Bible Language

1 Samuel 14 (GUV) Gujarati Old BSI Version

1 હવે એક દિવસ એવું બન્યું કે શાઉલના દીકરા યોનાથાને પોતાના શસ્‍ત્રવાહક જુવાનને કહ્યું, “ચાલ આપણે પલિસ્તીઓનું લશ્કર જે પેલી તરફ છે ત્યાં જઈએ.” પણ પોતાના પિતાને તેણે વિષે કંઈ કહ્યું નહિ.
2 શાઉલે ગિબયાના છેક છેવાડા ભાગમાં મિગ્રોનમાં દાડમના એક ઝાડ નીચે મુકામ કર્યો હતો. તેની સાથેના લોક આસરે છસો માણસ હતા.
3 અને શીલોમાં યહોવાના યાજક એલીના દીકરા ફીનહાસના દીકરા ઈખાબોદના ભાઈ અહીટુબના દીકરા અહિયાએ એફોદ પહેરેલો હતો. અને યોનાથાન ગયેલો છે લોકો જાણતા નહોતા.
4 ઘાટોની વચ્ચેના જે રસ્તે થઈને યોનાથાન પલિસ્તીઓના લશ્કર પાસે જવાનું શોધતો હતો, તેની એક બાજુએ ખડકની ભેખડ ને બીજી બાજુએ ખડકની ભેખડ હતી; એકનું નામ બોસેસ, ને બીજીનું નામ સેને હતું.
5 એક ભેખડ ઉત્તર તરફ મિખ્માશ સામે, ને બીજી ભેખડ દક્ષિણ તરફ ગેબા સામે આવેલી હતી.
6 યોનાથાને પોતાના શસ્‍ત્રવાહક જુવાનને કહ્યું, “ચાલ, આપણે બેસુન્‍નત લોકની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને સહાય કરશે; કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી.”
7 તેના શસ્‍ત્રવાહકે તેને કહ્યું, “જે કંઈ તમારા મનમાં હોય તે કરો; ચાલો, જુઓ, હું તમારી ઇચ્છા પ્રમાણે તમારી સાથે આવું છું.”
8 ત્યારે યોનાથાને કહ્યું, “જો આપણે તે માણસો પાસે જઈએ, ને આપણે તેમને દેખા દઈએ.
9 જો તેઓ આપણને એમ કહે, ‘અમે તમારી પાસે આવીએ ત્યાં સુધી થોભી જાઓ;’ તો આપણે આપણા ઠેકાણે ઊભા રહીશું, ને ફરી તેઓની પાસે નહિ જઈએ.
10 પણ જો તેઓ એમ કહે કે અમારી પાસે ઉપર આવો, તો આપણે ઉપર જઈશું:કેમ કે યહોવાએ તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે, અને આપણે માટે ચિહ્ન થશે.”
11 પછી તે બન્‍નેએ પલિસ્તીઓના લશ્કરને દેખા દીધી. પલિસ્તીઓએ કહ્યું, “જુઓ, જે ખાડાઓમાં હિબ્રૂઓ સંતાઈ રહ્યા હતા તેમાંથી તેઓ બહાર આવે છે.”
12 અને લશ્કરના માણસોએ યોનાથાનને તથા તેના શસ્‍ત્રવાહકને ઉત્તર આપ્યો, “અમારી પાસે આવો, એટલે અમે તમને કંઈક બતાવીએ.” યોનાથાને પોતાના શસ્‍ત્રવાહકને કહ્યું, “મારી પાછળ ઉપર આવ; કેમ કે યહોવાએ તેઓને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા છે.”
13 યોનાથાન ઘૂંટણિયે પડીને ચઢ્યો, ને તેનો શસ્‍ત્રવાહક તેની પાછળ પાછળ ચઢ્યો; યોનાથાન આગળ તેઓ પડ્યા, ને તેની પાછળ તેના શસ્‍ત્રવાહકે તેઓને મારી નાખ્યા.
14 એક એકર જમીનમાં અડધા ચાસની લંબાઈ જેટલામાં, યોનાથાને તથા તેના શસ્‍ત્રવાહકે જે પહેલી કતલ કરી તે આસરે વીસ માણસની હતી.
15 અને છાવણીમાં, રણક્ષેત્રમાં તથા સર્વ લોકમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટનારા પણ થથરી ઊઠ્યા. અને ભૂમિ પણ કંપી. એમ ઘણી મોટી ધ્રૂજારી વ્યાપી ગઇ.
16 બિન્યામીનના ગિબયામાંના શાઉલના પહેરેગીરોએ જોયું. અને જુઓ, પલિસ્તીઓનો સમુદાય ઓછો થતો જતો હતો, ને તેઓ અહીંતહીં દોડતા હતા.
17 શાઉલે પોતાની સાથે જે લોક હતા તેઓને કહ્યું, “ગણતરી કરો, ને આપણામાંથી કોણ ગયો છે તેની તપાસ કરી જુઓ.”
18 તેઓ ગણતરી કરી રહ્યા, ત્યારે જુઓ, યોનાથાન તથા તેનો શસ્‍ત્રવાહક ત્યાં નહોતા. શાઉલે અહિયાને કહ્યું, “ઈશ્વરનો કોશ અહીં લાવ.” કેમ કે તે વખતે ઈશ્વરનો કોશ ઇઝરાયલી લોકો સાથે હતો.
19 યાજકની સાથે શાઉલ વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે પલિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધવા લાગ્યો. શાઉલે યાજકને કહ્યું, “તારો હાથ પાછો ખેંચી લે.”
20 શાઉલ તથા તેની સાથે જે લોક હતા, તે બધા એકત્ર થઈને લડવા ગયા. અને જુઓ, પ્રત્યેક માણસની તરવાર તેના સાથીદારની વિરુદ્ધ હતી, ને મોટો ઘાણ વળી ગયો હતો.
21 હવે જે હિબ્રૂઓ અગાઉની માફક પલિસ્તીઓની સાથે હતા, ને જે ચોતરફના પ્રદેશમાંથી તેઓની સાથે છાવણીમાં ગયા હતા, તેઓ પણ ફરી જઈને શાઉલ તથા યોનાથાન સાથેના ઇઝરાયલીઓની સાથે મળી ગયા.
22 તેમ ઇઝરાયલના જે માણસો એફ્રાઈમના પહાડી પ્રદેશમાં સંતાઈ ગયા હતા તે સર્વ પણ, પલિસ્તીઓ નાસે છે એવું સાંભળીને, લડાઈમાં લગોલગ તેઓની પાછળ પડ્યા.
23 એમ યહોવાએ તે દિવસે ઇઝરાયલનો બચાવ કર્યો. અને લડાઈ બેથ-આવેન પાસે થઈને આગળ ચાલી.
24 તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થઈ ગયા હતા. પણ શાઉલે લોકોને સોગન દઈને કહ્યું, “સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારું વેર વળે ત્યાં સુધી જે કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તે શાપિત થાઓ.” માટે કોઈ પણ માણસે કંઈ પણ ખાવાનું ચાખ્યું નહિ.
25 અને બધા લોક વનમાં આવ્યા. ત્યાં ભૂમી પર મધ પડેલું હતું,
26 અને વનમાં લોકો આવ્યા ત્યારે, જુઓ, મધ ટપક્તું હતું, પણ કોઈએ પોતાનો હાથ મોઢે લગાડ્યો નહિ, કેમ કે લોકો પેલા સોગનથી બીતા હતા.
27 પણ યોનાથાનના પિતાએ લોકોને સોગન દીધા ત્યારે તેણે તે સાંભળ્યું હતું. તેથી તેણે પોતાના હાથમાં જે લાકડી હતી તે લંબાવીને તેનો છેડો મધપૂડામાં ઘોંચ્યો ને પોતાનો હાથ મોઢે લગાડ્યો. આથી તેની આંખોમાં તેજ આવ્યું.
28 ત્યારે લોકોમાંથી એક જણે કહ્યું, “તારા પિતાએ લોકોને સોગન દઈને સખત હુકમ કર્યો છે, કે જે માણસ આજે કંઈ અન્‍ન ખાય તે શાપિત થાય.” વખતે લોકો નિર્ગત થઈ ગયા હતા.
29 યોનાથાને કહ્યું, “મારા પિતાએ દેશને હેરાન કર્યો છે; કૃપા કરીને જો, મેં થોડું મધ ચાખ્યું, તેથી મારી આંખોમાં કેવું તેજ આવ્યું છે!
30 જો આજે લોકોએ પોતાના શત્રુઓની પાસેથી મેળવેલી લૂટમાંથી મનમાન્યું ખાધું હોત, તો કેટલો બધો ફાયદો થાત? કેમ કે હાલ પલિસ્તીઓની કરતાં પણ ભારે કતલ થઈ હોત.”
31 તે દિવસે મિખ્માશથી આયાલોન સુધી તેઓ પલિસ્તીઓને મારતા ગયા. પણ લોકો બહુ નિર્ગત થઈ ગયા હતા.
32 તેથી લોકો લૂટ પર તૂટી પડ્યા, અને ઘેટાં, બળદો તથા વાછરડો લઈને ભૂમી પર તેઓનો વધ કર્યો; અને લોકો રક્ત સાથે તે ખાવા લાગ્યા.
33 ત્યારે તેઓએ શાઉલને કહ્યું, “જુઓ, લોકો રક્ત સાથે માંસ ખાઈને ઈશ્વરની વિરુદ્ધ પાપ કરે છે.” ત્યારે તેણે કહ્યું, “તમે ઠગાઈ કરી છે; આજે એક મોટો પથ્થર મારી પાસે ગબડાવી લાવો.”
34 અને શાઉલે કહ્યું, “તમે લોકો મધ્યે વિખેરાઈ જઈને તેઓને ખબર આપો કે, દરેક માણસ પોતાનો બળદ તથા દરેક માણસ પોતાનું ઘેટું અહીં મારી પાસે લાવે, ને અહીં તે કાપીને ખાય; પણ તમે રક્તની સાથે માંસ ખાઈને યહોવાની વિરુદ્ધ પાપ કરશો નહિ. અને તે રાત્રે સર્વ લોકોએ પોતપોતાના બળદ પોતાની સાથે લાવીને ત્યાં તે કાપ્યા.
35 પછી શાઉલે યહોવાને માટે વેદી બાંધી. યહોવાને માટે તેણે જે પહેલી વેદી બાંધી હતી તે હતી.”
36 શાઉલે કહ્યું, “આપણે રાતના સમયે પલિસ્તીઓની પાછળ પડીએ, ને સવારે અજવાળું થતાં સુધી તેઓને લૂટીએ, ને તેઓમાંથી એક પણ માણસને રહેવા દઈએ.” તેઓએ કહ્યું, “જેમ તમને સારું લાગે તેમ કરો.” ત્યારે યાજકે કહ્યું, “આપણે અહીં ઈશ્વરની હજૂરમાં એકત્ર થઈએ.”
37 અને શાઉલે ઈશ્વરની સલાહ પૂછી, “હું પલિસ્તીઓની પાછળ પડું? શું તમે તેઓને ઇઝરાયલના હાથમાં સોંપશો?” પણ યહોવાએ તે દિવસે તેને કંઈ ઉત્તર આપ્યો નહિ.
38 પછી શાઉલે કહ્યું, “લોકોના સર્વ આગેવાનો, તમે અહીં આવો. અને આજે શામાં પાપ થયું છે તપાસ કરી શોધી કાઢો.
39 કેમ કે ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર યહોવાના સોગન ખાઈને હું કહું છું કે તે મારો દીકરો યોનાથાન હશે તોપણ તે ખચીત માર્યો જશે.” પણ સર્વ લોકોમાંથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહિ.
40 ત્યારે તેણે સર્વ ઇઝરાયલને કહ્યું, “તમે એક બાજુએ રહો અને હું તથા મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ.” અને લોકોએ શાઉલને કહ્યું, “જેમ તમને સારું લાગે તેમ કરો.”
41 માટે શાઉલે ઇઝરાયલના ઈશ્વર યહોવાને કહ્યું, “સત્ય વાત જણાવો.” ત્યારે યોનાથાન તથા શાઉલ ચિઠ્ઠીથી પકડાયા; અને લોક બચી ગયા.
42 શાઉલે કહ્યું, “મારી ને મારા દીકરા યોનાથાનની વચ્ચે ચિઠ્ઠી નાખો.” એટલે યોનાથાન પકડાયો.
43 ત્યારે શાઉલે યોનાથાનને કહ્યું, “તેં શું કર્યું છે તે મને કહે.” ત્યારે યોનાથાને તેને કહ્યું, “મારા હાથમાં લાકડી હતી તેના છેડાથી મેં થોડું મધ ચાખ્યું ખરું; અને જુઓ, મારે મરવું પડે છે.”
44 શાઉલે કહ્યું, “ઈશ્વર એવું ને એથી પણ વધારે મને કરો, કેમ કે, યોનાથાન, તું નક્‍કી મરશે.”
45 લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલનો આવો મોટો ઉદ્ધાર કર્યો છે તે મરે? એવું થાઓ. જીવતા યહોવાના સમ, તેના માથાનો વાળ પણ ભૂમિ પર પાડવાનો નથી, કેમ કે આજે ઈશ્વરની સહાયથી તેણે કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવી લીધો, જેથી તે મરણ પામ્યો નહિ.
46 ત્યારે પછી શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું છોડીને ચાલ્યો ગયો. અને પલિસ્તીઓ પોતાને ઠેકાણે ગયા.
47 હવે ઇઝરાયલ પર રાજપદ ધારણ કર્યા પછી શાઉલ તેની ચારે તરફના સર્વ શત્રુઓની સાથે, એટલે મોઆબની સાથે, આમ્‍મોનપુત્રોની સાથે, અદોમની સાથે, સોબાના રાજાઓની સાથે તથા પલિસ્તીઓની સાથે લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો.
48 તેણે બહાદુરી કરીને અમાલેકીઓને માર્યા, ને ઇઝરાયલને તેઓના લૂંટારોઓના હાથમાંથી મુક્ત કર્યા.
49 હવે શાઉલના દીકરા યોનાથાન, યિશ્‍વી ને નાનીનું નામ મીખાલ હતું.
50 શાઉલની પત્નીનું નામ અહિનોઆમ હતું, તે અહિમઆસની દીકરી હતી. તેના સેનાપતિનું નામ આબ્નેર હતું, તે શાઉલના કાકા નેરનો દીકરો હતો.
51 કીશ શાઉલનો પિતા હતો. અને આબ્નેરનો પિતા નેર અબિયેલનો દીકરો હતો.
52 શાઉલના સર્વ દિવસોમાં પલિસ્તીઓની સાથે દારુણ યુદ્ધ ચાલતું હતું. અને શાઉલ કોઈ પરાક્રમી માણસને કે કોઈ શૂરા માણસને જોતો, તો તે તેને પોતાની પાસે રાખતો.