Bible Language

Jeremiah 31 (GUV) Gujarati Old BSI Version

1 યહોવા કહે છે, “તે સમયે હું ઇઝરાયલનાં સર્વ કુળોનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.”
2 વળી યહોવા કહે છે, “જ્યારે હું ઇઝરાયલને વિશ્રાંતિ આપવા ગયો, ત્યારે તરવારથી બચેલા લોકો વગડામાં કૃપા પામ્યા.”
3 યહોવાએ દૂર દેશમાં મને દર્શન દઈને કહ્યું, “હા, મેં તારા પર અખંડ પ્રેમ રાખ્યો છે; તે માટે મેં તારા પર કૃપા રાખીને તને મારી તરફ ખેંચી છે.
4 હે ઇઝરાયલની કુમારી, હું ફરી તને બાંધીશ, ને તું બંધાઈશ; તું ફરી તારા ડફોથી પોતાને શણગારીશ, ને હર્ષ કરનારા ગાયકગણની સાથે બહાર જઈશ.
5 તું ફરી સમરૂનના પર્વતો પર દ્રાક્ષાવાડીઓ રોપીશ. રોપનારા રોપશે, ને તેઓનાં ફળ ખાશે.
6 કેમ કે એવો સમય આવશે કે જે વખતે એફ્રાઈમ પર્વત પરના ચોકીદારો પોકારશે, ‘ઊઠો, આપણે આપણા ઈશ્વર યહોવાની પાસે સિયોન પર ચઢી જઈએ.’”
7 યહોવા કહે છે, “યાકૂબને લીધે આનંદથી ગાયન કરો, ને પ્રજાઓમાં જે મુખ્ય છે તેને માટે હર્ષનાદ કરો. પ્રગટ કરીને સ્તુતિ કરો, ને કહો, ‘હે યહોવા, તમારા લોકોને, એટલે ઇઝરાયલના બાકી રહેલાઓને, તમે તારો.’
8 જુઓ, હું તેઓને ઉત્તર દેશમાંથી લાવીશ, ને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. તેઓમાં આંધળાં તથા લંગડાં, ગર્ભવતી તથા પ્રસવનારી, બધાં એકઠાં થશે. તેઓનો મોટો સમુદાય અહીં પાછો આવશે.
9 તેઓ રડતાંકકળતાં ને વિનંતીઓ કરતાં આવશે, ને હું તેઓને દોરીશ; અને ઠોકર નહિ વાગે એવા સીધા માર્ગમાં હું તેઓને પાણીનાં નાળાંઓ પાસે ચલાવીશ; કેમ કે હું ઇઝરાયલનો પિતા છું, ને એફ્રાઈમ મારો જ્યેષ્ઠ પુત્ર છે.
10 હે પ્રજાઓ, યહોવાનું વચન સાંભળો, ને દૂરના દ્વીપોમાં તે પ્રગટ કરીને કહે કે, જેમણે ઇઝરાયલને વિખેરી નાખ્યો તે તેને ભેવો કરશે, ને ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાને સંભાળશે.
11 કેમ કે યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કર્યો છે, ને તેના કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે.
12 તેઓ આવીને સિયોનના ઉચ્ચસ્થાન પર ગાયન કરશે, અને ધાન્ય, દ્રાક્ષારસ, તેલ ને ઘેટાંનાં તથા ઢોરનાં ટોળાંનાં બચ્ચાં બધાંમાં યહોવાની કૃપા પામવા માટે તેઓ ભેગા થશે; અને તેઓના જીવ બાગાયત જમીનની વાડી જેવા થશે; અને તેઓ કદી પણ ફરીથી શોક કરશે નહિ.
13 ત્યારે કુમારીઓ ગાયકગણની સાથે આનંદથી નૃત્ય કરશે, તરુણો તથા વૃદ્ધો હરખાશે. હું તેઓના શોકને આનંદરૂપ કરી નાખીશ, તેઓને દિલાસો આપીશ, ને તેઓનું દુ:ખ દૂર કરીને તેઓને હર્ષિત કરીશ.
14 વળી હું યાજકોના જીવને મિષ્ટાન્નથી તૃપ્ત કરીશ, ને મારા લોકો મારી કૃપાથી સંતોષ પામશે.” એવું યહોવા કહે છે.
15 યહોવા કહે છે, “રુદનનો, મોટા વિલાપનો અવાજ રામામાં સાંભળવામાં આવે છે, રાહેલ પોતાનાં છોકરાંને લીધે રડે છે, અને તે પોતાનાં છોકરાં સંબંધી દિલાસો લેવા ના પાડે છે, કેમ કે તેઓ હતાંનહોતાં થયાં છે.
16 યહોવા કહે છે કે, તું વિલાપ કરીને રુદન કરવાનું ને તારી આંખોમાંથી આંસુ પાડવાનું બંધ કર; કેમ કે તારો શ્રમ સફળ થશે, એવું યહોવા કહે છે; તેઓ શત્રુના દેશમાંથી પાછા આવશે.
17 તારી આખરની સ્થિતિ સારી થશે એવી આશા છે; એવું યહોવા કહે છે. તારાં છોકરાં પોતાના દેશમાં પાછાં આવશે.
18 ખચીત મેં એફ્રાઈમને તેના પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો કે, ‘તમે મને શિક્ષા કરી છે, ને વગર પલોટેલા વાછરડાની જેમ મને શિક્ષા થઈ છે; તમે મને ફેરવો, એટલે હું ફરીશ; કેમ કે તમે મારા ઈશ્વર યહોવા છો.
19 ખરેખર મારા ફેરવાયા પછી મેં પશ્ચાત્તાપ કર્યો, અને બોધ પામ્યા પછી મેં જાંઘ પર થબડાકો મારી; મેં મારી તુણાવસ્થાનાં પાપને લીધે અપમાન સહ્યું, તેથી હું લજ્જિત તથા વ્યાકુળ થયો.’
20 શું એફ્રાઈમ મારો લાડકો દીકરો નથી? શું તે પ્રિય પુત્ર નથી? કેમ કે જ્યારે જ્યારે હું તેની વિરુદ્ધ બોલું છું ત્યારે ત્યારે તે મને ખરેખર યાદ આવે છે. તેથી તેને માટે મારી આંતરડી કકળે છે! હું ખચીત તેના પર દયા કરીશ, એવું યહોવા કહે છે.
21 “તારે માટે માર્ગમાં નિશાનો કરી મૂક, તારે માટે સ્તંભો ઊભા કર; જે માર્ગે તું ગઈ હતી તે રાજમાર્ગ તું ધ્યાનમાં રાખ. હે ઇઝરાયલની કુમારી, પાછી આવ, તારાં નગરોમાં પાછી આવ.
22 હે હઠી જનારી દીકરી, તું ક્યાં સુધી અહીંતહીં રઝળતી ફરીશ? કેમ કે યહોવાએ પૃથ્વીમાં નવી વાત ઉત્પન્ન કરી છે, સ્ત્રી પુરુષને ઘેરી લેશે.”
23 સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જ્યારે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ત્યારે યહૂદિયાના દેશમાં તથા તેનાં નગરોમાં લોકો ફરીથી આશીર્વચન કહેશે, ‘હે ન્યાયનિકેતન, હે પવિત્ર પર્વત, યહોવા તને આશીર્વાદ આપો.’
24 યહૂદિયા તથા તેનાં નગરોમાં બધાં ભેગાં રહેશે. ખેડૂતો તથા જેઓ ઘેટાંનાં ટોળાની સાથે ફરે છે, તેઓ પણ ત્યાં રહેશે.
25 કેમ કે મેં થાકેલા જીવને તૃપ્ત કર્યો છે, તથા દરેક દુ:ખી જીવને સમૃદ્ધ કર્યો છે.”
26 ત્યારે હું જાગ્યો, ને જોયું; અને મારી ઊંઘ મને મીઠી લાગી.
27 યહોવા કહે છે, “જુઓ, એવા દિવસો આવે છે કે જ્યારે હું ઇઝરાયલના તથા યહૂદાના વંશમાં મનુષ્યનું બી તથા પશુનું બી વાવીશ.
28 ત્યારે એવું થશે કે, જેમ ઉખેડવાને તથા ખંડન કરવાને, પાડી નાખવાને, નષ્ટ કરવાને તથા દુ:ખ દેવાને મેં તેઓના પર નજર રાખી હતી; તેમ બાંધવાને તથા રોપવાને હું તેઓના પર નજર રાખીશ, એવું યહોવા કહે છે.
29 તે સમયે ‘પિતાઓને ખાટી દ્રાક્ષા ખાધી, ને પુત્રોના દાંત ખટાઈ ગયા છે, એવું તેઓ ફરી કહેશે નહિ.
30 પણ દરેક પોતાના અન્યાયને લીધે મરશે. જે માણસો ખાટી દ્રાક્ષા ખાશે તે સર્વના દાંત ખટાઈ જશે.”
31 યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ.
32 જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય! હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડયો, એવું યહોવા કહે છે.
33 પણ યહોવા કહે છે, “હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે છે: હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ, તેઓના હ્રદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.
34 વળી યહોવાને ઓળખો, એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ; કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે; હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.” એવું યહોવા કહે છે.
35 જે યહોવા દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યની તથા રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્રની તથા તારાઓની ગતિના નિયમો ઠરાવે છે, જે સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાંઓ ગર્જના કરે છે, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, તે આમ કહે છે:
36 જો મારી આગળ નિયમોનો ભંગ થાય, તો ઇઝરાયલના સંતાનો પણ મારી આગળ હમેશને માટે એક પ્રજા તરીકે ગણાતાં બંધ થાય, એવું યહોવા કહે છે.
37 વળી યહોવા કહે છે, “જો ઉપરના આકાશને માપી શકાય, તથા નીચેના પૃથ્વીના પાયાની શોધ કરી શકાય, તો જે જે ઇઝરાયલનાં સંતાનોએ કર્યું છે તે સર્વને માટે હું પણ તે સંતાનો નો ત્યાગ કરીશ, એવું યહોવા કહે છે.
38 વળી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયમાં નગર હનામેલના બુરજથી તે ખૂણાની ભાગળ સુધી યહોવાને માટે બાંધવામાં આવશે.
39 વળી સીધા રસ્તે માપતાં પ્રમાણસૂત્ર છેક ગોરેબ પર્વત સુધી પહોંચશે, અને ત્યાંથી વળીને ગોઆહ સુધી જશે.
40 મુડદાંઓની તથા રાખની આખી ખીણ, કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડાભાગળના ખૂણા સુધી, યહોવાને માટે પવિત્ર થશે; તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ, ને પાડી નાખવામાં આવશે નહિ.”