Bible Language

Job 38 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયૂબને ઉત્તર આપતાં કહ્યું,
2 “અજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર કોણ છે?
3 હવે મરદની જેમ તારી કમર બાંધ, કેમ કે હું તને પૂછીશ, અને તું મને ઉત્તર આપ.
4 જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય, તો કહી દે.
5 જો તું જાણતો હોય તો કહે, તેનાં માપ કોણે ઠરાવ્યાં? અને તેને માપવાની દોરી કોણે લંબાવી?
6 શા ઉપર તેના પાયા સજડ બેસાડવામાં આવ્યા? જ્યારે પ્રભાતના તારાઓ ભેગા મળીને ગાયન કરતા હતા,
7 અને સર્વ ઈશ્વરદૂતો હર્ષનાદ કરતા હતા, તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડયો?
8 અથવા કહે કે, જાણે ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર ધસી આવ્યો, ત્યારે તેને બારણાથી બંધ કોણે કર્યો?
9 જ્યારે મેં વાદળને તેનું વસ્ત્ર બનાવ્યું, અને ગાઢ અંધકારથી તેને વીંટી લીધો,
10 તેને માટે મેં હદ ઠરાવી આપી, અને ભૂંગળો તથા બારણાં બેસાડયાં,
11 અને તેને કહ્યું, ‘તારે અહીં સુધી આવવું, પણ એથી આગળ વધવું નહિ; અને અહીં તારાં ગર્વિષ્ટ મોજાં અટકાવી દેવામા આવશે’ ત્યારે તું ક્યાં હતો?
12 શું તેં તારા આખા આયુષ્યમાં સવારને કદી આજ્ઞા કરી છે, અને પ્રભાતને તેનું સ્થળ જણાવ્યું છે કે,
13 તે પૃથ્વીની સરહદોને પકડીને, તેઓમાંથી દુષ્ટોને ખંખેરી નાખે?
14 જેમ બીબા પ્રમાણે માટીના આકારો જુદા જુદા થાય છે, અને બધી વસ્તુઓ વસ્ત્રની માફક જેમ દીપી નીકળે છે, તેમ તે બદલાય છે;
15 અને દુષ્ટોને તેમનો પ્રકાશ પહોંચાડવામાં આવતો નથી, અને ગર્વિષ્ટોના હાથ ભાંગી નાખવામાં આવે છે.
16 શું તું સમુદ્રના ઝરાઓનાં મૂળમાં દાખલ થયો છે? કે તેના ઊંડાણની શોધમાં તું ફરી વળ્યો છે?
17 શું મરણદ્વારો તારી આગળ ખુલ્લાં થયાં છે? કે મૃત્યુછાયાના દરવાજા શું તેં જોયા છે?
18 શું પૃથ્વીનો વિસ્તાર તારા ખ્યાલમાં આવ્યો છે? જો બધું તું જાણતો હોય, તો કહી બતાવ.
19 પ્રકાશના આદિસ્થાનમાં જવાનો માર્ગ ક્યાં છે? અને અંધકારનું સ્થળ ક્યાં છે? કે
20 તું તેની સીમનો પત્તો કાઢે, અને તેના મકાન સુધોનો રસ્તો તું જુએ?
21 નક્કી તું તો જાણતો હશે, કેમ કે તું તો ત્યારે જનમ્યો હતો, અને તારું આયુષ્ય લાંબું છે!
22 શું તું બરફના ભંડારોમાં ગયો છે? અથવા કરાના ભંડારો શું તેં જોયા છે?
23 તેમને મેં સંકટના દિવસોને માટે અને યુદ્ધ તથા સંગ્રામના દિવસને મટે ભરી મૂક્યા છે.
24 કયે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે, અને પૂર્વનો વાયુ પૃથ્વી પર કયે માર્ગે પ્રસરે છે?
25 પાણીની રેલને માટે કોને નાળાં ખોદ્યાં છે? અથવા ગર્જનાની વીજળીને માટે માર્ગ કોણે બનાવ્યો છે? કે
26 જેથી જ્યાં કોઈ માણસ વસતું નથી ત્યાં, અથવા જ્યાં કોઈ માણસ નથી એવા અરણ્યમાં તે તેને વરસાવે;
27 જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય; અને કુમળું ઘાસ ઊગી નીકળે?
28 શું વરસાદને પિતા છે? ઝાકળનાં ટીપાંને કોને જન્મ આપ્યો છે?
29 હિમ કોના ગર્ભસ્થાનમાંથી નીકળ્યું? અને આકાશનું ધોળું ઠરી ગયેલું ઝાકળ કોણે પેદા કર્યું છે?
30 પાણી તો જાણે પથ્થરની માફક ઠરી જાય છે, અને ઊંડાણની સપાટી જામી જાય છે.
31 શું તું કૃત્તિકા નક્ષત્રને બાંધી શકે છે? અથવા મૃગશીર્ષના બંધ છોડી શકે છે?
32 શું તું રાશિઓને વખતસર ચલાવી શકે છે? શું તું સપ્તર્ષિને તેના મંડળસહિત દોરી શકે છે?
33 શું તું આકાશના નિયમો જાણે છે? શું તું તેની સત્તા પૃથ્વીમાં સ્થાપી શકે છે?
34 શું તું તારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકે છે, જેથી તું પુષ્કળ વરસાદ લાવી શકે?
35 શું તું વીજળીઓને એવી રીતે ચમકાવી શકે કે, તેઓ જઈને તને કહે, ‘અમે અહીં છીએ?’
36 વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે? અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે?
37 વાદળોની ગણતરી કરવાને કોની અક્કલ પહોંચી શકે? અથવા આકાશની મશકો કોણ રેડી શકે કે,
38 જેથી ધૂળ ભીંજાઈને લોંદો થઈ જાય છે? અને ઢેફાં એકબીજા સાથે સજડ ચોંટી જાય છે?
39 શું તું સિંહણને માટે શિકાર પકડી શકે? અથવા સિંહનાં બચ્ચાની ભૂખ ભાંગી શકે?
40 એટલે જ્યારે તેઓ પોતાનાં કોતરોમાં લપાઈ રહે છે, અને શિકારની વાટ જોઈને ઓથે છુપાઈ રહે છે ત્યારે?
41 જ્યારે કાગડાનાં બચ્ચાં ઈશ્વરની આગળ પોકાર કરે છે, અને અન્ન વગર ભટકે છે, ત્યારે તેને ભક્ષ કોણ પૂરું પાડે છે?