Bible Versions
Bible Books

Psalms 92 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના, પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
2 દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
3 પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો, અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
4 હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
5 હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
6 ઊંડો વિચાર કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી, અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
7 દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે, ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે. પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
8 પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.
9 હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે; અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
10 પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે; મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.
11 મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે; અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.
12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે; તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે, અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે. તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×