Bible Versions
Bible Books

Ezekiel 13 (GUV) Gujarati Old BSI Version

1 ફરીથી મને યહોવાની વાણી સંભળાઇ:
2 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના પ્રબોધકોને મારી ચેતવણી સંભળાવ; પ્રબોધકો જેઓ પોતાને મન ફાવે તેમ કહે છે તેમને યહોવા જે કહે છે તે સાંભળવા માટે તું કહેે,
3 ‘યહોવા મારા માલિકના વચન સાંભળો: દુષ્ટ પ્રબોધકોનો અંત આવી ગયો છે! તેઓ પોતાના દુષ્ટ આત્મા વડે પ્રેરણા મેળવે છે, તેઓ કોઇ સંદર્શન જોતા નથી.
4 “‘હે ઇસ્રાએલીઓ, તમારા પ્રબોધકો ખંડિયેરમાં વસતાં શિયાળવા જેવા છે.
5 તેમણે કદી ઇસ્રાએલ ફરતેના કોટમાં પડેલાં ગાબડાં પૂરવા જવાની હિંમત કરી નથી કે જેથી ઇસ્રાએલીઓ યહોવાને દિવસે યુદ્ધમાં ટક્કર ઝીલી શકે.
6 “‘તેઓ જે જુએ છે તે આભાસ છે અને તેઓ જૂઠાણાં ઘડી કાઢી ઉચ્ચારે છે. તેઓ એમ કહે છે કે, “અમે યહોવાની વાણી ઉચ્ચારીએ છીએ,’ અને પોતે ઉચ્ચારેલી વાણી સાચી પડે તેવી અપેક્ષા રાખે છે. પરંતુ મેં તેમને મોકલ્યા નથી;
7 “‘બીજી બાજુ હું તો કહું છું કે, તમે જે જુઓ છો તે તો આભાસ છે, અને તમે જૂઠાણા ઘડી કાઢો છો. તમે એમ કહો છો કે મારાં વચન છે, પણ મેં તેમને કશું કહ્યું નથી.”‘
8 યહોવા મારા માલિક તેમને કહે છે, “તમે ખોટી વાણી ઉચ્ચારો છો અને જૂઠાં દર્શનની વાત કરો છો, તેથી હું તમારી વિરુદ્ધ થઇ ગયો છું.
9 ખોટાં સંદર્શનની વાત કરનાર અને જૂઠી વાણી ઉચ્ચારનાર પ્રબોધકોને હું સજા કરનાર છું. મારા લોકોની સભામાં તેમને સ્થાન નહિ મળે તેમના નામ ઇસ્રાએલીઓના ઇતિહાસમાં નોંધવામાં નહિ આવે. તેઓ ઇસ્રાએલની ધરતી પર ફરીથી પગ મૂકી શકશે નહિ. અને ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.
10 “આ જૂઠા પ્રબોધકોએ મારા લોકોને એમ કહીને છેતર્યા છે કે,’ ત્યાં શાંતિ હશે.’ જ્યારે ત્યાં કોઇ શાંતિ નથી હોતી, તેથી મારા લોકો ફકત નબળી વાડ બાંધે છે, અને પ્રબોધકો તેને મજબૂત દેખાડવા માટે થઇને તેને ચૂનો ધોળીને ઢાંકી દે છે.
11 તું ચૂનો ધોળનારાઓને કહી દે; ભીત તો પડી જશે. યહોવા મૂશળધાર વરસાદ મોકલશે; કરા વરસશે અને તોફાની વાવાઝોડું તેને તોડી પાડશે.
12 કોટની ભીત તૂટી પડશે અને લોકો પૂછશે, ‘તમે ધોળેલો ચૂનો ક્યાં છે!”‘
13 એટલે યહોવા મારા માલિક કહે છે: “હા હું તે ભીતને તોડી પાડવા રોષે ભરાઇને વાવાઝોડું મોકલીશ, મૂશળધાર વરસાદ અને કરા મોકલીશ.
14 તમે દિવાલ પર ચૂનો ધોળ્યો છે તેને હું તોડી પાડીશ, ભોયભેગા કરી નાખીશ, તેના પાયા ખુલ્લા પડી જશે. અને પડશે ત્યારે તમે એની નીચે કચઢાઇને મરી જશો. ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું.
15 ભીંત પર અને તે લોકો પર મારો રોષ ઠાલવ્યા પછી હું તમને કહીશ: ‘ભીતો ગઇ અને તેને ચૂનો ધોળનારા પ્રબોધકો પણ ગયા.’
16 “કારણ કે તેઓ જૂઠા પ્રબોધકો છે. શાંતિ નહિ હોવા છતાં યરૂશાલેમમાં શાંતિ થશે એવો દાવો કરે છે.” આમ યહોવા મારા માલિક કહે છે.
17 “અને હવે, હે મનુષ્યના પુત્ર, તારા લોકની જે પુત્રીઓ પોતાને પ્રબોધિકાઓ માને છે અને પોતાને યહોવા તરફથી વાણી સંભળાઇ છે, એમ કહીને ઢોંગ કરે છે તેઓની વિરુદ્ધ પ્રબોધ કર.
18 તેઓને કહે કે ‘યહોવા મારા માલિક કહે છે: જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે, અને નાનામોટા લોકોને ફસાવવા માટે જુદી જુદી લંબાઇના બુરખા પહેરે છે, તેઓને અફસોસ! શું તમે મારા લોકોનો જીવનો શિકાર કરશો, અને તમારા પોતાના જીવ બચાવી રાખશો?
19 મુઠ્ઠીભર જવના દાણા માટે અને રોટલીના ટુકડા માટે તમે મારા નામ પર નિંદા લાવ્યા છો. જેઓએ મૃત્યુ પામવાને યોગ્ય કશું કર્યું નથી તેઓને તમે મારી નાખ્યા છે. જેઓ જીવવાને યોગ્ય નથી તેઓને તમે બચાવી લીધા છે. મારા લોકો આગળ તમે જૂઠું બોલો છો.
20 “તેથી યહોવા પ્રમાણે કહે છે: “તમે તમારા દોરાધાગાથી મારા લોકોને પક્ષીઓની માફક સપડાવ્યા છે. હું તમારા દોરાધાગાની વિરુદ્ધ છું. હું દોરાધાગા તમારા હાથ પરથી તોડી નાખીશ અને તમે જેઓને વશમાં રાખવા માંગો છો તેમને હું છોડી મૂકીશ.
21 તમારા બુરખાઓને હું ફાડી નાખીશ. અને મારા લોકોને તમારામાંથી બચાવી લઇશ. હવે પછી તેઓ તમારી જાળમાં ફસાશે નહિ, અને ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું.”
22 “‘હું નીતિમાન લોકો ઉપર દુ:ખ લાવ્યો નહોતો તે છતાં તમે તમારા જૂઠાણાંમાંથી તેમને નિરાશ કર્યા છે. અને તમારા જૂઠા પ્રબોધકો દુષ્ટ લોકોને એટલું પ્રોત્સાહન આપે છે કે તેઓ પોતાનાં ભૂંડાં જીવનથી પાછા ફરતા નથી અને પોતાનાં જીવન બચાવતા નથી.
23 પરંતુ હવે પછી સમજીલ્યો કે તમારાં ખોટાં દર્શનનો અને તમારી જૂઠી ભવિષ્યવાણીનો અંત આવ્યો છે. હું મારા લોકોને તમારા હાથમાંથી ઉગારી લેનાર છું અને ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું.”‘
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×