Bible Language

Job 9 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો,
2 “હું ખરેખર જાણું છું કે એમ છે; પણ માણસ ઈશ્વરની આગળ કેમ કરી ન્યાયી ઠરે?
3 જો તે એની સાથે વિવાદ કરવાને ઈચ્છે, તો હજાર પ્રશ્નો માંથી એકનો પણ ઉત્તર તે એમને આપી શકે નહિ.
4 તો જ્ઞાની તથા સામર્થ્યવાન છે; તેમની સામો થઈને કોણ આબાદાની પામ્યો છે?
5 તે પર્વતોને ખસેડે છે, અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે, ત્યારે તેઓને તેની ખબર પડતી નથી.
6 તે ધરતીને હલાવીને પોતાને સ્થળેથી ખસેડે છે, અને તેના સ્તંભો કંપે છે.
7 તે સૂર્યને આજ્ઞા કરે, તો તે ઊગતો નથી; અને તારાઓને બંધ કરીને છાપ મારે છે.
8 તે એકલા આકાશને વિસ્તારે છે, અને સમુદ્રનાં મોજાં પર વિચરે છે.
9 તે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકાના તથા દક્ષિણના નક્ષત્રમંડળ ના સરજનહાર છે.
10 તે અગમ્ય મહાન કૃત્યો, હા, અગણિત ચમત્કારી કાર્યોના કર્તા છે.
11 તે મારી પાસેથી જાય છે, તોપણ હું તેમને દેખતો નથી, વળી તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી.
12 તે પકડી લે તો તેમને કોણ રોકશે? તેમને કોણ કહેશે, ‘તમે શું કરો છો?’
13 ઈશ્વર પોતાનો કોપ પાછો ખેંચી નહિ લેશે; અભિમાનીને સહાય કરનારાઓ તેમની આગળ નમી પડે છે.
14 ત્યારે તેમને ઉત્તર આપવાને, તથા તેમની સાથે વાદવિવાદ કરવાને યોગ્ય શબ્દો ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું?
15 જો હું ન્યાયી હોત, તોપણ હું તેમને ઉત્તર આપત; હું મારા ન્યાયધીશને કાલાવાલા કરત.
16 જો મેં તેમને બોલાવ્યા હોત, અને તેમણે મને ઉત્તર આપ્યો હોત, તોપણ હું માનત નહિ કે, તેમણે મારો સાદ સાંભળ્યો છે.
17 કેમ કે તે તોફાન વડે મારા ચૂરેચૂરા કરે છે, અને વિનાકારણ મારા ઘા વધારે છે.
18 તે મને શ્ચાસ લેવા દેતા નથી, પણ મને કષ્ટથી ભરપૂર કરે છે.
19 જો પરાક્રમીના બળ વિષે બોલીએ, તો તે બળવાન છે! જો ઇનસાફ વિષે બોલીએ તો મને અરજ કરવાનો વખત કોણ ઠરાવી આપશે?
20 જો હું નિર્દોષ હોઉં, તોપણ મારે પોતાને મોઢે હું દોષિત ઠરીશ; જો હું સંપૂર્ણ હોઉં, તોપણ તે મને ભ્રષ્ટ ઠરાવશે.
21 પણ હું સંપૂર્ણ છું! તોપણ હું મારી પોતાની દરકાર કરતો નથી; હું મારી જિંદગીનો ધિક્કાર કરું છું.
22 તો બધું એક ને એક છે; તેથી હું કહું છું કે, તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ વિનાશ કરે છે.
23 જો ફટકાથી તત્કાળ મોત નીપજે, તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે.
24 પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે; તે તેમના ન્યાયાધીશોનાં મોઢાં પર ઢાંકપિછોડો કરે છે; જો તે કૃત્ય એમનું હોય, તો બીજો કોણ એવું કરે?
25 મારા દિવસો તો કાસદથી વધારે વેગવાળા છે; તેઓ વેગે વહી જાય છે, તેઓમાં કંઈ હિત સધાતું નથી.
26 તેઓ વેગવાળાં વહાણોની જેમ તથા શિકાર ઉપર તલપ મારતા ગરૂડની જેમ જતા રહે છે.
27 જો હું કહું કે, હું મારી ફરિયાદો વીસરીશ, હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ;
28 તો હું મારી બધી વેદના વિષે બીહું છું, હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણશો.
29 હું દોષિત ઠરવાનો છું જ; તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું?
30 જો હું બરફના પાણીથી સ્નાન કરું, અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું;
31 તોપણ તમે મને ખાઈમાં નાખી દેશો, અને મારાં પોતાનાં વસ્ત્રો મને કંટાળો આપશે.
32 કેમ કે તે મારા જેવો માણસ નથી કે હું તેમને ઉત્તર આપું કે, અમે તેમના ન્યાયાસન આગળ વાદીપ્રતિવાદી થઈએ.
33 અમારી વચમાં કોઈ મધ્યસ્થ નથી કે, જે અમ બન્ને ઉપર પોતાનો હાથ મૂકે.
34 જો તે પોતાની સોટી મારા પરથી ઉઠાવી લે, અને તે મને ડરાવે નહિ;
35 તો તેમની બીક રાખ્યા વગર હું બોલું; કેમ કે હું જાતે ડરું એવો નથી.