Bible Language

2 Corinthians 5 (GUV) Gujarati Old BSI Version

1 કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય, તો આકાશમાં ઈશ્વરે રચેલું, હાથે બાંધેલું નહિ, એવું અમારું સનાતન ઘર છે.
2 કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે. તેનાથી વેષ્ટિત થવાની અભિલાષા રાખીને, અમે માંડવામાં રહેતા ખરેખર નિસાસા નાખીએ છીએ.
3 જો પ્રમાણે વેષ્ટિત થઈએ તો અમે નગ્ન દેખાઈએ.
4 કેમ કે અમે માંડવામાં રહેતાં બોજાને લીધે ખરેખર નિસાસા નાખીએ છીએ. મરણ જીવનમાં ગરક થઈ જાય માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ. એમ તો નહિ, પણ વેષ્ટિત થવાને ચાહીએ છીએ.
5 હવે જેમણે અમને એને અર્થે તૈયાર કર્યા તે ઈશ્વર છે. તેમણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે.
6 માટે અમે સદા હિંમતવાન છીએ, અને એવું જાણીએ છીએ કે, શરીરમાં વાસો કરીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી છીએ.
7 (કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દષ્ટિથી નહિ).
8 માટે અમે હિંમતવાન છીએ, અને શરીરથી વિયોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો, અમને વધારે પસંદ છે.
9 માટે શરીરરૂપી ઘરમાં હોઈએ કે બહાર હોઈએ, પણ તેમને પસંદ પડીએ એવી ઉમેદ અમે રાખીએ છીએ.
10 કેમ કે દરેક શરીરમાં રહીને જે જે ભલું કે ખરાબ કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્ચાયાસન આગળ પ્રગટ થવું પડશે.
11 માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે ઈશ્વરને પ્રગટ થયેલા છીએ. અને તમારાં અંત:કરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું.
12 અમે ફરીથી તમારી આગળ પોતાનાં વખાણ કરતાં નથી, પણ જેઓ હ્રદયમાં નહિ, પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે, તેઓને ઉત્તર આપવાનું સાધન તમારી પાસે હોય, માટે અમારે વિષે તમને અભિમાન કરવાનો પ્રસંગ આપીએ છીએ.
13 કેમ કે જો અમે ઘેલા હોઈએ, તો તે ઈશ્વરને અર્થે છીએ. અથવા જો સજાગ હોઈએ, તો તે તમારે અર્થે છીએ.
14 કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે; કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે, એક સર્વને માટે મર્યા માટે સર્વ મર્યા;
15 અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહિ, પણ જે તેઓને માટે મર્યા તથા પાછા ઊઠયા, તેમને અર્થે જીવે, માટે તે સર્વને વાસ્તે મર્યા.
16 માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી. અને જોકે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યા હતા, તોપણ હવેથી તેમને એમ ઓળખતા નથી.
17 માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે:જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે; જુઓ તે નવું થયું છે.
18 પણ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું, અને સમાધાન પ્રગટ કરવા ની સેવા અમને સોંપી.
19 એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતા નથી, અને તેમણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે.
20 માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય તેમ, અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો.
21 આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.