Bible Language

2 Chronicles 28 (GUV) Gujarati Old BSI Version

1 આહાઝ રાજા થયો ત્યારે તે વીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યું. તેના પિતા દાઉદે જેમ સારું કર્યું હતું તેમ તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું નહિ.
2 પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, ને બાલીમને માટે ગાળેલી મૂર્તિઓ પણ બનાવી.
3 વળી જે વીદેશીઓને યહોવાએ ઇઝઃરાયલીઓની આગળથી હાંકી કાઢ્યા હતા તેઓની ધિક્કારપાત્ર વર્તણૂક પ્રમાણે તે હિન્‍નોમપુત્રની ખીણમાં ધૂપ બાળતો ને પોતાનાં છોકરાંને અગ્નિમાં હોમતો.
4 તે ઉચ્ચસ્થાનોમાં, પર્વતો પર તથા પ્રત્યેક લીલા વૃક્ષો નીચે યજ્ઞ કરતો ને ધૂપ બાળતો.
5 માટે તેના ઈશ્વર યહોવાએ તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. તેઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરીને દમસ્કસમાં લઇ ગયાં. તે ઇઝરાયલના રાજાનાં હાથમાં કેદ પકડાયો,, ને તેણે તેના સૈન્યનો મોટો સંહાર કરીને તેને હરાવ્યો.
6 રમાલ્યાના પુત્ર પેકાહે યહૂદિયામાં એક દિવેસે એક લાખ વીસ હજાર પુરુષો કે, જેઓ બધા શૂરવીર પુરુષો હતા, તેઓને મારી નાખ્યાં; કેમ કે તેઓએ પોતાના પોતૃઓના ઈશ્વર યહોવાને તજી દીધા હતા.
7 એફ્રાઈમના એક પરાક્રમી પુરુષ ઝિખ્રીએ રાજાના પુત્ર માસેનાને, ઘરકારભારી હાઝીકામને તથા રાજાથી ઊતરતા દરજ્જાના એલ્કાનાને મારી નાખ્યા.
8 ઇઝરાયલીઓ પોતાના ભાઈઓમાંથી સ્ત્રીઓ અને છોકરાં મળીને બે લાખ માણસોને બંદીવાન કરી લઈ ગયા, ને તેઓ પાસેથી ઘણી લૂંટ મેળવીને સમરુનમાં પાછા આવ્યા.
9 ત્યાં યહોવાનો એક પ્રબોધક હતો, જેનું નામ ઓદેદ હતું; જે સૈન્ય સમરુનમાં આવ્યું તેને તે મળવા ગયો, ને તેઓને કહ્યું, “જુઓ તમારા પિતૃઓના ઈશ્વર યહોવા યહૂદિયા ઉપર કોપાયમાન થયા છે, એથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા છે, તમે ક્રોધાવેશમાં તેઓને મારી નાખ્યા છે, ને તે તમારો ક્રોધ આકાશ સુધી પહોંચ્યો છે.
10 માટે હવે યહૂદિયા તથા યરુશાલેમનાં છોકરાંને તમે પોતાને માટે ગુલામો તથા ગુલામડીઓ બનાવીને તેમને તાબેદાર કરી લેવા ધારો છો; પણ તમારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ તમારા પોતાના અપરાધો નથી શું?
11 માટે હવે મારું સાંભળો, તમારા ભાઈઓમાંથી જેઓને તમે બંદીવાન કર્યા છે તેમને પાછા મોકલો; કેમ કે તમારા ઉપર યહોવાનો ઉગ્ર કોપ ઝઝૂમી રહેલો છે.
12 ત્યારે એફ્રાઈમીઓના કેટલાકએક મુખ્ય પુરુષો, એટલે યોહાનાનનો પુત્ર આઝાર્યા, મશિલ્લેમોથનો પુ઼ત્ર બેરેખ્યા, શાલ્લુમનો પુત્ર હિઝકિયા તથા હાલદાઈનો પુત્ર અમાસા યુદ્ધમાંથી પાછા ફરેલા માણસોની સામે આવીને ઊભા રહ્યા,
13 અને તેઓને કહ્યું, “તમારે બંદિવાનોને અહીં અંદર લાવવા; કેમ કે તમે એવું કામ કરવા ધારો છો કે જેથી આપણા પર યહોવાની આજ્ઞાના ઉલ્લંઘનનો દોષ આવે, નેથી આપણાં પાપમાં તથા ઉલ્લંઘનમાં વૃદ્ધિ થશે; કેમ કે આપણું ઉલ્લંઘન મોટું છે, ને ઇઝરાયલ ઉપર ઉગ્ર કોપ ઝઝૂમી રહેલો છે.”
14 આથૌ શસ્ત્રસજ્જિત પુરુષોએ સરદારોની તથા સમગ્ર પ્રજાની આગળ બંદીવાનોને તથા લુટને મૂકી દીધાં.
15 પછી જે પુરુષોનાં નામો ઉપર આપેલાં છે, તેઓએ ઊઠીને બંદીવાનોમાંથી જેઓ નવસ્ત્ર હતા તેઓને લૂટમાંથી વસ્ત્ર લઈને પહેરાવ્યાં, તેઓને ખાવાનું તથા પીવાનું પણ આપ્યું, તેઓને અંગે તેલ ચોળ્યું, ને તેમાંના સર્વ નબળાઓને ગધેડાં ઉપર બેસાડીને તેઓને તેઓના ભાઈઓની પાસે ખજૂરીઓના નગર યરીખોમાં લાવ્યા. ત્યાર પછી તેઓ સમરુનમાં પાછા ગયા.
16 તે સમયે આહાઝ રાજાએ સહાય માગવા માટે આશૂરના રાજા પર સંદેશો મોકલ્યો.
17 કેમ કે અદોમીઓ ફરીથી આવ્યા હતા, ને યહૂદિયાને મારીને કેટલાકને બંદીવાન કરી લઈ ગયા હતા.
18 પલિસ્તીઓ પણ નીચાણનાં તથા યહૂદિયાની દક્ષિણનાં નગરો પર ચઢાઈ કરીને બેથ-શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો, તિમ્ના તથા ગિમ્ઝો પણ તેઓના કસબાઓ સુદ્ધાં સર કરીને ત્યાં વસ્યા.
19 ઇઝરાયલના રાજા આહાઝને લીધે યહોવાએ યહૂદિયાને નમાવ્યું, કેમ કે તે યહૂદિયામાં ઉદ્ધતાઈથી વર્ત્યો હતો, ને યહોવાની આજ્ઞાનું ઘણું ઉલ્લંઘન કર્યું હતું.
20 આશૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરે તેના પર ચઢી આવીને તેને હેરાન કર્યો, પણ તેને મદદ કરી નહિ.
21 આહાઝે યહોવાના મંદિરમાંથી, રાજાના મહેલમાંથી તથા સરદારો પાસેથી અમુક હિસ્સો લઈને આશૂરના રાજાને આપ્યો; પણ તેમાં તેનું કંઈ વળ્યું નહિ.
22 તેના સંકટના સમયે તેણે, એટલે આહાઝ રાજાએ યહોવા ની આજ્ઞા નું એથી પણ વધારે ઉલ્લંઘન કર્યું.
23 કેમ કે દમસ્કસના જે દેવો તેના પર આફત લાવ્યા હતા તેઓને તેણે બલિદાન આપ્યાં. તેણે કહ્યું, “અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે, માટે હું પણ તેઓને બલિદાન આપીશ કે, જેથી તેઓ મને સહાય કરે.” પણ તેઓથી તો તેનું તથા આખા ઇઝરાયલનું સત્યાનાશ વાળ્યું.
24 આહાઝે ઈશ્વરના મંદિરના પાત્રો એકત્ર કરીને તેમને કાપીને ટુકડા કર્યા, ને યહોવાના મંદિરનાં બારણાં બંધ કર્યા. વળી તેણે પોતાને માટે યરુશાલેમને ખૂંણે ખાંચરે વેદીઓ બનાવી.
25 યહૂદિયાના દરેક નગર દીઠ અન્ય દેવોની આગળ ધૂપ બાળવા માટે તેણે ઉચ્ચસ્થાનો બાંધીને પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાને રોષ ચઢાવ્યો.
26 તેના બાકીનાં કૃત્યો તથા તેના સર્વ આચરણ, પહેલેથી તે છેલ્લે સુધી, યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.
27 આહાઝ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેઓએ તેને યરુશાલેમ નગરમાં દાટ્યો. તેઓ તેને ઇઝરાયલના રાજાઓના કબરસ્તાનમાં લાવ્યા નહિ. તેને સ્થાને તેના પુત્ર હિઝકિયાએ રાજ કર્યું.