Bible Language

2 Timothy 4 (GUV) Gujarati Old BSI Version

1 માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ, ને તેમના પ્રગટ થવાની તથા રાજ્યની આણ દઈને હું તને આગ્રહપૂર્વક કહું છું કે,
2 તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.
3 કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ. પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને માટે ભેગા કરશે.
4 તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે.
5 પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુ:ખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવાકાર્ય પૂર્ણ કર.
6 કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું, અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે.
7 હું સારી લડાઈ લડયો છું. મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે.
8 હવે મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે; અને માત્ર મને નહિ, પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.
9 મારી પાસે વહેલો આવવાને તું યત્ન કરજે.
10 કેમ કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસ્સાલોનિકામાં જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતીઆ ગયો, અને તિતસ દલ્માતીઆ ગયો.
11 એકલો લૂ. મારી સાથે છે. માર્કને તારી સાથે તેડતો આવજે, કેમ કે સેવાને માટે તે મને ઉપયોગી છે.
12 તુખીક્સને મેં એફેસસ મોકલ્યો.
13 જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મૂક્યો છે તે, અને પુસ્‍તકો પણ વિશેષે કરીને ચર્મપત્રો, આવતી વખતે સાથે લેતો આવજે.
14 એલેકઝાન્ડર કંસારાએ મને બહુ નુકસાન કર્યું છે. તેનાં કામ પ્રમાણે પ્રભુ તેને બદલો આપશે.
15 તેનાથી તું પણ ચેતીને રહેજે, કેમ કે તેણે અમારાં વચનોની સામે ઘણો વિરોધ દર્શાવ્યો છે.
16 મારા પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઈ રહ્યું નહોતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા. પ્રભુ તેઓને લેખે ગણે.
17 પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું, જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને બધા વિદેશીઓ તે સાંભળે. સિંહના મોંમાંથી હું બચી ગયો.
18 પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને માટે મને સહીસલામત રાખશે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.
19 પ્રિસ્કા અને આકુલા તથા ઓનેસિફરસના કુટુંબનાં માણસોને ક્ષેમકુશળ કહેજે.
20 એરાસ્‍તસ કરિંથમાં રહી ગયો. અને ત્રોફીમસને માંદો પડયાને લીધે મેં મિલેતસમાં રહેવા દીધો.
21 શિયાળા પહેલાં આવવાને યત્ન કરજે. યુબુલસ, પુદેન્સ, લીનસ, કલાદિયા તથા સર્વ ભાઈઓ તને ક્ષેમકુશળ કહે છે.
22 પ્રભુ તારા આત્માની સાથે થાઓ. તારા પર કૃપા થાઓ.???????? 1