Bible Language

Psalms 84:11 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. કોરાના દીકરાઓનું ગીત. હે સૈન્યોના યહોવા, તમારા માંડવા કેવા રમણીય છે!
2 મારો આત્મા યહોવાનાં આંગણાંની અભિલાષા રાખે છે, હા, તેમને માટે ક્ષીણ થાય છે; જીવતાજાગતા ઈશ્વરની આગળ મારું હ્રદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે.
3 ચલ્લીને ઘર મળ્યું છે, અને અબાબીલને માળો મળ્યો કે, જેમાં તે પોતાનાં બચ્ચાં રાખે, એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા ઈશ્વર.
4 તમારા મંદિરમાં રહેનારાને ધન્ય છે; તેઓ નિરંતર તમારું સ્તવન કરતા રહેશે. (સેલાહ)
5 જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે.
6 રુદનના નીચાણને ઓળંગતાં તેઓ તેને ઝરાની જગા બનાવે છે; હા, પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે.
7 તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે, તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે.
8 હે સૈન્યોના ઈશ્વર યહોવા, મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના ઈશ્વર, કાન ધરો. (સેલાહ)
9 હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ, તમારા અભિષિક્તના મુખને નિહાળો.
10 કેમ કે હજાર દિવસ કરતાં તમારાં આંગણાંમાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાનાં તંબુઓમાં રહેવું, તે કરતાં મારા ઈશ્વરના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે.
11 કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવા, જે માણસ તમારા પર ભરોસો રાખે છે, તેને ધન્ય છે.