Bible Language

1 Chronicles 13 (GUV) Gujarati Old BSI Version

1 પછી દાઉદે સહસ્રાધિપતિઓની તથા શતાધિપતિઓની એટલે સર્વ સરદારોની સલાહ લીધી.
2 દાઉદે ઇઝરાયલની આખી સભાને કહ્યું, “જો તમને સારું લાગે, ને જો આપણા ઈશ્વર યહોવાની મરજી હોય, તો આપણા જે ભાઈઓ ઇઝરાયલના આખા દેશમાં બાકી રહ્યા છે, તથા તેઓની સાથે જે યાજકો તથા લેવીઓ પોતાનાં પાદરોવાળાં નગરોમાં રહે છે, તેઓની પાસે સર્વત્ર માણસો મોકલીએ કે, તેઓ ઈશ્વરનો કોશ આપણી પાસે ફરીથી લાવવાને એકત્ર થાય;
3 કેમ કે શાઉલના સમયમાં આપણે તેની પાસે પૂછવા જતા નહોતા.”
4 તે વાત સર્વ લોકોની ર્દષ્ટિમાં ઠીક લાગી, અને આખી સભાએ કહ્યું, “આપણે એમ કરીશું.”
5 તેથી ઈશ્વરનો કોશ કિર્યાથ-યારીમથી લાવવા માટે દાઉદે મિસરના શિહોરથી તે હમાથના નાકા સુધીના સર્વ ઇઝરાયલને એકત્ર કર્યા.
6 કરુબો પર બિરાજમાન ઈશ્વર, જે યહોવા નામથી ઓળખાય છે, તેમનો કોશ ત્યાંથી લઈ આવવા માટે દાઉદ તથા સર્વ ઇઝરાયલ બાલામાં, એટલે યહૂદિયાના કિર્યાથ-યારીમમાં ભેગા થયા.
7 તેઓએ ઈશ્વરનો કોશ અબિનાદાબના ઘરમાંથી કાઢીને એક નવા ગાડામાં મૂક્યો. ઉઝ્‍ઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા.
8 દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગાયનો ગાતા, તથા વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડા વગાડતાં પૂર્ણ ઉમંગથી ઇશ્વરની આગળ ઉત્સવ કરતા હતા.
9 જ્યારે તેઓ કીદોનની ખળી પાસે આવ્યા; ત્યારે બળદોએ ઠોકર ખાધાથી ઉઝ્ઝાએ કોશને પકડવા માટે પોતાનો હાથ લાંબો કર્યો. પોતાનો હાથ લાંબો કરીને કોશને અડક્યો,
10 તેથી યહોવાનો કોપ તેના પર સળગી ઊઠ્યો; અને યહોવાએ એને શિક્ષા કરી, ને ત્યાં ઈશ્વર આગળ મરણ પામ્યો.
11 યહોવા ઉઝ્ઝા પર તૂટી પડ્યા, તેથી દાઉદને ખોટું લાગ્યું, તેથી તે જગાનું નામ તેણે “પેરેસ-ઉઝ્ઝા પાડ્યું. આજ સુધી તે નામ ચાલે છે.
12 તે દિવસે દાઉદે ઈશ્વરથી ડરીને કહ્યું, “હું મારે ઘેર ઈશ્વરનો કોશ કેમ કરીને લાવું?”
13 માટે દાઉદ કોશને દાઉદનગરમાં પોતાને ત્યાં લાવ્યો નહિ, પણ તેને બીજે સ્થળે એટલે ગિત્તિ ઓબેદ-અદોમનાં ઘરમાં લઈ ગયો.
14 ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ માસ રહ્યો. અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો.