Bible Language

Proverbs 29:21 (GUV) Gujarati Old BSI Version

1 જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.
2 નેકીવાનો અધિકાર પર હોય છે ત્યારે લોકોને આનંદ થાય છે; પણ દુષ્ટ માણસ અધિકાર ધારણ કરે છે ત્યારે લોક નિસાસા નાખે છે.
3 જે કોઈ જ્ઞાન ચાહે છે તે પોતાના પિતાને આનંદ આપે છે; પણ જે માણસ વેશ્યાની સંગત કરે છે તે પોતાની સંપત્તિ ઉડાવી દે છે.
4 રાજા ન્યાયથી દેશને સ્થિર કરે છે; પણ લાંચ લેનાર તેને પાયમાલ કરે છે.
5 જે માણસ પોતાના પડોશીની ખુશામત કરે છે, તે તેનાં પગલાંને માટે જાળ પાથરે છે.
6 દુષ્ટ માણસના અપરાધમાં ફાંદો છે; પણ નેક માણસ ગાય છે અને આનંદ કરે છે.
7 નેક માણસ ગરીબના દાવા પર ધ્યાન આપે છે; દુષ્ટ માણસ તે જાણવાની દરકાર પણ કરતો નથી
8 તિરસ્કાર કરનાર માણસો નગર સળગાવે છે; પણ ડાહ્યા માણસો ક્રોધનું નિવારણ કરે છે.
9 જો ડાહ્યો માણસ મૂર્ખ માણસ સાથે વાદવિવાદમાં ઊતરે, ગમે તો તે ગુસ્‍સે થાય કે ગમે તો હસે, પણ તેને કંઈ નિરાંત વળવાની નથી.
10 લોહીના તરસ્યા માણસો સદાચારીના વૈરી છે; તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે.
11 મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે; પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે.
12 જો કોઈ હાકેમ જૂઠી વાતો સાંભળે તો તેના સર્વ સેવકો દુષ્ટ થઈ જાય છે.
13 ગરીબ માણસ તથા જુલમગાર ભેગા થાય છે; તે બન્‍નેની આંખોને યહોવા પ્રકાશ આપે છે.
14 જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, તેનું તખ્ત સદાને માટે સ્થિર રહેશે.
15 સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને બદનામ કરે છે.
16 દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે ગુનાઓ વધી જાય છે; પણ નેક પુરુષો તેઓની દુર્દશા જોશે.
17 તારા દીકરાને શિક્ષા કરશે, તો તો તને નિરાંત આપશે; તે તારા મનને આનંદ આપશે.
18 જ્યાં સંદર્શન નથી હોતું ત્યાં લોક સર્વ મર્યાદા છોડી દે છે; પણ નિયમ પાળનારને ધન્ય છે.
19 એકલા શબ્દોથી ચાકરને શિક્ષા લાગતી નથી; જો કે તે સમજશે તોપણ તે ગણકારશે નહિ.
20 જો બોલવે ઉતાવળો માણસ તારા જોવામાં આવે, તો તારે જાણવું કે તેના કરતાં કોઈ મૂર્ખ વિષે વધારે આશા રાખી શકાય.
21 જે માણસ પોતાના ચાકરને બાળપણથી લાડમાં ઉછેરે છે, આખરે તે તેનો દીકરો થઈ બેસશે.
22 ક્રોધી માણસ કજિયો સળગાવે છે, અને ગુસ્સાવાળો માણસ પુષ્કળ ગુના કરે છે.
23 માણસનું અભિમાન તેને નીચો પાડી નાખશે; પણ નમ્ર મનવાળો માન પામશે.
24 ચોરનો ભાગીદાર પોતાના જીવનો વૈરી છે; તે સોગન ખાય છે, પણ કંઈ જાહેર કરતો નથી.
25 માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.
26 ઘણા માણસો હાકેમની કૃપા શોધે છે; પણ માણસનો ઇનસાફ યહોવા પાસે છે.
27 અન્યાયી માણસ નેકીવાનને કંટાળારૂપ છે; અને નેકીવાન દુષ્ટોને કંટાળારૂપ છે.