Bible Language

Jonah 3 (GUV) Gujarati Old BSI Version

1 પછી યહોવાનું વચન બીજી વાર યૂનાની પાસે આવ્યું,
2 “ઊઠ, મોટા નગર નિનવે જઈને હું જે બોધ તને ફરમાવું તે બોધ તેને કર.”
3 આથી યૂના ઊઠીને યહોવાના વચન પ્રમાણે નિનવે ગયો. નિનવે તો બહું મોટું શહેર હતું. ત્રણ દિવસની મુસાફરી જેટલો તેનો ઘેરાવો હતો.
4 યૂનાએ નગરમાં દાખલ થઈને એક દિવસની મુસાફરી કરી, અને પોકારીને કહ્યું, “ચાળીસ દિવસ પછી નિનવેનો નાશ થશે.”
5 નિનવેના લોકોએ ઈશ્વર ના વચન પર વિશ્વાસ કર્યો. અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પિટાવીને મોટાથી તે નાના સુધી સર્વએ ટાટ પહેર્યું.
6 નિનવેના રાજાને વાતની ખબર થઈ, એટલે તે પોતાની ગાદી પરથી ઊઠ્યો, ને પોતાનો ઝબ્બો પોતાના અંગ પરથી ઉતારી નાખીને ને પોતાને અંગે ટાટ ઓઢીને રાખમાં રાખમાં બેઠો.
7 અને તેણે તથા તેના અમીરોએ કરેલા ઠરાવ પ્રમાણે નિનવેમાં સર્વત્ર ઢંઢેરો પિટાવ્યો, “માણસ તેમ ઢોરઢાંક તથા ઘેટાંબકરાં પણ કંઈ પણ ચાખે નહિ. તેઓ ખાય નહિ, તેમ પાણી પણ પીએ નહિ.
8 પણ માણસ તથા પશું બંને ટાટ ઓઢે, ને તેઓ ઈશ્વરની આગળ મોટેથી પોકાર કરે. હા, તેઓ સર્વ પોતપોતાના દુષ્ટ આચરણો તજે તથા પોતપોતાને હાથે થતો જોરજુલમ બંધ કરે.
9 આથી કદાચ ઈશ્વર પોતાનો વિચાર બદલીને પશ્ચાતાપ કરે, ને પોતાનો ઉગ્ર કોપ તજી દે, જેથી આપણો નાશ થાય.”
10 તેઓનાં કામ ઈશ્વરે જોયાં, કે તેઓએ પોતાનાં દુષ્ટ આચરણોને તજી દીધાં. આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિષે તેમને પશ્ચાતાપ થયો. અને તેમણે તે આપત્તિનો અમલ કર્યો નહિ.