Bible Language

Psalms 55:3 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ. હે ઈશ્વર, મારી પ્રાર્થના પર કાન ધરો; અને મારી યાચનાથી સંતાઈ જાઓ.
2 મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; હું શોકને લીધે અશાંત છું, અને વિલાપ કરું છું.
3 શત્રુના અવાજને લીધે, અને દુષ્ટોના જુલમને લીધે વિલાપ કરું છું; કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે, અને ક્રોધથી મને સતાવે છે.
4 મારા હ્રદયમાં મને બહુ પીડા થાય છે; મને મરણની બહુ બીક લાગે છે.
5 મને ત્રાસથી ધ્રુજારી આવે છે, અને હું ભયથી ઘેરાયેલો છું.
6 વળી મેં કહ્યું, “મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! કે હું દૂર ઊડી જઈને વિસામો લેત.
7 હું દૂર નાસી જઈને અરણ્યમાં મુકામ કરત. (સેલાહ)
8 પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને હું ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત.”
9 હે પ્રભુ, તેઓની જીભોમાં ફૂટ પાડીને તેઓનો નાશ કરો; કેમ કે મેં નગરમાં બલાત્કાર તથા ઝઘડા થતા જોયા છે.
10 તેઓ અહોનિશ તેના કોટ પર ફેરા ખાય છે; અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે.
11 તેની વચ્ચે ભૂંડાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.
12 કેમ કે મારા પર જે તહોમત મૂકનારો છે તે શત્રુ હતો; તો મારાથી સહન કરી શકાત. મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે વૈરી હતો; એવાથી તો હું સંતાઈ રહી શકત.
13 પણ તે તું છે, તું જે મારા સરખા દરજ્જાનો પુરુષ, મારો ભાઈબંધ અને મારો દિલોજાન મિત્ર!
14 આપણે એકબીજાની સાથે સુખે ગોષ્ઠિ કરતા હતા, વળી જનસમુદાયની સાથે ઈશ્વરના મંદિરમાં જતા હતા.
15 તેમના પર મોત એકાએક આવો, તેઓ જીવતા શેઓલમાં ઊતરી પડો; કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.
16 હું તો ઈશ્વરને પોકાર કરીશ, એટલે યહોવા મારું તારણ કરશે.
17 સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ; તે મારો સાદ સાંભળશે.
18 કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે મને છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે; કેમ કે મારી સામે લડનારા ઘણા હતા.
19 ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે. તે મારી પ્રાર્થના સાંભળશે, (સેલાહ) અને જેઓ ની સ્થિતિ માં કંઈ ફેરફાર થતો નથી, અને જેઓ ઈશ્વરથી બીતા નથી, તેઓને તે નીચે પાડશે.
20 જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા, તેમના પર તેણે હાથ ઉગામ્યો છે; તેણે પોતાનો કરેલો કરાર તોડયો છે.
21 તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ નું ઝેર હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.
22 તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.
23 પણ, હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અર્ધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી; પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ.