Bible Language

Job 41:10 (GUV) Gujarati Old BSI Version

1 શું તું મગરને ગલથી ખેંચી કાઢી શકે? અથવા દોરીથી તેની જીભને દબાવી શકે?
2 શું તું તેના નાકમાં નાથ નાખી શકે? કે આંકડાથી તેનું જડબું વીંધી શકે?
3 શું તે તારી આગળ કરગરશે? કે તે તારી આગળ નમ્ર વચનો બોલશે?
4 શું તે તારી સાથે એવો કરાર કરશે કે, તું તેને હમેશને માટે ચાકર રાખે?
5 પક્ષી સાથે તું રમે છે તેમ તેની સાથે તું રમશે શું? અથવા તારી કુમારિકાઓને માટે તેને તું બાંધશે?
6 શું માછીઓ તેનો વેપાર કરશે? શું તેઓ તેને વેપારીઓમાં વહેંચી આપશે?
7 શું તેની ચામડીને પાંખવાળાં ભાલોડાંથી કે તેના માથાને મચ્છી મારવાના ભાલાથી ભરી શકે છે?
8 તારો હાથ તેના ઉપર મૂકી જો; ત્યારે જે યુદ્ધ થાય તેનું સ્મરણ કરીને તું ફરી એવું કરીશ.
9 તે વિષેની આશા નિષ્ફળ છે; શું તેને જોઈને કોઈના હાંજા ગગડી જાય?
10 તેને છંછેડીને ઉઠાડવાની હિંમત ધરે એવો કોઈ શૂરવીર નથી; તો મારી આગળ ઊભો રહી શકે એવો કોણ છે?
11 તેની સાથે યુદ્ધ કરીને કોણ ફતેહ પામ્યો છે? આખા આકાશ નીચે એવો કોઈ નથી.
12 તેના અવયવો, તેનું અજબ બળ, તથા તેની સુંદર રચના વિષે હું ચૂપ રહીશ નહિ.
13 તેનું ઉપલું વસ્ત્ર કોણ ઉતારી શકે? તેના બેવડા દાંતના જડબામાં કોણ પેસી શકે?
14 તેનું મોઢું કોણ ઉઘાડી શકે? તેના દાંત ભયંકર છે.
15 તેનાં મજબૂત ભીંગડાંનું તેને અભિમાન છે, તેઓ એકબીજા સાથે સજડ જકડાઈ ગયાં છે.
16 એટલે એકબીજાની સાથે એવાં જોડાએલાં છે કે તેમની વચ્ચે હવા પણ દાખલ થઈ શકે નહિ.
17 તેઓ એકબીજાની સાથે ભીડાયેલાં છે; તેઓ એકબીજા સાથે એવાં ચોંટેલા છે કે તેમને છૂટાં પાડી શકાય નહિ.
18 તે છીંકે છે ત્યારે પ્રકાશ ચમકે છે, અને તેની આંખો પ્રભાતની આંખનાં પોપચાં જેવી છે.
19 તેના મુખમાંથી બળતી મશાલો નીકળે છે, અને અગ્નિની ચિનગારીઓ નીકળે છે.
20 તેનાં નસકોરાંમાંથી ઊકળતા પાણીની વરાળ તથા બળતી મશાલોના ધુમાડા જેવું નીકળે છે.
21 તેના શ્વાસથી કોયલા સળગી ઊઠે છે, અને તેના મુખમાંથી ભડકા નીકળે છે.
22 તેની ગરદનમાં બળ છે, અને તેની આગળ જાનવરો ત્રાસથી થરથરી ઊઠે છે.
23 તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે; તેઓ તેના અંગ પર એવા સજડ બંધાયેલા છે કે, તેઓને હલાવી પણ શકાય નહિ.
24 તેનું કલેજું પથ્થર જેવું કઠણ છે; ઘંટીના નીચલા પડ જેવું સખત છે.
25 જ્યારે તે ઊઠે છે, ત્યારે બળવાનો ડર છે; ગભરાટથી તેઓ ભાન ભૂલી જાય છે.
26 જો કોઈ તેને તરવારથી ઝટકા મારે, તો તેમાં તેનું કંઈ વળે નહિ; તેમ ભાલો, તીર કે તીક્ષ્ણ બરછીનું પણ કંઈ વળે નહિ.
27 તે લોઢાને પરાળ જેવું, અને પિત્તળને કોહેલા લાકડા જેવું ગણે છે.
28 બાણ તેને નસાડી શકે નહિ; ગોફણના ગોળા તો તેની નજરમાં ખૂંપરા બની જાય છે.
29 ડાંગો પણ ખૂંપરામાં લેખાય છે; ભાલાના ઘસારાને તે હસી કાઢે છે.
30 તેના નીચેના ભાગ કઠણ ઠીકરાં જેવા છે; તે કાદવ પર જાણે કે મસળવાનો જેંસલો ફેરવે છે.
31 તે ઊંડાણને હાંલ્લાની જેમ ઉકાળે ચઢાવે છે, તે સમુદ્રને રગડા જેવો કરે છે.
32 તે પોતાની પાછળ ચળકતો શેરડો પાડે છે; ત્યારે કોઈ ધારે કે સમુદ્ર ભૂરો છે.
33 પૃથ્વી પર બીજું કોઈ પ્રાણી તેના સરખું નિર્ભય સૃજાયેલું નથી.
34 તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે; તે સર્વ ગર્વિષ્ઠ પ્રાણીઓનો રાજા છે.”