Bible Language

Isaiah 46 (GUV) Gujarati Old BSI Version

1 બેલ નમી જાય છે, નબો વાંકો વળે છે; તેમની મૂર્તિઓ જાનવરો પર તથા ઢોર પર લાદવામાં આવે છે; જે વસ્તુઓ તમે ઉઠાવી લેતા હતા તે તેઓ પર લાદેલી છે, તેઓ થાકેલાને ભારરૂપ થઈ છે.
2 તેઓ બધા વાકાં વળે છે, તેઓ નમી જાય છે; તેઓ ભારને બચાવી શકતા નથી, વળી તેઓ પોતે બંદીવાન થયા છે.
3 હે યાકૂબનાં સંતાનો તથા ઇઝરાયલનાં સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો, ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે, વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઊંચકીને ફેરવ્યા છે;
4 તમારા ઘડપણ સુધી હું તે છું, પળિયાં આવતાં સુધી હું તમને ઉપાડી લઈશ; મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ; હા, હું તમને ઉપાડી લઈશ, ને તમને બચાવીશ.
5 તમે કોની સાથે મને સરખાવશો, ને કોનો બરાબરિયો મને કરશો? કોની સાથે મારો મુકાબલો કરીને મને સરખાવશો?
6 જેઓ થેલીમાંથી સોનું ઠાલવે છે, ને કાંટાએ રૂપું જોખે છે, તેઓ સોનીને રાખે છે, ને તે એનો દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે, અને પ્રણામ કરે છે.
7 તેઓ તેને ખભા પર ઊંચકે છે, તેને ઉપાડી લઈને તેના પોતાના સ્થાનમાં મૂકે છે, તે ઊભો રહે છે; પોતાના સ્થાનમાંથી તે ખસતો નથી. વળી કોઈ તેને હાંક મારે, પણ તે ઉત્તર આપી શકતો નથી; કે એના સંકટમાંથી તે એને તારી શકતો નથી.
8 હે બંડખોર લોકો, આનું સ્મરણ કરો, અને લજવાઓ; તમે ફરી ધ્યાનમાં લાવો.
9 પુરાતન કાળની બિનાઓનું સ્મરણ કરો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી; હું ઈશ્વર છું, ને મારા જેવો કોઈ નથી,
10 આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ.
11 પૂર્વથી ગીધ પક્ષીને, એટલે દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને, હું બોલાવનાર છું; હું બોલ્યો છું, અને તે પાર પણ પાડીશ; મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.
12 હે હ્રદયના હઠીલા, તથા ન્યાયથી વેગળા રહેનાર, તમે સાંભળો,
13 હું મારો ન્યાય પાસે લાવું છું, તે છેટે રહેનાર નથી, મારા તારણને વાર લાગવાની નથી; હું સિયોનમાં મારું તારણ મૂકીશ, ને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”