, દીવાની કાતરો, થાળીઓ, ચમચા તથા પિત્તળનાં જે સર્વ પાત્રો વડે તેઓ મંદિરમાં સેવા કરતા હતા, તે તેઓ લઈ ગયા.
19 વળી પ્યાલા, સગડીઓ, થાળીઓ, તપેલાં, દીવીઓ, ચમચા તથા કટોરા; એટલે જે સોનાનું તેનું સોનું, ને જે રૂપાનું તેનું રૂપું, રક્ષકટુકડીનો સરદાર લઈ ગયો.
20 જે બે સ્તંભો તથ એક સમુદ્ર, તથા પાયાની નીચે પિત્તળના જે બાર બળદ સુલેમાન રાજાએ યહોવાના મંદિરને માટે બનાવ્યા હતા તેઓને પણ તેઓ લઈ ગયા. સર્વ પાત્રોના પિત્તળનું વજન બેસુમાર હતું.
21 સ્તંભોમાંનો દરેક સ્તંભ અઢાર હાથ ઊંચો હતો. અને બાર હાથની દોરી જેટલો તેનો પરિઘ હતો. અને તેનું પતરું ચાર આંગળ જાડું હતું. તે સ્તંભ પોલો હતો.
22 વળી તેના પર પિત્તળનો કળશ હતો, અને એક કળશ પાંચ હાથ ઊંચો હતો, ને મથાળે ચોતરફ જાળીદાર નકશી તથા દાડમો હતાં, તે સર્વ પિત્તળનાં હતાં. અને બીજો સ્તંભ તથા તે પરનાં દાડમો પહેલાંનાં જેવાં હતાં.
23 ચારે બાજુ પર છન્નું દાડમ હતાં; અને જાળીદાર નકશી પર ચોતરફ જડેલાં દાડમ એકંદર સો હતાં.
24 પછી રક્ષકટુકડીના સરદારે મુખ્ય યાજક સરાયાને, તેનાથી ઊતરતા યાજક સફાન્યાને તથા ત્રણ દરવાનને પકડી લીધા.
25 એક ખોજો જે સૈનિકોનો ઉપરી હતો તેને, ને રાજાની હજૂરમાં રહેનારા જે સાત માણસ નગરમાં હાથ આવ્યા તેઓને, ને સેનાપતિનો ચિટનીસ જે સૈન્યમાં દાખલ થનારા લોકોની નોંધ રાખતો હતો તેને, ને દેશના લોકોમાંના જે સાઠ માણસ નગરમાં હાથ આવ્યા તેઓને તેણે પકડી લીધા.
26 રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન તેઓને બાબિલના રાજાની પાસે રિબ્લામાં લઈ ગયો.
27 હમાથ દેશના રિબ્લામાં બાબિલના રાજાએ તેઓને ઠેર મારી નાખ્યા. એવી રીતે યહૂદિયાના લોકો પોતાની ભૂમિમાંથી બંદીવાસમાં લઈ જવામાં આવ્યા.
28 જે લોકોને નબૂખાદનેસ્સાર બંદીવાસમાં લઈ ગયો, તેઓ ની સંખ્યા નીચે મુજબ હતી:સાતમા વર્ષમાં ત્રણ હજાર ત્રેવીસ યહૂદીઓ;
29 નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં તે યરુશાલેમમાંથી આઠસો બત્રીસ જણને કેદ કરીને લઈ ગયો;
30 નબૂખાદનેસ્સારના ત્રેવીસમા વર્ષમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન સાતસો પિસ્તાળીસ યહૂદીઓને કેદ કરીને બંદીવાસમાં લઈ ગયો. બધા મળીને ચાર હજાર છસો હતા.
31 યહૂદિયાના રાજા યહોયાકીમના બંદીવાસના સાડત્રીસમા વર્ષના બારમા માસને પચીસમે દિવસે બાબિલનો રાજા એવીલ-મેરોદાખ પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં યહૂદિયાના રાજા યહોયાકીમનો મરતબો રાખીને તેને બંદીખાનામાંથી બહાર લાવ્યો.
32 અને તેણે યહોયાકીમની સાથે માયાથી વાત કરી, ને જે રાજાઓ તેની સાથે બાબિલમાં હથા તેઓની બેઠક કરતાં તેની બેઠક ઊંચી કરી.
33 બંદીખાનામાં જે કપડાં તે પહેરતો હતો તે ઉતરાવીને તેને બીજાં પહેરાવ્યાં, ને તે જીવન પર્યંત નિત્ય તેની સાથે જમતો હતો.
34 તેના ખરચને માટે બાબિલના રાજાએ તેને રોજ અમુક રકમ ઠરાવી આપી. તેના મરણના દિવસ સુધી, એટલે તેના જીવતાં સુધી દરરોજનો ખરચ તેને આપવામાં આવતો હતો.