Bible Language

Job 36 (GUV) Gujarati Old BSI Version

1 વળી અલિહૂએ આગળ વધીને કહ્યું,
2 “થોડી ધીરજ રાખ, હું તને બતાવીશ; હજીએ ઈશ્વરના પક્ષમાં હું કેટલુંક બોલવાનો છું.
3 હું વેગળેથી બહુવિધ જ્ઞાન લાવીને મારો કર્તા ન્યાયી છે હું સાબિત કરીશ.
4 કેમ કે નિશ્ચે મારા શબ્દો જૂઠા નથી; પૂરો જ્ઞાની માણસ તારી સામે છે.
5 જો, ઈશ્વર પરાક્રમી છે, અને કોઈનો તુચ્છકાર કરતા નથી. તે મહા બુદ્ધિમાન છે.
6 તે દુષ્ટોનું રક્ષણ કરતા નથી; પણ દુ:ખીઓના હકની સંભાળ લે છે.
7 નેક માણસો ઉપરથી તે પોતાની દષ્ટિ પાછી ખેંચી લેતા નથી; પણ તે તેઓને રાજાઓની સાથે ઊંચા આસન પર સદા બેસાડે છે, અને તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવે છે.
8 જો તેઓને બેડીઓ પહેરાવવામાં આવે, અને જો તેઓ વિપત્તિમાં સપડાય;
9 તો તે તેઓને તેઓનાં અહંકારથી કરેલા કૃત્યો, તથા તેઓના અપરાધો બતાવે છે.
10 વળી શિક્ષણ તરફ તે તેઓના કાન ઉઘાડે છે, અને અન્યાયથી પાછા ફરવાની તેઓને આજ્ઞા કરે છે.
11 જો તેઓ સાંભળીને તેમને શરણે જાય, તો તેઓ પોતાના દિવસો આબાદીમાં, અને પોતાનાં વર્ષો સુખચેનમાં ગુજારશે.
12 પણ જો તેઓ નહિ સાંભળે, તો તેઓ તરવારથી નાશ પામશે, અને તેઓ જ્ઞાન પામ્યા વિના મરણ પામશે.
13 પણ જેઓનાં હ્રદય અધર્મી છે તેઓ તેમના કોપનો સંગ્રહ કરે છે; તે તેઓને બંધનમાં નાખે છે, ત્યારે તેઓ મદદને માટે બૂમ પાડતા નથી.
14 તેઓ જુવાનીમાં મરણ પામે છે, અને તેમનો જીવ દુષ્ટોની સાથે નાશ પામે છે.
15 તે વિપત્તિવાનને વિપત્તિમાંથી છોડાવે છે, અને જુલમ વડે તેઓને સાંભળતા કરે છે.
16 તે તને સંકટમાંથી કાઢીને સંકડાશ વગરની બહોળી જગામાં દોરી જાત; અને તારી મેજ પર પીરસેલું મિષ્ટાન્ન પુષ્કળ હોત.
17 પણ દુષ્ટોને ન્યાયથી જે સજા થાય તેથી તું ભરપૂર છે; ન્યાયશાસન તથા ન્યાય તારું ગ્રહણ કરે છે.
18 સાવધ રહે; રખેને ક્રોધ તને આડે માર્ગે દોરીને તને મજાક કરવાને લલચાવે, અને તારાં દુ:ખો ભારે હોવાથી તું આડે માર્ગે વળી જાય.
19 શું તારું દ્રવ્ય અથવા તારી બધી શક્તિઓ તને સંકટમાંથી ઉગારી શકે?
20 જે રાત્રે પ્રજાઓ પોતપોતાની જગાએથી નાશ પામે છે, તેવી રાતની ઇચ્છા રાખ.
21 સાવધ થા, અન્યાયનો વિચાર દૂર કર; કેમ કે સંકટ સહન કરવા કરતાં તેં એને વધારે પસંદ કર્યો છે.
22 જો, ઈશ્વર પોતાના સામર્થ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે; તેમના જેવો‍શિક્ષક કોણ છે?
23 તે જે કાર્યો કરે છે તે કોઈના ફરમાવ્યાથી કરે છે? અથવા ‘તેં અનીતિ કરી છે’ એમ કોઈ તેમને કહી શકે?
24 તેમના જે કામનાં સ્તોત્રો લોકો ગાતા આવ્યા છે તેને લીધે તેમની સ્તુતિ કરવાનુમ યાદ રાખ.
25 બધા લોકોએ તે પર નજર રાખી છે; માણસો ઘણે દૂરથી તે નિહાળે છે.
26 જો, ઈશ્વર મહાન છે, તેમને આપણે પૂરેપૂરા ઓળખી શકતા નથી; તેમનાં વર્ષોની સંખ્યા અગમ્ય છે.
27 કેમ કે તે પાણીનાં ટીપાં ઉપર ખેંચી લે છે, તેની વરાળ થઈને તે વરસાદરૂપે વરસે છે.
28 તેને તે વાદળાંમાંથી નીચે મોકલે છે, અને મનુષ્ય ઉપર પુષ્કળ વરસાવે છે.
29 અરે, વાદળોનો વિસ્તાર કેટલો છે, તથા તેના ગગનમંડપમાં ગર્જનાઓ કેવી રીતે થાય છે તે કોણ સમજી શકે?
30 જુઓ, તે પોતાનો પ્રકાશ પોતાની આસપાસ પ્રસારે છે; તે પર્વતોની ટોચો તેથી ઢાંકી દે છે.
31 કેમ કે તેઓથી તે લોકોનો ન્યાય કરે છે. તે પુષ્કળ અન્ન આપે છે.
32 તે પોતાના હાથથી વીજળીને મોકલે છે, અને પોતાના ઘારેલા નિશાન પર પડવાની તેને આજ્ઞા કરે છે.
33 તેની ગર્જના તેના વિષે ખબર આપે છે; આવતા તોફાન વિષે ઢોર દ્વારા પણ સમાચાર પહોંચાડે છે.