Bible Versions
Bible Books

Lamentations 5 (GUV) Gujarati Old BSI Version

1 હે યહોવા, અમારા પર શું શું વીત્યું છે તેનું સ્મરણ કર; ને અપમાન પર નજર કર.
2 દેશ વિદેશીઓના હાથમાં ગયો છે, અમારા ઘરબાર પારકાઓના કબજામાં ગયા છે.
3 અમે અનાથ અને નબાપા થઇ ગયા છીએ, ને અમારી માતાઓ વિધવા થઇ ગઇ છે.
4 પીવાના પાણીના પૈસા આપવા પડે છે. અને લાકડાં પણ વેચાતાં લેવા પડે છે.
5 અમારી ડોક પર ઝૂંસરી મૂકી અમને પશુની જેમ હાંકવામાં આવે છે. અમે હવે અનહદ થાકી ગાય છીએ; અમને વિશ્રામ મળતો નથી.
6 અમારે પેટ ભરીને રોટલો મેળવવા માટે મિસર અને આશ્શૂર સામે હાથ જોડવા પડ્યા.
7 પાપ કરનારા અમારા પિતૃઓ રહ્યા નથી. અમારે તેમના પાપની સજા ભોગવવી પડે છે.
8 શાસન કરે છે ગુલામો અમારા પર. તેમના હાથમાંથી અમને છોડાવનાર કોઇ નથી.
9 જીવને જોખમે અમારે રોટલો મેળવવો પડે છે; વગડામાં તરવારનું જોખમ છે.
10 દુકાળની ભડભડતી અગનજાળથી અમારી ચામડી ભઠ્ઠી જેવી તપી ગઇ છે.
11 અમારી સ્ત્રીઓનો સિયોનમાં બળાત્કાર થાય છે, અને કુમારીકાઓનો યહૂદાના નગરોમાં.
12 અમારા આગેવાનોને તેમના હાથ વડે લટકાવી દેવામાં આવે છે, અને વડીલોને કોઇ માન આપતું નથી.
13 જુવાનો પાસે ચક્કી પીસાવવામાં આવે છે. અને છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.
14 વડીલો હવે ચોરે બેસતા નથી. જુવાનિયાઓએ ગાવાનું છોડી દીધું છે
15 અમારા અંતરનો આનંદ મરી પરવાર્યો છે. અમારાં નૃત્યો આક્રંદમાં પરિણમ્યા છે.
16 અમારે માથેથી મુગટ પડી ગયો છે, દુર્ભાગ્ય અમારૂ! કારણકે અમે પાપ કર્યા છે.
17 આને કારણે અમારા હૃદય બીમાર થઇ ગયા છે, અને આને લીધે અમારી આંખોએ અંધારા આવી ગયા છે.
18 કારણકે સિયોનનો પર્વત ઉજ્જડ થઇ ગયો છે જગ્યા, જ્યાં શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.
19 પણ, યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. પેઢી-દરપેઢી રાજ્યાસન ચાલુ રહે છે.
20 તું શા કારણે અમને ભૂલી જાય છે? તેં શા માટે આટલા બધા દિવસ સુધી અમારો ત્યાગ કર્યો છે?
21 અમને પાછા લઇ લે, હે યહોવા! ત્યારે અમે ફરીથી તારા થઇ જઇશું. અમને નવું જીવન આપ જેવું તેં ઘણા વર્ષ પહેલા કર્યું હતું.
22 પણ તેં અમને સંપૂર્ણ નકાર્યા છે; તું અમારા પર બહુ કોપાપમાન થયો છે. 
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×