Bible Language

Isaiah 57 (GUV) Gujarati Old BSI Version

1 ધર્મિષ્ઠ માણસ નાશ પામે છે, પણ કોઈ માણસ તે ધ્યાનમાં લેતું નથી; અને ધાર્મિક માણસોના પ્રાણ લઈ લેવામાં આવે છે, પણ કોઈ સમજતો નથી કે તેઓને આવતી વિપત્તિઓમાંથી દૂર લઈ જવામાં આવે છે.
2 તે શાંતિમાં પ્રવેશ કરે છે; જે સીધો ચાલે છે તે પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે.
3 પણ તમે જાદુગરણના દીકરા, જારકર્મી તથા વ્યભિચારિણીનાં સંતાન, અત્રે પાસે આવો.
4 તમે કોની મશ્કરી કરો છો? કોની સામે મુખ પહોળું કરીને જીભ કાઢો છો? શું તમે અધર્મિના છોકરાં, અને જૂઠાઓનાં સંતાન નથી?
5 તમે એલોનવૃક્ષો તથા હરેક લીલા ઝાડ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો. નાળાંઓમાં ખડકોની ફાટ નીચે છોકરાંને મારી નાખો છો.
6 નાળામાંના લીસા પથ્થરો માં તારો ભાગ છે. તેઓ તારો હિસ્સો છે. વળી તેઓને તેં પેયાર્પણ રેડયું છે ને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. આવી બાબતો બનવા છતાં હું મૂંગો રહું?
7 મોટા અને ઊંચા પર્વત પર તેં તારું બિછાનું પાથર્યું છે; વળી તું યજ્ઞ કરવા માટે ત્યાં ચઢી ગઈ.
8 અને કમાડ તથા ચોકઠાંની પછવાડે તેં તારું સ્મારક મૂક્યું; કેમ કે મારાથી દૂર થઈને તું પોતાની કાયા ઉઘાડી કરીને ઉપર ચઢી ગઈ. તેં તારું બિછાનું જ્યાં જોયું ત્યાં તેને ચાહ્યું,
9 તું સુગંધીદાર તેલ લઈને મોલેખની પાસે ચાલી ગઈ, ને તેં પુષ્કળ અત્તર ચોળ્યું, ને તારા સંદેશીયાને તેં દૂર સુધી મોકલ્યા, ને શેઓલ સુધી તું નીચે ગઈ.
10 તારો રસ્તો લાંબો હોવાને લીધે તું કાયર થઈ; તોપણ ‘કંઈ આશા નથી’ એવું તેં કહ્યું નહિ; તાજું બળ તને પ્રાપ્ત થયું; તેથી તું નબળી થઈ નહિ.
11 તું કોનાથી બીધી તથા ડરી કે તું જૂઠું બોલે છે, ને મારું સ્મરણ તેં રાખ્યું નથી, ને તે ધ્યાનમાં લીધું નથી? શું કહું ઘણા દિવસથી છાનો રહ્યો, ને તેથી તું મારાથી નથી બીતી?
12 હું તારું ધર્મિષ્ઠપણું કેવું છે તે ઉઘાડું કરીશ; તારાં કામોથી તને કંઈ લાભ થશે નહિ.
13 તું હાંક મારે ત્યારે તારી સંઘરેલી મૂર્તિઓ ભલે તને છોડાવે! પરંતુ વાયુ તે સર્વને ઉડાવી દેશે, પવન તેમને લઈ જશે; પણ જે મારા પર ભરોસો રાખે છે તે દેશનો વારસ થશે, ને મારા પવિત્ર પર્વતનું વતન પામશે.
14 વળી તે કહેશે, “સડક બાંધો, સડક બાંધો, માર્ગ તૈયાર કરો, મારા લોકોના માર્ગોમાંથી હરેક ઠોકરલ ખવડાવનારી વસ્તુ ઉઠાવી લો.”
15 કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.
16 કેમ કે હું સદા વિવાદ કરનાર નથી, ને સર્વકાળ રોષ રાખનાર નથી; રખેને મેં જે આત્માને તથા જે જીવોને પેદા કર્યા છે, તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય.
17 તેણે લોભથી કરેલા અન્યાયને લીધે ક્રોધાયમાન થઈને મેં તેને માર્યો, ને હું રોષમાં સંતાઈ રહ્યો; અને તે તો પોતાના હ્રદયને માર્ગે વળી જઈને ચાલ્યો ગયો.
18 મેં તેના માર્ગો જોયા છે, હું તેને સાજો કરીશ; વળી હું તેને દોરીશ, અને તેને તથા તેમાંના શોક કરનારાઓને હું દિલાસો આપીશ.
19 હું હોઠોના ફળો ઉત્પન્ન કરીશ. યહોવા કહે છે કે, દૂરનાને તથા પાસેનાને શાંતિ, શાંતિ; અને હું તેને સાજો કરીશ.
20 પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે; કેમ કે તે શાંત રહી શકતો નથી, ને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળાં થાય છે.
21 દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી, એમ મારા ઈશ્વર કહે છે.