Bible Language

Leviticus 1:7 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરતાં કહ્યું,
2 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, જયારે તમારામાંનો કોઈ માણસ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાનું, એટલે ઢોરમાંનું તથા ઘેટાંબકરાંમાં ચઢાવવું.
3 જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે કે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય.
4 અને તે દહનીયાર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, અને પ્રાયશ્ચિત કરવા તે તેને માટે માન્ય થશે.
5 અને તે વાછરડાને યહોવાની સમક્ષ તે કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તે રક્તને રજૂ કરે, ને મુલાકાતમંડપના દ્વાર પાસેની વેદી પર ચારે બાજુએ તે રક્ત છાંટે.
6 અને દહનીયાર્પણનું ચામડું તે ઉતારે, ને કાપીને તેના ટુકડા કરે.
7 અને હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે;
8 અને યાજકો, એટલે હારુનના પુત્રો, તે ટુકડા, માથું તથા ચરબી, વેદી પરના અગ્નિ પરનાં લાકડાં ઉપર ગોઠવે;
9 પણ તેનાં આતરડાં તથા તેના પગ તે પાણીથી ધોઈ નાખે, અને યાજક વેદી પર તે બધાનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.
10 અને જો દહનીયાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે ઘેટાંમાંથી કે બકરામાંથી હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે.
11 અને તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાની સમક્ષ કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તેનું રક્ત વેદી પર ચારે બાજુએ છાંટે.
12 અને તે તેને માથું તથા ચરબી સહિત કાપીને તેના ટુકડા કરે; અને યાજક તેઓને વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર ગોઠવે;
13 પણ આંતરડાં તથા પગને તે પાણીથી ધોઈ નાખે, અને યાજક તે બધું અર્પીને વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.
14 અને જો યહોવાને માટે તેનું અર્પણ દહનીયાર્પણને માટે પક્ષીઓનું હોય, તો તે હોલાનું કે કબૂતરનાં બચ્ચાંનું અર્પણ ચઢાવે.
15 અને યાજક તેને વેદી પાસે લાવીને તેનું માથું મરડી નાંખે, ને વેદી પર તેનું દહન કરે; અને તેનું રક્ત વેદીની બાજુએ નીતરી વહી જવા દે.
16 અને તે તેની અન્‍નની કોથળી તેના મેલ સહિત કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગા ફેંકી દે.
17 અને તે તેને પાંખો પાસેથી ચીરે, પણ તેના બે ભાગ પાડી દે; અને યાજક વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.