Bible Language

Numbers 3:36 (GUV) Gujarati Old BSI Version

1 હવે યહોવા સિનાઈ પર્વતમાં મૂસાની સાથે બોલ્યા, તે દિવસે હારુન તથા મૂસાની વંશાવળી પ્રમાણે હતી:
2 અને હારુનના પુત્રોનાં નામ હતાં:નાદાબ જ્યેષ્ઠ પુત્ર, તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર.
3 હારુનના પુત્રો, જેમ યાજક તરીકે અભિષિક્ત થયા, તથા જેઓને તેણે યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કર્યા તેઓનાં નામ હતાં.
4 અને નાદાબ તથા અબીહૂ યહોવાની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાની આગળ માર્યા ગયા હતા, ને તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર તથા ઇથામાર પોતાના પિતા હારુનની હજૂરમાં યાજકપદમાં સેવા બજાવતા હતા.
5 અને યહોવાએ મૂસાને કહ્યું,
6 “લેવીના કુળને પાસે લાવ. ને હારુન યાજકની આગળ તેઓને ઊભા કર કે તેઓ તેની સેવા કરે.
7 અને તેઓ તેની તથા મુલાકાતમંડપની આગળ સમગ્ર પ્રજાની સંભાળ રાખતાં મંડપની સેવા કરે.
8 અને તેઓ મુલાકાતમંડપના સરસામાનની તથા ઇઝરાયલીઓની સંભાળ રાખતાં મંડપને લગતી સેવા બજાવે.
9 અને તું હારુનના તથા તેના દિકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે. ઇઝરાયલી લોકોની વતી તેઓ તેને અપાયેલા છે.
10 અને તું હારુનને તથા તેના દિકરાઓને ઠરાવ, ને તેઓ પોતાનાં યાજકપદ સાચવે. અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.”
11 અને યહોવાએ મૂસાને કહ્યું,
12 “ઇઝરાયલી લોકોમાં ગર્ભસ્થાન ઉઘાડનાર સર્વ પ્રથમ જન્મેલાંને બદલે ઇઝરાયલપુત્રોમાંથી મેં, જુઓ, મેં લેવીઓને લીધા છે. અને લેવીઓ મારા થશે.
13 કેમ કે સર્વ પ્રથમ જન્મેલાં મારાં છે. મિસર દેશમાં મેં પ્રથમ જન્મેલાંને માર્યાં તે દિવસે મેં ઇઝરાયલમાં સર્વ પ્રથમ જન્મેલાં માણસોને તેમ પશુઓને મારે માટે પવિત્ર કર્યાં, તેઓ મારાં થશે. હું યહોવા છું.”
14 અને સિનાઈના અરણ્યમાં યહોવાએ મૂસાને કહ્યું,
15 “લેવીના દિકરાઓની, તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તથા તેઓનાં કુટુંબો પ્રમાણે, ગણતરી કર. એક માસના તથા તેથી ઉપરના હરેક નરની ગણતરી તું કર.”
16 અને યહોવાના કહેવા પ્રમાણે એટલે જેમ મૂસાને આજ્ઞા આપવામાં આવી હતી તેમ તેઓની ગણતરી તેણે કરી.
17 અને લેવીના દિકરા તેમનાં નામ પ્રમાણે છે, એટલે ગેર્શોન, કહાથ તથા મરારી.
18 અને ગેર્શોનના દિકરાઓનાં નામ, તેમનાં કુટુંબો પ્રમાણે, લિબ્ની તથા શિમિઈ છે.
19 અને કહાથના દિકરા, તેમનાં કુટુંબો પ્રમાણે, આમ્રામ તથા ઇસહાર, હેબ્રોન તથા ઉઝિયેલ છે.
20 અને મરારીના દિકરા, તેમનાં કુટુંબો પ્રમાણે, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓના પિતાનામ ઘર પ્રમાણે, છે.
21 ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ તથા શિમિઇઓનું કુટુંબ થયાં. ગેર્શોનીઓનાં કુટુંબો છે.
22 તેઓમાંના જેઓની ગણતરી થઈ, એટલે તેઓમાંના એક માસના ને તેથી ઉપરના જે બધા નરોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.
23 મંડપની પાછળ પશ્ચિમ બાજુએ ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.
24 અને લાએલનો દિકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાઓનાં ઘરનો અધિપતિ થાય.
25 અને મુલાકાતમંડપમાં મંડપ, તથા તંબુ, તથા તેનું આચ્છાદન, તથા મુલાકાતમંડપના દ્વારનો પડદો,
26 અને આંગણાના પડદા, તથા મંડપની પાસે ને વેદીની આસપાસના આંગણાના દ્વારનો પડદો, ને તેના બધા કામને માટે તેની દોરીઓ, તે બધું ગેર્શોનના દિકરાઓના હવાલામાં રહે.
27 અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ તથા ઈસહારીઓનું કુટુંબ તથા હેબ્રોનીઓનું કુટુંબ તથા ઉઝિયેલીઓનું કુટુંબ થયાં. કહાથીઓનાં કુટુંબો હતાં.
28 એક માસના તથા તેથી ઉપરના સર્વ નરોની સંખ્યા આઠ હજાર છસોની હતી, ને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખનારા હતા.
29 કહાથના દિકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે.
30 અને ઉઝિયેલનો દિકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો અધિપતિ થાય.
31 અને કોશ તથા મેજ તથા દીપવૃક્ષ તથા વેદીઓ, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા પડદો, તથા તેને લગતું સર્વ કામ તેઓના હવાલામાં રહે.
32 અને હારુન યાજકનો દિકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો અધિપતિ થાય, અને પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.
33 મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબ થયાં. મરારીનાં કુટુંબો છે.
34 અને તેઓમાંના એક માસના તથા તેથી ઉપરના જે બધા નરોની ગણતરી થઈ તેઓની સંખ્યા હજાર બસોની હતી.
35 અને અબિહાઈલનો દિકરો સુરિયેલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો અધિપતિ હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે.
36 અને મંડપના પાટિયાં, તથા તેની ભૂંગળો, તથા તેના સ્તંભો, તથા તેઓની કૂંભીઓ, તથા તેનાં સર્વ ઓજારો, તથા તેને લગતું સર્વ કામ;
37 તથા આંગણાની આસપાસનાં સ્તંભો, તથા તેઓની કૂંભીઇઓ, તથા ખીલા, તથા દોરીઓ બધું મરારીન દિકરાઓના હવાલામાં રહે.
38 અને મૂસા તથા હારુન, તથા તેના દિકરા મંડપની સામે પૂર્વની બાજુએ, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે, ને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ ને માટે તે ની સંભાળ રાખે. અને જે કોઈ પારકો પાસે આવે તે માર્યો જાય.
39 લેવીઓમાંનામ જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ તથા હારુને યહોવાની આજ્ઞા પ્રમાણે ગણ્યા તેઓ, એટલે એક માસના તથા તેથી ઉપરના સર્વ નરો, પોતાનાં કુટુંબો પ્રમાણે, બાવીસ હજાર હતા.
40 અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોના એક માસના તથા તેથી ઉપરના સર્વ પ્રથમજનિત નરોની ગણતરી કર, ને તેઓનાં નામોની સંખ્યા ગણ.
41 અને ઇઝરાયલીઓમાં સર્વ પ્રથમ જન્મેલાંને બદલે તું મારે માટે લેવીઓને લે (હું યહોવા છું) અને ઇઝરાયલઈઓનાં ઢોરઢાંક મધ્યે સર્વ પ્રથમ જન્મેલાંને બદલે લેવીઓનાં ઢોરઢાંક લે.”
42 અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ ગણતરી કરી.
43 અને સર્વ પ્રથમ જન્મેલાંની નરોનિ ગણતરી, એક માસના તથા તેથી ઉપરનાનાં નામોની સંખ્યા પ્રમાણે ગણતાં બાવીસ હજાર બસોને તોંતેરની થઈ.
44 અને યહોવાએ મૂસાને કહ્યું,
45 “ઇઝરાયલન પ્રજામાં સર્વ પ્રથમ જન્મેલાઓને બદલે લેવીઓને લે, ને તેઓનાં ઢોરઢાંકને બદલે લેવીઓનાં ઢોરઢાંક લે, અને લેવીઓ મારા થશે, હું યહોવા છું.
46 અને ઇઝરાયલીઓમાં, લેવીઓ ઉપરાંત, જે બસો ને તોંતેર પ્રથમજનિતો છોડાવી લેવાનાં છે,
47 તે પ્રત્યેકને માટે, માથાદીઠ, પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ (એટલે વીસ ગેરાહના શેકેલ) પ્રમાણે તું લે.
48 અને તે ઉપરાંતનાની સંખ્યાની ખંડણીના પૈસા આવે તે હારુન તથા તેના દિકરાને તું આપ.
49 અને જેઓ લેવીઓને બદલે ખંડણીના પૈસા મૂસાએ તેઓની પાસેથી લીધા.
50 ઇઝરાયલીઓના સર્વ પ્રથમજનિતોની પાસેથી તેણે તે પૈસા લીધા. એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે એક હજાર ત્રણસો ને પાસંઠ શેકેલ.
51 અને મૂસાએ યહોવાના કહ્યા પ્રમાણે તથા યહોવાએ તેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ખંડણીના મૂલ્યના પૈસા હારુનને તથા તેના પુત્રોને આપ્યા.