Bible Language

Psalms 136 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા અનંતકાળ ટકનાર છે.
2 દેવોના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
3 પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
4 જે એકલા મોટા ચમત્કારો કરનાર છે તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
5 જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્‍ન કર્યાં છે તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
6 જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
7 મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
8 દિવસ પર અમલ કરવાને જેમણે સૂર્ય બનાવ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
9 રાત ઉપર અમલ કરવાને જેમણે ચંદ્ર તથા તારા બનાવ્યા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
10 પ્રથમ જન્મેલાઓને સંહારીને જેમણે મિસરને માર્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
11 વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવી લાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
12 બળવાન બાહુ તથા લાંબા કરેલા હાથ વડે તેઓને છોડાવી લાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
13 જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
14 તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઊથલાવી નાખનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
16 જેમણે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
17 મોટા રાજાઓને મારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
18 નામાંકિત રાજાઓને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
19 એટલે અમોરીઓના રાજા સિહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
20 તથા બાશાનના રાજા ઓગને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
21 જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
22 જેમણે તે પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
23 જેમણે આપણી દીનાવસ્થામાં આપણને સંભાર્યાં તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
24 જેમણે આપણા શત્રુઓના હાથમાંથી આપણને છોડાવ્યા છે તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
25 જે બધાં પ્રાણીઓને અન્‍ન આપે છે તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
26 આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.