Bible Language

Ezekiel 27 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાનું વચન ફરીથી મારી પાસે આવ્યું,
2 “હે મનુષ્યપુત્ર, તૂર વિષે એક પરજિયો ગાઈને
3 તૂરને કહે કે, હે સમુદ્રના બારા પર રહેનાર તથા ઘણા ટાપુઓના લોકોના સોદાગર, તને પ્રભુ યહોવા કહે છે કે, હે તૂર, તેં કહ્યું છે કે, હું સૌદર્યમાં સંપૂર્ણ છું.’
4 તારી સરહદ સમુદ્રમાં છે, તારા બાંધનારાઓએ તને પૂરેપૂરું ખૂબીદાર બનાવ્યું છે.
5 તેઓએ તારાં સર્વ પાટિયાં સનીરથી લાવવામાં આવેલા દેવદારનાં બનાવ્યાં છે. તારે માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનથી એરેજવૃક્ષો લીધાં છે.
6 તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનવ્યાં છે; તેઓએ તારી તૂતક કિત્તિમ બેટોથી લાવવામાં આવેલા સરળ કાષ્ટની તથા હાથીદાંતજડિત બનાવી છે.
7 તારો સઢ મિસરના ભરત ભરેલા શણનો હતો, તે તારી નિશાનની ગરજ સારતો. તારી છત અલિશાહના બેટોમાંથી લાવવામાં આવેલા નીલ તથા જાંબુડિયા કપડા ની હતી.
8 તારા હલેસાં મારનારા સિદોનના તથા આર્વાદના રહેવાસીઓ હતા. હે તૂર, તારામાં જે તારા કુશળ પુરુષો હતા, તેઓ તારા સુકાનીઓ હતા,
9 ગેબાલના આગેવાનો તથા તેના કુશળ માણસો તારી તૂટફાટ દુરસ્ત કરનાર હતા. તારો માલ વેચવાસાટવાને પોતપોતાના ખલાસીઓ સહિત સમુદ્રગમન કરનારાં સર્વ વહાણો તારા બંદરમાં હતાં.
10 ઈરાન, લૂદ તથા પૂટ તારા સૈન્યમાં તારા યોદ્ધાઓ તરીકે હતાં. તેઓએ તારી અંદર ઢાલ તથા ટોપ લટકાવ્યાં હતા; તેઓ તારી શોભા વધારતાં હતાં.
11 તારા કોટ પર ચોતરફ તારા સૈન્ય સાથે આર્વાદમા માણસો હતા, ગામાદીઓ તારા બુરજોમાં હતા. તેઓએ તારા કોટ પર ચોતરફ પોતાની ઢાલો લટકાવી હતી. તેઓએ તારું સૌદર્ય સંપૂર્ણ કર્યું છે.
12 સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે તાર્શીશ તારી સાથે વેપાર કરતો હતો. તેઓ તારા માલને સાટે રૂપું, લોઢું કલાઈ તથા સીસું આપતા.
13 યાવાન, તુબાલ તથા મેશેખ તારી સાથે વેપાર કરતા હતા; તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને તેમને બદલે તારો માલ લેતા.
14 બેથ-તોગારના લોકો ઘોડા, રેવંતો તથા ખચ્ચરો આપીને તારો માલ લેતા.
15 દેદાનના માણસો તારી સાથે વેપાર કરતા હતા. ઘણા ટાપુઓ તારા હાથ નીચે વેપાર કરતા હતા. તેઓ હાથીદાંત તથા અબનૂસનાં નજરાણાં તારે માટે લાવતા.
16 તારી કારીગરીનો માલ પુષ્કળ હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતો હતો. તેઓ નીલમણિ, જાંબુડિયાં વસ્ત્રો, ભરતકામ, બારીક શણ, પરવાળા તથા માણેક આપીને તારો માલ લેતા.
17 યહૂદિયા તથા ઇઝરાયલ દેશના લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, લાખ, મધ, તેલ તથા બોળ આપીને તારો માલ લેતા.
18 તારી સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે દમસ્કસ તારી સાથે વેપાર કરતો હતો. તારી પાસે કારીગરીનો માલ પુષ્કળ હતો તેન બદલે હેલબોનનો દ્રાક્ષારસ તથા સફેદ ઊન આપતો હતો.
19 વેદાન ને યાવાન સૂતર આપીને તારો માલ લેતાં, તારા માલમાં ઘડતરનું લોઢું, તજ તથા દાલચીની હતાં.
20 દેદાન તારી સાથે સવારીના મૂલ્યવાન સાજનો, વેપાર કરતો હતો.
21 અરબસ્તાન તથા કેદારના સર્વ ઉમરાવો તારી સાથેના વેપારીઓ હતા. તેઓ હલવાનો, મેંઢાં તથા બકરાંનો વેપાર કરતા હતા.
22 શેબા તથા રામા તારી સાથે વેપાર કરતા હતા; તેઓ સર્વ પ્રકારના મુખ્ય મુખ્ય તેજાના તથા મૂલ્યવાન જવાહિર તથા સોનું આપીને તારો માલ લઈ જતા.
23 હારાન, કાન્નેહ, એદેન, શેબાના, આશૂરના તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા.
24 તારા બીજા માલની સાથે તેઓ સારી સારી વસ્તુઓ, નીલ તથા ભરતકામના તાકા, ને દોરડાંથી બાંધેલી, એરેજકાષ્ટની બનાવેલી કિંમતી વસ્ત્રની પેટીઓનો તારી સાથે વેપાર કરતા હતા.
25 તાર્શીશનાં વહાણોના કાફલા તારા માલને માટે આવતા હતા. તું ભરસમુદ્રમાં પૂર્ણ સમૃદ્ધિવાન તથા વિખ્યાત થયો હતો.
26 તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે. પૂર્વના વાયુએ સમુદ્રની વચ્ચે તને ભાંગી નાખ્યું છે.
27 તારું દ્રવ્ય, તારો સોદો, તારો માલ, તારા ખલાસીઓ, તારા સુકાનીઓ, તૂટફાટ, દુરસ્ત કરનારા તથા તારો માલ વેચવાસાટવા વાળા, તારી અંદરના તારા સર્વ સૈનિકો, તથા તારી અંદરનું તારું આખું મંડળ, તારા નાશને દિવસે સમુદ્રમાં ગરક થશે.
28 તારા સુકાનીઓની બૂમોના અવાજથી દરિયાકિનારો ધ્રૂજશે.
29 અને જે હલેસાં મારનારાઓ, ખલાસીઓ, તથા સમુદ્રના સુકાનીઓ, પોતપોતાનાં વહાણોમાંથી ઊતરી જશે, તેઓ સર્વ કિનારા પર ઊભા રહેશે.
30 તેઓ તારે માટે શોક કરીને મોટે સાદે વિલાપ કરશે, ને દુ:ખમય પોકાર કરશે, તેઓ પોતાનાં માથાં પર ધૂળ નાખશે, ને રાખમાં આળોટશે.
31 તેઓ તારે લીધે પોતાનાં માથાં બોડાવશે, પોતાને અંગે ટાટ વીંટાળશે, ને હૈયાફાટ તથા દુ:ખમય વિલાપ કરીને તારે માટે રડશે.
32 તેઓ વિલાપ કરીને તારો પરજિયો ગાઈને તારે માટે શોક કરશે, ને કહેશે કે, ‘તૂર કે જે સમુદ્રમાં ચૂપ કરી નંખાયું છે તેના જેવું કોણ છે?’
33 તારો માલ સમુદ્રમાંથી ઊતરતો ત્યારે તું ઘણી પ્રજાઓને સંતુષ્ટ કરતું તું તારા પુષ્કળ દ્રવ્ય તથા માલથી પૃથ્વીના રાજાઓને ધનાડ્ય કરતું.
34 જ્યારે મોજાંઓએ ઊંડા પાણીમાં તને ભાંગી નાખ્યું ત્યારે તારો આખો માલ ને તારું આખું મંડળ તારી સાથે નાશ પામ્યાં.
35 દ્વીપોના સર્વ રહેવાસીઓ તને જોઈને સ્તબ્ધ થઈ ગયા છે, ને તેઓના રાજાઓ બહું ભયભીત થયા છે, તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાઈ ગયો છે.
36 અન્ય પ્રજાઓના વેપારીઓ ત્રાહે ત્રાહે પોકારે છે; તું ત્રાસરૂપ થઈ પડ્યું છે, ને તું ફરી કદી હયાતીમાં આવશે નહિ.”