Bible Language

Job 11 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે સોફાર નામાથીએ ઉત્તર આપ્યો,
2 “શું ઝાઝા શબ્દોનો ઉત્તર આપવો જોઈએ? અને શું બહુબોલો માણસ ન્યાયી ઠરે?
3 શું તારી ફૂલાશના તડાકાથી માણસો ચૂપ થઈ જાય? અને તું મશ્કરી કરે ત્યારે શું તને કોઈ માણસ નહિ શરમાવે?
4 કેમ કે તું કહે છે કે, મારો મત ખરો છે, અને હું તારી દ્દષ્ટિમાં ચોખ્ખો છું.
5 પણ જો ઈશ્વર બોલે, અને તારી વિરુદ્ધ પોતાનું મોં ઉઘાડે;
6 અને તે તને જ્ઞાનના મર્મો સમજાવે કે, ખરું જ્ઞાન તો બહુવિધ છે, તો કેવું સારું! તે માટે જાન કે, તારા અન્યાયને લીધે તને યોગ્ય છે તે કરતાં ઈશ્વર તારા પર થોડી શિક્ષા લાવે છે.
7 શું તું શોધ કરવાથી ઈશ્વર ના મર્મો નો પત્તો મેળવી શકે? શું શોધી શોધીને સર્વશક્તિમાનનો પાર તું પામી શકે?
8 તે ગગન જેટલું ઊંચું છે; એમાં તારું શું વળે? તે શેઓલ કરતાં ઊંડું છે; તું શું જાણી‍ શકે?
9 તેનું માપ પૃથ્વી કરતાં લાંબું, અને સમુદ્ર કરતાં પહોળું છે.
10 જો તે કોઈને પકડીને કેદમાં પૂરે, અને ન્યાયાસન આગળ બોલાવે, તો તેમને કોણ રોકી શકે?
11 કેમ કે તે નિર્માલ્ય માણસોને જાણે છે; અને અન્યાયને તથા અવિચારી માણસને જુએ છે.
12 પણ નિર્માલ્ય માણસને તે બુદ્ધિમાન કરે છે, અને જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે.
13 જો તું તારું મન સીધું રાખે, અને તેમની ભણી તારા હાથ લાંબા કરે;
14 તારામાં જે પાપ હોય, તે જો તું છેક દૂર કરે, અને અનીતિને તારા તંબુઓમાં રહેવા દે,
15 તો નિશ્ચે તું નિર્દોષ ઠરીને તારું મુખ ઊંચું કરશે. હા, તું દઢ થશે, અને ડરશે નહિ.
16 કેમ કે તું તારું દુ:ખ વીસરી જશે, વહી ગયેલા પાણીની જેમ તે તને યાદ આવશે.
17 તારી જિંદગી બપોર કરતાં તેજસ્વી થશે; અંધકાર હશે તો પણ તે પ્રભાતના જેવી થશે.
18 આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે; હા, તું ચોતરફ જોશે, અને સહીસલામત આરામ લેશે.
19 વળી તું સૂઈ જશે અને તને કોઈ બીવડાવશે નહિ. હા, ઘણા તારી આગળ અરજ ગુજારશે.
20 પણ દુષ્ટોની આંખો ક્ષીણ થઈ જશે, અને તેઓને નાસી જવાનો કોઈ માર્ગ નહિ રહે, અને મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.”