Bible Language

Job 34 (GUV) Gujarati Old BSI Version

1 અલિહૂએ વળી આગળ બોલતાં કહ્યું,
2 “હે શાણા પુરુષો, તમે મારા શબ્દો સાંભળો; અને હે, જ્ઞાનીઓ, તમે મારા કહેવા પર ધ્યાન આપો.
3 કેમ કે જેમ તાળવું અન્નનો સ્વાદ પારખે છે, તેમ કાન શબ્દોની પરીક્ષા કરે છે.
4 આપણે પોતાને માટે જે વાજબી છે તેને પસંદ કરીએ. સારું શું છે તે આપણે અંદરઅંદર સમજીએ.
5 કેમ કે અયૂબે કહ્યું છે, ‘હુમ ન્યાયી છું, અને ઈશ્ચરે મારો હક ડુબાવ્યો છે;
6 હું ન્યાયી છું તેમ છતાં જૂઠો ગણાઉં છું; નિર્દોષ છું, તોપણ મારો ઘા અસાધ્ય છે.’
7 અયૂબના જેવો કયો માણસ છે? તે તો તિરસ્કારને પાણીની જેમ પી જાય છે,
8 તે કુકર્મીઓનો સંગ કરે છે, અને ભૂંડા માણસોની સોબત કરે છે.
9 તેણે કહ્યું છે, ‘માણસ ઈશ્વરમાં આનંદ માને, તેમાં તેને કંઈ લાભ નથી.’
10 માટે, હે સમજુ માણસો, તમે મારું સાંભળો. દુષ્ટતા કરવી ઈશ્વરથી અળગું રહો. અને અન્યાય કરવો સર્વશક્તિમાનથી દૂર થાઓ.
11 કેમ કે માણસના કામનું ફળ તે તેને આપશે, અને દરેક માણસને તેના આચારવિચાર પ્રમાણે બદલો આપશે.
12 નિશ્ચે ઈશ્વર દુષ્ટતા કરશે નહિ, અને‍સર્વશક્તિમાન કદી પણ ન્યાય ઊંધો વાળશે નહિ.
13 તેમને પૃથ્વીનો અધિકાર કોણે સોંપ્યો છે? અથવા આખી દુનિયાની વ્યવસ્થા કોણે કરી છે?
14 જો તે માણસ પર પોતાનું અંત:કરણ લગાડે, જો તે તેનો આત્મા ને તેનો શ્વાસ પોતાની પાસે પાછો ખેંચી લે;
15 તો સર્વ દેહધારીઓ એકદમ નાશ પામે, અને મનુષ્ય પાછું ધૂળમાં મળી જાય.
16 હવે જો તને બુદ્ધિ હોય તો મારું સાંભળ; મારો બોધ ધ્યાનમાં લે.
17 જે ન્યાયનો દ્વેષ કરે તે શું અધિકારી હોય? ન્યાયી તથા પરાક્રમી ઈશ્વર ને તું દોષપાત્ર ઠરાવશે શું?
18 તે રાજાને કહે છે, ‘તું અધમ છે, અને ઉમરાવોને કહે છે, ‘તમે દુષ્ટ છો;’
19 તે સરદારોની શરમ નથી રાખતા, અને ગરીબ કરતાં ધનવાનને વધારે નથી ગણતા, તેઓ સર્વ તેમના હાથનાં કૃત્યો છે.
20 એક પળમાં, મધરાતે, તેઓ મરી જાય છે. લોકોને આંચકો લાગે છે એટલે તેઓ લોપ થઈ જાય છે. બળવાનો કોઈ પણ માણસના કર્યા સિવાય નાશ પામે છે,
21 કેમ કે તેમની આંખો મનુષ્યના આચારવિચાર ઉપર છે, તે તેની બધી વર્તણૂક જુએ છે.
22 દુષ્કર્મીઓ સંતાઈ શકે એવો કોઈ અંધકાર કે મૃત્યુછાયા નથી.
23 કેમ કે માણસ ઈશ્વરની હજૂરમાં ન્યાયાસન આગળ ખડો થાય, ત્યારે તેને માટે તેમને વિચાર કરવાને કશો વિલંબ લાગતો નથી.
24 તે અદભુત રીતે સમર્થ માણસને ભાંગીને ચૂરા કરે છે, અને તેમની જગાએ બીજાઓને સ્થાપન કરે છે.
25 માટે તે તેઓનાં કામોની ખબર લે છે. અને તે તેમને રાતમાં એવા પાયમાલ કરે છે કે તેમનો વિનાશ થઈ જાય છે.
26 દુષ્ટ માણસો તરીકે તે તેઓને ખુલ્લી રીતે બીજાઓના દેખતાં મારે છે;
27 કેમ કત તેમને અનુસરતાં તેઓ તેમનાથી વિમુખ થયા, અને તેમના કોઈ પણ માર્ગની દરકાર તેઓએ કરી નહિ.
28 આમ તેઓએ ગરીબની બૂમ તેમની પાસે પહોંચાડી, અને તેમણે દુ:ખીઓની બૂમ સાંભળી.
29 જ્યારે તે શાંતિ આપે, ત્યારે તેમને દોષપાત્ર કોણ ઠરાવી શકે? વળી પ્રજાથી અથવા માણસથી તે પોતાનું મુખ અદશ્ય રાખે, ત્યારે તેમને કોણ જોઈ શકે?
30 આથી અધર્મી માણસ રાજ કરી શકે, અને લોકોને ફાંદામાં નાખનાર કોઈ ટકી શકે નહિ.
31 શું કોઈએ ઈશ્વરને એમ કહ્યું છે, ‘મેં શિક્ષા વેઠી છે, માટે હવે પછી હું પાપ કરીશ નહિ?”
32 અથવા ‘જે હું સમજતો નથી તે તમે મને શીખવો. જો મેં અન્યાય કર્યો હોય, તો હું હવે પછી એવું કરીશ નહિ.’
33 તું તેમનો ઈનકાર કરે છે, માટે શું તે તારી મરજી પ્રમાણે બદલો આપે? કેમ કે તારે પસંદ કરવું જોઈએ, અને મારે નહિ; માટે જે કંઈ તું જાણતો હોય, તે બોલ.
34 સમજણા માણસો મને કહેશે, હા, મારું સાંભળનાર દરેક જ્ઞાની પુરુષ મને કહેશે,
35 ‘અયૂબ જ્ઞાન વગર બોલે છે, અને તેના શબ્દો ડહાપણ વગરના છે.’
36 દુષ્ટ માણસની જેમ ઉત્તર આપ્યાને લીધે અયૂબની અંત સુધી પરીક્ષા થાય તો કેવું સારું!
37 કેમ કે તે પોતાના પાપમાં દંગાનો ઉમેરો કરે છે, તે આપણા દેખતાં તાળીઓ પાડે છે, અને ઈશ્વરની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.”