Bible Language

Song of Solomon 5:2 (GUV) Gujarati Old BSI Version

1 હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, હું મારા બાગમાં આવ્યો છું; મેં મારાં બોળ તથા સુગંધીદ્રવ્યો વીણી લીધાં છે; મેં મારા મધપૂડામાંથી મધ ખાધું છે; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો, ખાઓ; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો ખાઓ, હે પ્રિય ભાઈઓ, પીઓ, હા, પુષ્કળ પીઓ.
2 હું ઊંઘતી હતી, પણ મારું મન જાગતું હતું; મારા પ્રીતમનો સ્વર છે કે, જે દ્વાર ઠોકે છે ને કહે છે કે, હે મારી પ્રાણપ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મારે માટે ઉઘાડ; કેમ કે મારું માથું ઝાડળથી, તથા મારી લટો રાતનાં ટીપાંથી ભરાઈ ગઈ છે!!
3 મેં મારું વસ્ત્ર કાઢયું છે; તે હું કેમ પહેરું? મેં મારા પગ ધોયા છે; ને હું તેમને કેમ મેલા કરું?
4 મારા પ્રીતમે કમાડના બાકામાં થઈને અંદર હાથ ઘાલ્યો, અને મારું હૈયું ધડકી ઊઠયું!
5 હું મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડવાને ઊઠી; કળના હાથા પર મારા હાથમાંથી બોળ, અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતાં હતાં.
6 મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડયું; પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો. તે બોલ્યો ત્યારે હું ભાન-ભૂલી બની ગઈ હતી. મેં તેને શોધ્યો, પણ મને તે જડયો નહિ; મેં તેને બોલાવ્યો, પણ તેણે મને કશો ઉત્તર આપ્યો નહિ.
7 નગરમાં રોન ફરતા ચોકીદારોનો મને ભેટો થયો, તેઓએ મને મારી, તેઓએ મને ઘાયલ કરી; કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી છીનવી લીધો.
8 હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને સોગન દઉં છું કે, જો તમને મારો પ્રીતમ મળી જાય, તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.
9 હે સ્ત્રીઓમાં સર્વોત્તમ સુંદરી, તારો પ્રીતમ બીજી કોઈના પ્રીતમ કરતાં શો વિશેષ છે? તારો પ્રીતમ બીજી કોઈના પ્રીતમ કરતાં શો વિશેષ છે? કે, તું પ્રમાણે અમને સોગન દે છે?
10 મારો પ્રીતમ ગોરો ગોરો અને લાલચોળ છે, તે દશ હજારમાં શિરોમણી છે.
11 તેનુમ માથું સર્વોત્તમ સોના જેવું છે, તેની લટો ગુચ્છાદાર અને કાગ જેવી કાળી છે.
12 તેની આંખો પાણીના ઝરણા પાસે ઊભેલા હોલા જેવી છે; તે દૂધથી ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
13 તેના ગાલ સુગંધીદ્રવ્યના ક્યારા જેવા, તથા સુગંધીઓની પાળો જેવા છે; જેમાંથી બોળનો અર્ક ઝરતો હોય એવી ગુલછડીઓ જેવા તેના હોઠ છે.
14 તેના હાથ પોખરાજ જડેલી સોનાની વીંટીઓ જેવા છે; નીલમથી મઢેલા હાથીદાંતના કામ જેવું તેનું અંગ અંગ છે.
15 તેના પગ! ચોખ્ખા સોનાની કૂંભીઓમાં બેસાડેલા સંગેમરમરના સ્તંભો જેવા છે; તેનો દેખાવ ભવ્ય લબાનોન અને ઉન્નત એરેજવૃક્ષો જેવો ઉત્તમ છે.
16 તેનું મુખ અતિ મધુર છે; હા, તે અતિ મનોહર છે. હે યરુશાલેમની પુત્રીઓ, મારો પ્રીતમ, અને મારો મિત્ર છે.