1 તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.
2 આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.
3 વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો. પણ ઈશ્વરે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો.
4 કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે, અને બધા અવયવોને એક જ કામ કરવાનું નથી,
5 તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ, અને અરસપરસ એકબીજાના અવયવો છીએ.
6 આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં વરદાન મળ્યાં છે. તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય, તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે પ્રબોધ કરવો.
7 અથવા જો સેવાનું, તો સેવામાં તત્પર રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં મંડયા રહેવું.
8 અને જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું, જે દાન કરે છે, તેણે ઉદારતાથી કરવું. જે અધિકારી છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે, તેણે ઉમંગથી રાખવી.
9 તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.
10 ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવા માં પોતાના કરતાં બીજાને અધિક ગણો.
11 ઉદ્યોગમાં આળસુ ન થાઓ. આત્મામાં ઉત્સાહી થાઓ. પ્રભુની સેવા કરો.
12 આશામાં આનંદ કરો. સંકટમાં ધીરજ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો.
13 સંતોની જરૂરિયાતો પૂરી પાડો. પરોણાગત કરવામાં તત્પર રહો.
14 તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો, અને શાપ આપતા નહિ.
15 આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો
16 અરસપરસ એક દિલના થાઓ. તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.
17 ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. બધાં માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો,
18 જો બની શકે, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને ચાલો.
19 ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, “પ્રભુ કહે છે કે, વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.
20 પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.”
21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.