Bible Language

1 Kings 11 (IRVGU) Indian Revised Version - Gujarati

1 હવે સુલેમાન રાજાને ફારુનની દીકરી ઉપરાંત બીજી ઘણી વિદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, આમ્મોની, અદોમી, સિદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રેમ થયો હતો.
2 જે પ્રજાઓ વિષે યહોવાહે ઇઝરાયલી લોકોને કહ્યું હતું, “તમારે તેઓની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા નહિ, તેમ તેઓ તમારા પરિવારમાં આવે નહિ, કેમ કે તેઓ જરૂર તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે.” પણ સુલેમાન તે વિદેશી સ્ત્રીઓને વળગી રહ્યો. PEPS
3 સુલેમાનને રાજવંશમાંની સાતસો પત્નીઓ અને ત્રણસો ઉપપત્નીઓ હતી. તેની પત્નીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું.
4 સુલેમાનની વૃદ્ધાવસ્થામાં તેની પત્નીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ વાળી દીધું. અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના ઈશ્વર યહોવા પ્રત્યે સંપૂર્ણ રહ્યું નહિ. PEPS
5 સુલેમાન સિદોનીઓની દેવી આશ્તોરેથનો તથા આમ્મોનીઓના ધિક્કારપાત્ર મિલ્કોમ દેવનો પૂજારી થયો.
6 રીતે સુલેમાને ઈશ્વરની દ્રષ્ટિમાં અઘટિત કાર્ય કર્યું અને તેના પિતા દાઉદની જેમ તે સંપૂર્ણ હૃદયથી ઈશ્વરને અનુસર્યા નહિ. PEPS
7 પછી સુલેમાને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માટે યરુશાલેમની નજીક આવેલા પર્વત પર એક ઉચ્ચસ્થાન બંધાવ્યું.
8 તેણે પોતાની સર્વ વિદેશી પત્નીઓ માટે પણ એમ કર્યું. તેઓ પોતપોતાના દેવોની આગળ ધૂપ બાળતી તથા યજ્ઞ કરતી હતી. PEPS
9 ઈશ્વર સુલેમાન પર ખૂબ કોપાયમાન થયા. કારણ કે ઈશ્વરે તેને બે વખત દર્શન આપ્યાં છતાં તેણે પોતાનું હૃદય ઈશ્વરથી ફેરવી લીધું હતું.
10 અને તેમણે તેને આજ્ઞા આપી હતી કે તેણે અન્ય દેવની પૂજા કરવી નહિ તેમ છતાં તેણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું નહિ. PEPS
11 તેથી ઈશ્વરે સુલેમાનને કહ્યું, “કેમ કે તેં કર્યું છે અને આપણી વચ્ચે થયેલા કરાર તથા વિધિઓનું પાલન તેં કર્યું નથી અને મારી આજ્ઞા માની નથી, તેથી હું તારી પાસેથી રાજય ખૂંચવી લઈશ અને તારા ચાકરને તે આપીશ.
12 તેમ છતાં તારા પિતા દાઉદને કારણે તું જીવતો રહીશ ત્યાં સુધી હું નહિ કરું, પરંતુ તારા પુત્રના હાથમાંથી હું રાજય ખૂંચવી લઈશ.
13 તેમ છતાં પણ હું આખું રાજય નહિ લઈ લઉં; પરંતુ હું મારા સેવક દાઉદને તથા યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે તેને અર્થે હું તારા પુત્રને એક કુળ આપીશ.” PEPS
14 પછી ઈશ્વરે અદોમી હદાદને સુલેમાનના શત્રુ તરીકે ઊભો કર્યો, તે રાજવંશનો હતો.
15 જ્યારે દાઉદ અદોમમાં હતો અને સેનાપતિ યોઆબ મારી નંખાયેલાઓને દફનાવવા ત્યાં ગયો હતો ત્યારે તેણે અદોમના દરેક પુરુષને મારી નાખ્યા હતા.
16 અદોમના દરેક પુરુષને મારી નાખતા સુધી એટલે કે મહિના સુધી યોઆબ અને સર્વ ઇઝરાયલીઓ ત્યાં રહ્યા હતા.
17 પણ હદાદ, તે વખતે બાળક હતો, તે તેના પિતાના કેટલાક ચાકરોમાંના અદોમી માણસોની સાથે મિસર ભાગી ગયો હતો. PEPS
18 તેઓ મિદ્યાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાં તેઓએ થોડા માણસોને ભેગા કર્યા. ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી.
19 હદાદ ફારુનની દ્રષ્ટિમાં કૃપા પામ્યો અને તેથી તેણે તેની પત્ની રાણી તાહપાનેસની બહેનનું લગ્ન હદાદ સાથે કર્યું. PEPS
20 તાહપાનેસની બહેને હદાદના પુત્ર ગનુબાથને જન્મ આપ્યો અને તેને તાહપાનેસે ફારુનના રાજમહેલમાં ઉછેરી મોટો કર્યો, તે ફારુનનાં બાળકો સાથે રહેતો.
21 જયારે હદાદને મિસરમાં સમાચાર મળ્યા કે દાઉદ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો છે અને તેનો સેનાપતિ યોઆબ પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે તેણે ફારુનને કહ્યું, “મને અહીંથી વિદાય કર કે જેથી હું મારા પોતાના દેશમાં પાછો જાઉં.”
22 પરંતુ ફારુને કહ્યું, “મારા ત્યાં તને શી ખોટ પડી છે કે તું તારા દેશમાં પાછો જવા માગે છે?” હદાદે કહ્યું, “ખોટ તો કશી પડી નથી, તોપણ મને જવા દે.” PEPS
23 ઈશ્વરે સુલેમાનની વિરુદ્ધ એક બીજો શત્રુ ઊભો કર્યો. તે એલ્યાદાનો પુત્ર રઝોન હતો. જે તેના માલિક સોબાના રાજા હદાદેઝેર પાસેથી નાસી ગયો હતો.
24 સમયે જ્યારે દાઉદે સોબા પર હુમલો કર્યો ત્યારે રઝોને પોતાની સાથે કેટલાક માણસોને ભેગા કર્યા અને પોતે તેનો સરદાર બની ગયો. ત્યાંથી તેઓએ દમસ્કસ જઈને વસવાટ કર્યો અને રઝોને દમસ્કસમાં રાજ કર્યું.
25 સુલેમાનના સર્વ દિવસો દરમિયાન તે ઇઝરાયલનો શત્રુ થઈને રહ્યો અને તેની સાથે હદાદે પણ નુકશાન કર્યું. રઝોનને ઇઝરાયલ પર તિરસ્કાર હતો અને તેણે અરામ પર રાજ કર્યું. PEPS
26 પછી ઝેરેદાના એફ્રાઇમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો, જેની માનું નામ સરુઆ હતું, જે વિધવા હતી. તેણે પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો હતો.
27 યરોબામે સુલેમાન રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવ્યો તેનું કારણ છે કે સુલેમાન મિલ્લોનગરનું બાંધકામ કરતો હતો અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું સમારકામ કરાવતો હતો. PEPS
28 યરોબઆમ પરાક્રમી માણસ હતો. સુલેમાને જોયું કે તે યુવાન માણસ ઉદ્યોગી હતો તેથી તેણે તેને યૂસફના ઘરના મજૂરોનો મુકાદમ ઠરાવ્યો.
29 તે સમયે, જ્યારે યરોબામ યરુશાલેમની બહાર ગયો ત્યારે શીલોનો પ્રબોધક અહિયા એને રસ્તામાં મળ્યો. અહિયાએ નવાં વસ્ત્ર પહેર્યાં હતાં, અને તેઓ બન્ને ખેતરમાં તદ્દન એકલા હતા.
30 પછી અહિયાએ પોતે પહેરેલા નવા વસ્ત્રને પકડીને, તેને ફાડીને બાર ટુકડાં કરી નાખ્યા. PEPS
31 પછી તેણે યરોબઆમને કહ્યું કે, “આમાંથી દસ ટુકડાં લે, કારણ કે ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, 'જુઓ, સુલેમાનના હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને હું તને દસ કુળ આપીશ.
32 પણ મારા સેવક દાઉદ તથા યરુશાલેમ નગર કે જેને મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેની ખાતર હું સુલેમાનને એક કુળ આપીશ.
33 કારણ કે તેણે મારો ત્યાગ કર્યો છે અને સિદોનીઓની દેવી આશ્તોરેથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે મારા માર્ગે ચાલ્યો નથી અને મારી દ્રષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નહિ અને તેના પિતા દાઉદે જેમ મારા બધા વિધિઓ અને આજ્ઞાઓ પાળ્યા હતા, તે પ્રમાણે તેઓએ તેનું પાલન કર્યું નહિ. PEPS
34 તેમ છતાં પણ મારા પસંદ કરેલા સેવક દાઉદે મારા વિધિઓ તથા આજ્ઞાઓનું પાલન કરેલું હોવાને લીધે, હમણાં હું સુલેમાન પાસેથી આખું રાજય ખૂંચવી લઈશ નહિ, પણ તેના બાકીના જીવનકાળ દરમિયાન તે રાજ્ય કરશે.
35 પરંતુ હું તેના પુત્રના હાથમાંથી રાજય લઈ લઈશ અને તને દસ કુળ આપીશ.
36 સુલેમાનના પુત્રને હું એક કુળ આપીશ, જેથી યરુશાલેમ નગર કે જેને મારું નામ રાખવા પસંદ કર્યું છે તેમાં મારા સેવક દાઉદનો દીવો મારી આગળ સદા સળગતો રહે. PEPS
37 હું તારો સ્વીકાર કરીશ અને તું તારા મનની સઘળી ઇચ્છાઓ અનુસાર રાજ કરશે. તું ઇઝરાયલનો રાજા થશે.
38 જો તું મારી બધી આજ્ઞાઓનું પાલન કરીને અને મારા સેવક દાઉદની જેમ મારી દ્રષ્ટિમાં જે સારું છે તે કરશે તથા મારા બધા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરશે, મારે માર્ગે ચાલશે તો હું તારી સાથે રહીશ, જેમ મેં દાઉદની માટે અવિચળ ઘર બાંધ્યું તેમ તારા માટે પણ બાંધીશ અને ઇઝરાયલનું રાજ્ય તને આપીશ.
39 હું દાઉદના વંશજોને સજા કરીશ, પણ કાયમ માટે નહિ કરું.'” PEPS
40 તેથી સુલેમાને યરોબામને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શીશાક પાસે નાસી ગયો અને સુલેમાનના મૃત્યુ સુધી મિસરમાં રહ્યો.
41 હવે સુલેમાન સંબંધિત બાકીની બાબતો, તેણે જે સર્વ કર્યું, તેનું જ્ઞાન બાબતો વિષે સુલેમાનના કૃત્યોનાં પુસ્તકમાં લખેલું નથી?
42 સુલેમાને આખા ઇઝરાયલ પર યરુશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યું.
43 સુલેમાન પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો દીકરો રહાબામ રાજા બન્યો. PE