Bible Language

Revelation 4 (GUV) Gujarati Old BSI Version

1 બનાવો બન્યા પછી મેં જોયું, તો જુઓ, આકાશમાં એક દ્વાર ઊઘડેલું હતું! અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણશિંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવાનું છે તે હું તને બતાવીશ.”
2 એકાએક હું આત્મામાં હતો અને જુઓ, આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, તે રાજ્યાસન પર એક જણ બેઠેલા હતા.
3 જે બેઠેલા હતા તે દેખાવમાં યાસપિસ પાષાણ તથા લાલ જેવા હતા. અને રાજયાસનની આસપાસ એક મેધધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો.
4 રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં. તે આસનો પર ચોવીસ વડીલોને બેઠેલા મેં જોયા, તેઓએ ઊજળાં વસ્‍ત્ર પહેરેલાં હતાં, અને તેઓના માથા પર સોનાના મુગટ હતા.
5 રાજયાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે, અને રાજયાસનની આગળ અગ્નિના સાત દીવા બળે છે તે ઈશ્વરના સાત આત્મા છે.
6 રાજયાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. અને રાજયાસનની મધ્યે તથા રાજયાસનની આસપાસ આગળ પાછળ આંખોમાંથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં.
7 પહેલું પ્રાણી સિંહના જેવું હતું, ને બીજું પ્રાણી વાછરડાના જેવું હતું, ને ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, ને ચોથું પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું.
8 તે ચાર પ્રાણીમાંના દરેકને પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં, તેઓ “પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ ઈશ્વર, સર્વશક્તિમાન જે હતા, જે છે, ને જે આવનાર છે, એમ કહેતાં રાતદિવસ વિસામો લેતાં નથી.
9 રાજયાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનાં જ્યારે તે પ્રાણીઓ મહિમા, માન તથા સ્તુતિ ગાશે,
10 ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે, ને જે સદાસર્વકાળ જીવંત છે તેમની આરાધના કરશે, ને રાજ્યાસન આગળ પોતાના મુગટ નાખી દઈને કહેશે,
11 “ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે યોગ્ય છો. કેમ કે તમે સર્વને ઉત્પન્‍ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”