Bible Language

Psalms 2:11 (GUV) Gujarati Old BSI Version

1 વિદેશીઓ કેમ તોફાન કરે છે, અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે?
2 યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્‍જ થાય છે, અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે:
3 “તેઓનાં બંધન આપણે તોડી પાડીએ, એમનો અંકુશ આપણા પરથી દૂર કરીએ.”
4 આકાશમાં જે બેઠા છે, તે હાસ્‍ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
5 ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે, અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે.
6 પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે.
7 હું તો ઠરાવ જાહેર કરીશ; યહોવાએ મને કહ્યું, “તું મારો પુત્ર છે; આજ મેં તને જન્મ આપ્યો છે.
8 તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને, તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
9 તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
10 હે રાજાઓ, તમે સમજો; પૃથ્વીના શાસકો, તમે હવે શિખામણ લો.
11 ભયથી યહોવાની સેવા કરો, અને કંપીને હર્ષ પામો.
12 પુત્રને ચુંબન કરો, રખેને તેમને‍‍ રોષ ચઢે, અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠશે. જેઓ તેમના પર ભરોસો રાખે છે, તે બધાને ધન્ય છે!