Bible Language

Ezekiel 31 (GUV) Gujarati Old BSI Version

1 વળી અગિયારમાં વર્ષના ત્રીજા માસની પહેલીએ હોવાનું વચન મારી પાસે આવ્યું,
2 “હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના જનસમૂહને કહે કે, તારા જેવો મોટો બીજો કોણ છે?
3 જો, આશૂરી તો લબાનોનના એરેજવૃક્ષ જેવો હતો, તેની ડાળીઓ સુંદર, તેની છાયા ઘટાદાર, તથા તેનું કદ ઊંચું હતું; તેની ટોચ વાદળ સુધી પહોંચી હતી.
4 ઝરાઓ તેનું પોષણ કરતા, જળાશય તેને વધારતું; તેના રોપાઓની આસપાસ તેની નદીઓ વહેતી હતી; અને તેના વહેળાથી વનમાંના સર્વ વૃક્ષોને પાણી મળતું.
5 એથી તે વનમાંના સર્વ વૃક્ષો કરતા< કદમાં ઊંચું થયું હતું. અને તેની કાંખળીઓ પુષ્કળ થઈ, ને તેને ડાળાં ફૂંટ્યાં ત્યારે પુષ્કળ પાણીને લીધે તે લાંબાં વધ્યાં.
6 તેની ડાંખળીઓમાં સર્વ ખેચર પક્ષીઓ પોતાના માળા બાંધતાં, ને તેના ડાળાં નીચે સર્વ વનચર પશુઓ પોતાના બચ્ચા જણતાં, ને તેની છાયામાં સર્વ મોટી પ્રજાઓ વસતી હતી.
7 એવી રીતે તે પોતાના મહત્વમાં તથા પોતાની ડાળીઓની લંબાઈમાં સુંદર હતું કેમ કે તેનું મૂળ મહા જળ પાસે હતું.
8 ઈશ્વરની વાડીમાંનાં એરેજવૃક્ષો તેને ઢાંકી શકતાં નહિ. દેવદારવૃક્ષો તેની ડાંખળીઓ સમાન પણ નહતાં, ને પ્લેનવૃક્ષો તેની ડાળીઓની બરાબર પણ નહોતાં; ખૂબીમાં પણ ઈશ્વરની વાડીમાંનું ને એકે વૃક્ષ તેની બરોબરી કરી શકતું નહોતું.
9 મેં તેની ડાળીઓના જથ્થાથી તેને એવું સુંદર બનાવ્યું કે ઈશ્વરની વાડીમાંના એટલે એદનનાં સર્વ વૃક્ષો તેની અદેખાઈ કરતાં.
10 પ્રભુ યહોવા કહે છે કે, તે કદમાં ઊંચું થયું છે, ને તેણે પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડી છે, ને તેનું અંત:કરણ તેની ઊંચાઈને લીધે ગર્વિષ્ઠ થયું છે.
11 એથી હું તેને પ્રજાઓમઅં જે પરાક્રમી છે તેના હાથમાં સોંપી દઈશ; તે જરૂર તેની વલે કરશે. મેં તેને તેની દુષ્ટતાને લીધે હાંકી કાઢ્‌યું છે.
12 પ્રજાઓમાંના જે સૌથી નિર્દય છે એવા પરદેશીઓએ તેનો સંહાર કર્યો છે, ને તેને પડતું મૂક્યું છે. તેની ડાળીઓ પર્વતો પર તથા સર્વ ખીણોમાં પડેલી છે, ને તેની ડાંખળીઓ દેશના સર્વ વહેળાઓ પાસે ભાંગી પડેલી છે, અને તેની છાયામાંથી જતા રહીને પૃથ્વીની સર્વ પ્રજાઓએ તેને તજી દીધું છે.
13 તેના ભાંગીતૂટી ગયેલાં અંગો પર સર્વ ખેચર પક્ષીઓ વાસો કરશે, ને સર્વ વનચર પશુઓ તેની ડાળીઓ પર રહેશે.
14 માટે કે પાણી પાસેનાં અને પાણી પીનારાં સર્વ વૃક્ષોમાંના કોઈ પણ કદમાં ઊંચા થઈ જાય, ને પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડે, ને તેમના પરાક્રમીઓ પોતાની ગરદન ઊંચી કરે; કેમ કે તેઓ બીજાં મનુષ્યો સાથે કબરમાં ઊતરી જનારાઓના ભેગા મોતને તથા અધોલોકને સ્વાધીન કરવામાં આવ્યા છે.
15 પ્રભુ યહોવા કહે છે કે, તે શેઓલમાં ઊતરી ગયો તે દિવસે મેં શોક પળાવ્યો. મેં તેને લીધે ઊંડાણ ઢાંક્યું, ને મેં તેની નદીઓને રોકી, ને મહાજળ થંભ્યાં, તેને લીધે મેં લબાનોન પાસે શોક પળાવ્યો, ને તેને લીધે વનનાં સર્વ વૃક્ષો મૂર્છિત થઈ ગયાં.
16 જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના ધબકારાથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી. અને સર્વ પાણી પીનારાં એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં.
17 જેઓ તેના ભુજરૂપ હતા; જેઓ પ્રજાઓમાં તેની છાયામાં વસતા હતા તેઓ પણ તેની સાથે શેઓલમાં તરવારથી કતલ થયેલાઓની પાસે ગયા.
18 ગૌરવમાં તથા મોટાઈમાં એદનનાં વૃક્ષોમાં તારા જેવું કોણ છે? તે છતાં તું એદનના વૃક્ષોની સાથે અધોલોકમાં પડશે. તું તરવારથી કતલ થયેલાઓની સાથે બેસુન્નતોમાં પડ્યો રહેશે. ફારુન તથા તેના સર્વ જનસમૂહો ની વલે છે એમ પ્રભુ યહોવા કહે છે.”