Bible Language

Isaiah 24 (GUV) Gujarati Old BSI Version

1 જુઓ, યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજજડ કરે છે, ને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણખેરણ કરી નાખે છે.
2 જેવી લોકની તેવી યાજકની, જેવી ચાકરની તેવી તેના શેઠની, જેવી દાસીની તેવી તેની શેઠાણીની, જેવી ખરીદનારની તેવી વેચનારની, જેવી ઉછીનું આપનારની તેવી ઉછીનું લેનારની, જેવી લેણદારની તેવી તેના દેણદારની સ્થિતિ થશે.
3 પૃથ્વી ખાલી કરાશે કરાશે, ને લૂંટાશે લૂંટાશે; કેમ કે યહોવા વચન બોલ્યા છે.
4 પૃથ્વી શોક કરે છે ને સુકાઈ જાય છે, દુનિયા ચીમળાઈને સુકાઈ જાય છે, પૃથ્વીના ખાનદાન માણસો સુકાઈ જાય છે.
5 વળી પૃથ્વી તેના રહેવાસીઓ નાં પાપ ને લીધે ભ્રષ્ટ થઈ છે; કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડયો છે.
6 તેથી શાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે, ને તેના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે, અને ઘણાં થોડાં માણસ બાકી રહ્યાં છે.
7 નવો દ્રાક્ષારસ શોક કરે છે, દ્રાક્ષાવેલો સુકાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે.
8 ડફોનો હર્ષ બંધ થાય છે, હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી, વીણાનો હર્ષ બંધ પડે છે.
9 તેઓ ગાયન કરતાં કરતાં દ્રાક્ષારસ પીશે નહિ; દારૂ પીનારાને કડવો લાગશે.
10 ઉજજડ નગર પાયમાલ થયું છે; સર્વ ઘરો બંધ કરવામાં આવ્યાં છે, તેથી કોઈ અંદર પેસે નહિ.
11 ગલીઓમાં દ્રાક્ષારસને માટે બૂમ પડે છે; સર્વ હર્ષ અંધરાયેલો છે, પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે.
12 નગરમાં પાયમાલી થઈ રહેલી છે, ને દરવાજામાં વિનાશ થઈ રહ્યો છે.
13 પૃથ્વીમાં લોકો ઝૂડાયેલા જૈતવૃક્ષ જેવા, દ્રાક્ષાની મોસમ થઈ રહ્યા પછી બાકી રહેલી દ્રાક્ષા જેવા થશે.
14 તેઓ મોટે સાદે બૂમ પાડશે, યહોવાના મહિમાને લીધે તેઓ સમુદ્રને સામે પારથી પોકારશે.
15 તેથી તમે પૂર્વથી યહોવાનો મહિમા ગાઓ, સમુદ્રના બેટોમાં ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામનો મહિમા ગાઓ.
16 પૃથ્વીને છેડેથી આપણે, ‘ન્યાયીઓનો મહિમા થાઓ, એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, હું સુકાઈ જાઉં છું, હું સુકાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે.
17 હે જગતના વાસી, ભય, ખાડો તથા ફાંસલો તારા પર આવી પડયાં છે.
18 વળી એમ થશે કે જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે; જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંસલામાં પકડાશે; કેમ કે આકાશની બારીઓ ઉઘડેલી છે, અને પૃથ્વીના પાયા હાલે છે.
19 પૃથ્વી તદ્દન તૂટી ગએલી છે, પૃથ્વીના ચૂરેચૂરા કરવામાં આવ્યા છે, પૃથ્વી છેક ડોલી ઊઠી છે.
20 પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે, ને ઝૂંપડીની જેમ આમતેમ હાલી જશે; તેનો અપરાધ તે પર ભારરૂપ થઈ પડશે, તે પડશે ને ફરી ઊઠશે નહિ.
21 તે દિવસે યહોવા આકાશમાં ઉચ્ચસ્થાનના સૈન્યને, તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને જોઈ લેશે.
22 જેમ કારાગૃહમાં બંદીવાનોને એકત્ર કરવામાં આવે છે, તેમ તેઓને એકત્ર કરવામાં આવશે, ને તેઓને બંદીખાનામાં બંધ કરવામાં આવશે, અને ઘણા દિવસ પછી તેઓનો ન્યાય કરવામાં આવશે.
23 ત્યારે ચંદ્રને લાજ લાગશે, ને સૂર્ય શરમાશે; કેમકે સૈન્યોના ઈશ્વર યહોવા સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે, અને તેના વડીલોની આગળ પ્રભુનું ગૌરવ દેખાશે.